મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્ય સરકારના સાહસ જીએસપીસી અને તેની ગ્રુપ કંપનીઝ દ્વારા સીએસઆર અંતર્ગત નિર્માણ થનારી ૬૦૭ આંગણવાડી કેન્દ્રો-નંદઘરના નિર્માણનો ઈ-શુભારંભ કરાવતા સંબોધન કરી રહ્યા હતા. તેમણે આ નંદઘર- આંગણવાડી કેન્દ્રો નિર્માણનો ઈ-શુભારંભ નાણાં-ઉર્જામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, મહિલા બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા તથા મુખ્ય સચિવ શ્રી રાજકુમાર અને વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાને આંગણવાડીને નંદઘર અને આંગણવાડી કાર્યકર બહેનોને માતા યશોદા કહી છે ત્યારે આંગણવાડીમાં આવતા બાળકના ઘડતરમાં યશોદા માતા જેવા કર્તવ્યભાવથી બહેનો સેવારત રહે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, બાળકને આંગણવાડીમાં નિયમિત આવવાની પ્રેરણા થાય તેવું પ્રોત્સાહક વાતાવરણ બનાવવું જોઈએ.
મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે, દેશ આઝાદીની શતાબ્દી ૨૦૪૭મા મનાવતો હશે ત્યારે હાલ આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો યુવા વયે પહોંચ્યા હશે.આ યુવાશક્તિમાં રાષ્ટ્રહિત ઉજાગર થાય તેવા સંસ્કાર બાળપણથી જ કેળવવાનું અને ભાવિ પેઢીના ઉમદા ઘડતરનું કર્તવ્ય પોઝિટિવ-સકારાત્મક અભિગમથી નિભાવીને સમાજહિતની મળેલી તકને સાર્થક કરવા અને નકારાત્મકતા દૂર કરવા તેમણે પ્રેરક આહવાન કર્યું હતું. મુખ્યમંત્રીએ જીએસપીસીના આ સમાજ હિતકારી અભિગમની પ્રસંશા કરતાં એમ પણ કહ્યું કે, રાજ્ય સરકાર અદ્યતન અને સુવિધા સભર તથા ગુણવત્તાયુક્ત આંગણવાડીઓના નિર્માણ માટે પૂરતું ભંડોળ આપવા તત્પર છે.
આ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણ વિભાગની વિવિધ યોજનાઓનો ચિતાર રજૂ કરતાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં ૫૩ હજાર જેટલી આંગણવાડી કાર્યરત છે, જેમાં ૪૫ લાખથી વધુ બાળકો, મહિલા તેમજ ધાત્રી મહિલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ મળી રહ્યું છે. ગુણવત્તાયુક્ત પોષણ અને શિક્ષણ આપી આપણે વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતનો નિર્માણ કરીશું.
મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, બાળક દેશનું ભવિષ્ય છે અને તેના જીવન ઘડતરનો મજબૂત પાયો નાખવાનું કામ આંગણવાડી કેન્દ્રો કરે છે. બાળકોના ઘડતરમાં કોઈપણ પ્રકારની અસુવિધા ન રહે તે માટે રાજ્ય સરકાર નિરંતર પ્રયાસ કરી રહી છે. તેના પરિણામે આજે રાજ્યમાં એલજીએસએફ જેવી અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી નવનિર્માણ થનારા નંદઘરોને ટકાઉ અને વધુ ગુણવત્તાયુક્ત બનાવવાની શુભ શરૂઆત થઈ છે.
આ કાર્યક્રમના પ્રારંભે મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ રાકેશ શંકરે સૌનું શાબ્દીક સ્વાગત કર્યું હતું.ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદર, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના નિયામક,જીએસપીસી તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ અને આમંત્રીતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.