ટીમ ઇન્ડિયાનું રન મશીન કહેવાતા વિરાટ કોહલી અંગત કારણોસર ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચમાંથી બહાર રહ્યા હતા પરંતુ હવે બાકીની ત્રણ ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત પહેલા સમાચાર આવી રહ્યા છે કે વિરાટ ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચમાંથી બહાર રહી શકે છે અને છેલ્લી ટેસ્ટમાં પણ તેના રમવા અંગે શંકા છે. એવામાં હવે ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન નાસિર હુસૈન આ મામલે મોટું નિવેદન આપ્યું છે. વિરાટની ગેરહાજરી અંગે નાસિર હુસૈને કહ્યું છે કે ટીમ વિરાટને મિસ કરી રહી છે.
ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન નાસિર હુસૈન માને છે કે વિરાટ કોહલી જેવો ખેલાડી આગામી ટેસ્ટ મેચમાં નહીં રમે એ માત્ર ભારતીય ટીમ માટે જ નહીં પરંતુ સીરિઝ અને વિશ્વ ક્રિકેટ માટે પણ ફટકો છે. જા કે, હુસૈને પણ ભારતીય ક્રિકેટરની પોતાની અંગત જિંદગીને પ્રાથમિકતા આપવાનું સમર્થન કર્યું હતું. કોહલીની સિદ્ધિઓ અને ક્રિકેટમાં યોગદાનની પ્રશંસા કરતા નાસિર હુસૈને કહ્યું કે તેના જેવો ખેલાડી ૧૫ વર્ષ સુધી ક્રિકેટને સમર્પિત રહ્યો છે અને હવે તે પરિવાર સાથે સમય પસાર કરવા માટે હકદાર છે.
હુસૈને આ વિશે આગળ વાત કરતાં કહ્યું કે “હા, હજી સુધી તેની પુષ્ટિ થઈ નથી. આ બધી અટકળો છે કે તે આગામી બે ટેસ્ટ મેચમાં રમશે કે નહીં. તેઓ આગામી થોડા કલાકોમાં તેમની ટીમની જાહેરાત કરશે. આગામી ત્રણ ટેસ્ટ મેચો માટે આવું થશે કે નહીં, હજુ સુધી કંઈ સ્પષ્ટ નથી, પરંતુ જા તેઓ નહીં રમે તો ભારત માટે આ આંચકો હશે. આ સીરિઝ માટે એક ફટકો હશે. વિશ્વ ક્રિકેટ માટે આ એક ઝટકો હશે. આ એક ખાસ સીરિઝ બનવા જઈ રહી છે. તેની શરૂઆત થઈ ચૂકી છે. પ્રથમ બે મેચ ઘણી સારી હતી.” નોંધનીય છે કે ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચોની સીરિઝ હાલમાં ૧-૧ની બરાબરી પર છે.
હુસૈને કહ્યું, “ભલે આના કારણે અમને એન્ડરસન અને કોહલીની રસપ્રદ મેચ જાવા ન મળે પરંતુ કોહલી અને તેનો પરિવાર અને તેનું અંગત જીવન બધાથી ઉપર છે.” તેણે એમ પણ કહ્યું કે કોહલીનું સ્થાન લેવું મુશ્કેલ છે પરંતુ તે કેએલ રાહુલને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થઈ શકે છે જે ઇજાને કારણે બીજી ટેસ્ટમાં રમી શક્યા ન હતા. આગળ એમને કહ્યું કે, “વિરાટ કોહલી રમત અને કોઈપણ શ્રેણી રમવા માટેના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક છે.’