આગામી આઇસીસી મેન્સ ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ની ડે અને નાઈટ ક્રિકેટ મેચોને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં મેટ્રો ટ્રેન સેવાઓના સમયમાં વિશેષ ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો છે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાનાર મેચના દિવસોમાં દર્શકોને સુવિધાજનક અને સરળ મુસાફરી મળી રહે તે માટે મેટ્રો સેવાઓ મધ્યરાત્રિ સુધી વિસ્તૃત રાખવામાં આવશે.
આ મેચો ૯, ૧૧, ૧૪, ૧૮, ૨૨ અને ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ તથા શક્ય હોય તો ૦૮ માર્ચ ૨૦૨૬ના રોજ યોજાનાર છે. આ તમામ દિવસોમાં મેટ્રો ટ્રેન સેવાઓ રાત્રે ૧૨:૩૦ વાગ્યા સુધી ચાલુ રહેશે. સામાન્ય દિવસોમાં અમદાવાદ મેટ્રો સવારે ૬:૨૦ થી રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી ચાલે છે, જ્યારે ગાંધીનગર કોરિડોરમાં મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર વચ્ચે સેવાઓ સવારે ૭:૩૦ થી સાંજે ૭:૪૦ વાગ્યા સુધી ઉપલબ્ધ છે.
મેચના દિવસોમાં રાત્રિના વિસ્તૃત સમય દરમિયાન વિશેષ મેટ્રો સેવાઓ ચલાવવામાં આવશે. મોટેરા સ્ટેડિયમથી એપીએમસી, ઓલ્ડ હાઇકોર્ટ ઇન્ટરચેન્જથી વસ્ત્રાલ ગામ અને થલતેજ ગામ તરફ રાત્રે ૧૦ઃ૦૦ વાગ્યાથી મધ્યરાત્રિ સુધી મેટ્રો સેવા ઉપલબ્ધ રહેશે. ઉપરાંત, ગાંધીનગર જવા માટે મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધી રાત્રે ૧૧:૪૦ અને ૧૨:૧૦ વાગ્યે બે વધારાની મેટ્રો ટ્રેનો ચલાવવામાં આવશે.
વિસ્તૃત સમયગાળા દરમિયાન મુસાફરો માત્ર મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી મેટ્રોમાં પ્રવેશ મેળવી શકશે અને અમદાવાદ મેટ્રોના બંને કોરિડોરના કોઈપણ કાર્યરત સ્ટેશન સુધી મુસાફરી કરી શકશે. ગાંધીનગર માટે પણ મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધી મુસાફરી શક્ય રહેશે.
મુસાફરોને પરત ફરવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે મેચના દિવસો માટે ખાસ સ્પેશ્યલ પેપર ટિકિટ પણ રજૂ કરવામાં આવી છે. આ ટિકિટનો દર પ્રતિ વ્યક્તિ રૂ. ૫૦ રાખવામાં આવ્યો છે. આ ટિકિટ દ્વારા મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનથી અમદાવાદ અને ગાંધીનગરના નિર્ધારિત સ્ટેશનો સુધી વિસ્તૃત સમય દરમિયાન મુસાફરી કરી શકાશે.
રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી સામાન્ય સ્માર્ટ કાર્ડ, ટોકન અને ઊઇ ટિકિટ માન્ય રહેશે. પરંતુ ૧૦:૦૦ વાગ્યા પછી માત્ર સ્પેશ્યલ પેપર ટિકિટથી જ મેટ્રોમાં પ્રવેશ આપવામાં આવશે. મુસાફરો સુવિધા માટે આ સ્પેશ્યલ પેપર ટિકિટ મેચના દિવસે અગાઉથી પસંદગીના મેટ્રો સ્ટેશનો પરથી ખરીદી શકશે, જેથી પરત ફરતી વખતે લાંબી લાઇનમાં ઊભા રહેવું ન પડે.