ટીમ ઇન્ડિયા હાલમાં બે મહિના પછી યોજાનારા ટી ૨૦ વર્લ્ડ કપની તૈયારીઓમાં વ્યસ્ત છે. સાઉથ આફ્રિકા સામે કટકમાં પ્રથમ મેચમાં ટીમ ઇન્ડિયાએ શાનદાર જીત હાસિલ કરી છે. સાઉથ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. એવી અપેક્ષા હતી કે, કેપ્ટન સૂર્યકુમાર યાદવ કટકમાં રનનો વરસાદ કરશે, પરંતુ સૂર્યા માત્ર ૧૨ રન બનાવીને આઉટ થઈ ગયા. જુલાઈ ૨૦૨૪માં કેપ્ટન બન્યા પછી સૂર્યા ફક્ત બે અડધી સદી ફટકારી છે. તેની છેલ્લી ૧૯ ઇનિંગ્સમાં ફક્ત ૨૨૨ રન બનાવ્યા છે. આ આંકડા ભારતના ૨૦ કેપ્ટન સૂર્યકુમાર યાદવના છે. પોતાના જ મનપસંદ ફોર્મેટમાં સૂર્યા રન માટે તરસતા જોવા મળી રહ્યા છે.

પરિસ્થીતિ એટલી ખરાબ છે કે છેલ્લી અડધી સદી ફટકારી હોવાને એક વર્ષથી વધુ સમય વીતી ગયો છે. સાઉથ આફ્રિકા સામે કટકમાં રમાયેલી પ્રથમ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં સૂર્યા પોતાની મનપસંદ બેટિંગ પોઝિશન એટલે કે નંબર ત્રણ પર બેટિંગ કરવા ઉતર્યા, પરંતુ તેમ છતાં ખરાબ ફોર્મે તેમનો પીછો ન છોડ્યો.

પ્રથમ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં ટોસ હાર્યા પછી ટીમ ઇન્ડિયા બેટિંગ કરવા ઉતરી. ટીમની શરૂઆત સારી ન રહી અને વાઇસ-કેપ્ટન શુભમન ગિલ પહેલી જ ઓવરમાં માત્ર ૪ રન બનાવી આઉટ થઈ ગયો. ત્યારબાદ ક્રીઝ પર ઉતર્યા કેપ્ટન સૂર્યકુમાર યાદવ. સૂર્યા પાસેથી દરેક વ્યક્તિ મોટી ઇનિંગ્સની આશા હતી.

જો કે, સૂર્યાએ ફરી એકવાર પોતાના ફેન્સને નિરાશ કર્યા. ૧૧ બોલની પોતાની ઇનિંગ્સમાં સૂર્યકુમાર માત્ર ૧૨ રન બનાવીને આઉટ થયા. એક ચોગ્ગો અને એક છગ્ગો તેમના બેટમાંથી આવ્યો. લુંગી એનગિડીના બોલને સ્કાય હવામાં મારી બેઠા અને માર્કરમે કેચ પકડવામાં કોઈ ભૂલ ન કરી.સૂર્યાએ છેલ્લી ૧૯ ટી ૨૦ ઇનિગ્સમાં ૨૨૨ રન કર્યા છે ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ પછી કેપ્ટનશીપ સંભાળતા જ જાણે સૂર્યકુમાર યાદવ રન બનાવવાની કળા જ ભૂલી ગયા હોય. કેપ્ટનશીપ સંભાળ્યા પછી સૂર્યાના બેટમાંથી માત્ર બે અડધી સદી નીકળી છે. હવે સૌથી ચોંકાવનારી વાત એ છે કે, સૂર્યાએ છેલ્લી ફિફ્ટી ફટકારી હોવાને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે. છેલ્લી અડધી સદી તેમણે ૧૨ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ બાંગ્લાદેશ સામે ફટકારી હતી. મોટી ટીમો સામે તો સૂર્યા રન માટે ખરાબ રીતે તરસતા જોવા મળી રહ્યા છે. છેલ્લી ૧૦ ઇનિંગ્સમાં સૂર્યકુમારે માત્ર એક જ વાર ૩૦ રનના આંકડાને પાર કર્યો છે.

સૂર્યકુમાર યાદવ ભારતની ટી ૨૦ ટીમમાં માત્ર એટલા માટે ટકી રહ્યા છે કારણ કે તેઓ કેપ્ટન છે. પરંતુ સત્ય એ પણ છે કે સૂર્યાના ફોર્મે ટીમ મેનેજમેન્ટની ચિંતા વધારી દીધી છે. જા સૂર્યા જલ્દી જ પોતાનું ફોર્મ પાછું મેળવવામાં સફળ નહીં થાય, તો પ્લેઇંગ ૧૧માં તેમની જગ્યા પર પણ સવાલો ઉભા થઈ શકે છે