કોડીનારના માઢવાડ બંદરના ખારવા સમાજ તેમજ કોળી સમાજના માછીમારોએ પોતાના ધંધા રોજગાર બંધ પાળ્યા હતા અને ફિશીંગ બંધ કરીને એક વિશાળ રેલી યોજી હતી. આ રેલી દ્વારા જેતપુરના ટેક્સટાઇલ ઉદ્યોગના ઝેરી પાણીને પોરબંદરના સમુદ્રમાં ઠાલવવાની યોજનાનો વિરોધ કરવામાં આવ્યો હતો અને કોડીનાર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સામાન્ય રીતે ચોમાસા અને સાયક્લોનના સમયે દરિયામાં ફિશીંગ બંધ કરવામાં આવે છે, પરંતુ આજે ન તો ચોમાસાની સિઝન છે કે ન તો સમુદ્રમાં તોફાન, છતાં સમુદ્રમાં માછીમારો દ્વારા ફિશીંગ બંધ રાખવામાં આવ્યું હતું. માઢવાડ બંદરથી કોડીનાર સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માઢવાડ સમસ્ત ખારવા સમાજના પટેલ લાલજીભાઈ લખમભાઈ ગોહેલ તેમજ માઢવાડ કોળી સમાજના પટેલ કાલિદાસભાઈ ભગવાનભાઈ વંશની આગેવાની હતી. રેલી બાદ કોડીનાર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.