સરકારે ખેડુતો પાસેથી ટેકાના ભાવે ખરીદેલી મગફળીના બાકી નાણા ચૂકવવા અમરેલી જિલ્લા કિસાન સંઘે કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે. કિસાન સંઘના જિલ્લા પ્રમુખ સામતભાઇ જેબલિયાએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, ચાલુ સીઝનમાં સરકાર દ્વારા ખેડુતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી હતી. એક મહિના અગાઉ જમા કરાવેલી મગફળીના નાણા હજુ સુધી ૨૦ ટકા જેટલા ખેડુતોને ચુકવાયા નથી. આ અંગે અધિકારીઓને રજૂઆત કરવાં છતાં યોગ્ય જવાબ મળતા નથી. ખેડુતોને અત્યારે લગ્ન સીઝન તેમ જ અન્ય કામમાં નાણાની ખૂબ જ જરૂરીયાત હોવાથી તેમને વ્યાજે રૂપિયા લાવવા પડે છે તેવી સ્થિતિ ઊભી થઇ છે. આ ઉપરાંત કિસાન સંઘે એવી પણ ચીમકી આપી છે કે, જો તાત્કાલિક નાણા ચૂકવવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે એક દિવસીય આંદોલન કરવાની ફરજ પડશે. આ અંગેની રજુઆત ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયા, કૃષિ મંત્રી જીતુભાઇ વાઘાણી અને કિસાન સંઘ-ગાંધીનગરને પણ કરવામાં આવી છે.