ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી, સોયાબીન, મગ અને અડદ જેવા ખરીફ પાકોની ખરીદી માટે ૧ થી ૧૫ સપ્ટેમ્બર સુધી ઓનલાઈન નોંધણી કરવાની જાહેરાત કરવામાં આવી. પરંતુ આ પ્રક્રિયાના પહેલા જ દિવસે ખેડૂતોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઓનલાઈન નોંધણીમાં સર્વર ઠપ થતા સતત બીજા દિવસે રાજ્યના ખેડૂતોને હાલાકી ભોગવવી પડી રહી છે.
ગીર સોમનાથ જિલ્લામાં સતત બીજા દિવસે પણ પોર્ટલ બંધ રહેતાં ખેડૂતો ભારે પરેશાન થયા હતા. મગફળી અને સોયાબીનના રજિસ્ટ્રેશન માટે ખેડૂતો લાંબી કતારમાં ઉભા રહ્યા, પરંતુ સર્વર ન ખૂલતાં તેઓ નિરાશ પાછા ફર્યા. જયારે અમરેલી જિલ્લામાં પણ સમાન પરિસ્થિતિ જાવા મળી. અમરેલી જિલ્લામાં પણ રજિસ્ટ્રેશન માટેનું ઈ-સમૃદ્ધ પોર્ટલ બે દિવસથી બંધ રહેતાં હજારો ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. પોર્ટલ બંધ રહેતાં ગ્રામ્ય પંચાયતોમાં કાગળોનો ખડકલો થઈ ગયો છે.
રાજ્યભરના ખેડૂતોમાં આ પરિસ્થિતિને લઈને ભારે નારાજગી છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર જાહેરાત તો કરી દે છે પરંતુ યોગ્ય તકનીકી વ્યવસ્થા ઉભી કરતી નથી. પરિણામે, ખેડૂતોએ લાઈનમાં કલાકો સુધી ઊભા રહીને પણ રજિસ્ટ્રેશન ન કરી શકવાના કારણે ગુસ્સો વ્યક્ત કર્યો છે. ખેડૂતોએ હવે સરકાર પાસે વહેલી તકે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવા માગ કરી છે.
ઓનલાઈન નોંધણીમાં સર્વર ઠપ થવા અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે પહેલા દિવસે જ એકસાથે હજારો ખેડૂતોનું રજિસ્ટ્રેશન થતાં સર્વર ઠપ થયું હતું. જા કે તેમણે ખાતરી આપી છે કે જો જરૂરી પડશે તો સરકાર નોંધણી માટેનો સમયગાળો લંબાવશે જેથી તમામ ખેડૂતો પોતાની નોંધણી કરી શકે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું, “ગઈકાલથી એટલે કે પહેલી તારીખથી ટેકાના ભાવે જે ખેડૂતો પોતાની જણસીઓને વેચવાની હોય, તેના ખેડૂતોની ઓનલાઈન નોંધણી કરવા માટેનો પહેલો દિવસ હતો. એમાં એક જ સાથે ખેડૂતોએ નોંધણી માટે ધસારો કરતા પોર્ટલ ઓવરલોડ થઈ જવાથી વારંવાર ખોરવાઈ જવાના બનાવો બન્યા છે. આજે અમે એના માટે વ્યવસ્થા કરી અને આ નોંધણી પ્રક્રિયા ચાલુ રાખીશું. આ નોંધણીની પ્રક્રિયા ૧૫ દિવસ ચાલુ રહેવાની છે, અને જરૂર પડ્યે સમય મર્યાદા પણ વધારી આપવામાં આવશે.”






































