વર્ષ ૨૦૨૨માં ભારતીય ટીમનો કાર્યક્રમ ખુબ વ્યસ્ત રહેવાનો છે. ટી૨૦ વિશ્વકપ પહેલા ટીમ ઈન્ડિયા વિદેશ પ્રવાસ કરવાની છે, તો આ વૈશ્વિક ટૂર્નામેન્ટ બાદ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે. મંગળવારે ન્યૂઝીલેન્ડ ક્રિકેટે પોતાના ઘરેલૂ શેડ્યૂલની જાહેરાત કરી છે, જેમાં ભારત વિરુદ્ધ લિમિટેડ ઓવરની સિરીઝ પણ છે. ભારતના ન્યૂઝીલેન્ડ પ્રવાસની શરૂઆત ૧૮ નવેમ્બરથી થશે તો અંતિમ મુકાબલો ૩૦ નવેમ્બરે રમાશે. ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર ટીમ ઈન્ડિયા ત્રણ મેચોની વનડે અને ત્રણ મેચોની ટી૨૦ સિરીઝ રમશે.
ભારતના ન્યૂઝીલેન્ડ પ્રવાસનો કાર્યક્રમ આ પ્રકારે છે
પ્રથમ ટી૨૦- ૧૮ નવેમ્બર
બીજી ટી૨૦- ૨૦ નવેમ્બર
ત્રીજી ટી૨૦- ૨૨ નવેમ્બર
પ્રથમ વનડે- ૨૫ નવેમ્બર
બીજી વનડે- ૨૭ નવેમ્બર
ત્રીજી વનડે- ૩૦ નવેમ્બર
ટી૨૦ વિશ્વકપ ૨૦૨૨ની તૈયારીઓ માટે ન્યૂઝીલેન્ડે પાકિસ્તાન અને બાંગ્લાદેશની સાથે ત્રિકોણીય સિરીઝનું આયોજન કરવાનો પણ નિર્ણય કર્યો છે. ઘણા સમય બાદ આંતરરાષ્ટ્રીય સ્તર પર ત્રિકોણીય સિરીઝનું આયોજન થશે. આ સિરીઝની શરૂઆત ૭ ઓક્ટોબરથી થશે, તો ફાઇનલ ૧૪ ઓક્ટોબરે રમાશે.
ભારત વિરુદ્ધ નવેમ્બરમાં લિમિટેડ ઓવરની સિરીઝ બાદ ન્યૂઝીલેન્ડની ટીમ સીધી ૨૦૨૩ ફેબ્રુઆરીમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ બે મેચની ટેસ્ટ સિરીઝ રમશે. ત્યારબાદ કીવી ટીમે શ્રીલંકાની યજમાની કરવાની છે.