એશિયા કપ ૨૦૨૫ પહેલા, ટીમ ઇન્ડિયાને લગતા એક મોટા સમાચાર બહાર આવી રહ્યા છે. ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલા બીસીસીઆઇને મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં, ભારત સરકાર દ્વારા તાજેતરમાં ઓનલાઈન ગેમિંગ બિલ ૨૦૨૫ પસાર થયા પછી, ડ્રીમ ૧૧ એ એક મોટો નિર્ણય લીધો છે. ડ્રીમ ૧૧ એ ભારતીય ટીમના સ્પોન્સરશિપમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. આવી સ્થિતિમાં, હવે બીસીસીઆઇએ એશિયા કપ ૨૦૨૫ માં ટાઇટલ સ્પોન્સર વિનાની ટીમ મોકલવી પડશે.

ડ્રીમ ૧૧ નો ૨૦૨૩ થી ૨૦૨૬ સુધી બીસીસીઆઇ સાથે ૩૫૮ કરોડ રૂપિયાનો સોદો હતો. ઓનલાઈન ગેમિંગ બિલ પસાર થયા પછી, ડ્રીમ ૧૧ અને બીસીસીઆઇ વચ્ચેનો સોદો સમાપ્ત થશે તે લગભગ નિશ્ચિત હતું અને હવે કંઈક આવું જ જાવા મળ્યું છે. ડ્રીમ ૧૧ એ બીસીસીઆઇને જાણ કરી છે કે તે હવે ભારતીય ટીમને સ્પોન્સર કરી શકશે નહીં, તેથી હવે ટીમ ઇન્ડિયાને એક નવો ટાઇટલ સ્પોન્સર શોધવો પડશે. ડ્રીમ ૧૧ સાથે કરાર સમાપ્ત કર્યા પછી દેબજીત સૈકિયાએ મોટું નિવેદન આપ્યું

આ મુદ્દે,બીસીસીઆઇ સચિવ દેબજીત સૈકિયાને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ઓનલાઈન ગેમિંગ પ્રમોશન અને રેગ્યુલેશન બિલ, ૨૦૨૫ પસાર થયા પછી, બીસીસીઆઇ અને ડ્રીમ ૧૧ તેમના સંબંધોનો અંત લાવી રહ્યા છે. બીસીસીઆઇ ખાતરી કરશે કે ભવિષ્યમાં આવા કોઈપણ સંગઠન સાથે તેનો કોઈ સંબંધ ન રહે.આ સમગ્ર મુદ્દા પર, ડ્રીમ ૧૧ ના અધિકારીએ તાજેતરમાં એક નિવેદનમાં કહ્યું હતું કે અમે હંમેશા કાયદાનું પાલન કરતી કંપની રહ્યા છીએ અને હંમેશા કાયદાનું પાલન કરીને અમારો વ્યવસાય કર્યો છે. જોકે અમે માનીએ છીએ કે પ્રગતિશીલ કાયદો આગળ વધવાનો માર્ગ હોત, અમે કાયદાનું સન્માન કરીશું અને ઓનલાઈન ગેમિંગ પ્રમોશન અને રેગ્યુલેશન બિલ ૨૦૨૫ નું સંપૂર્ણ પાલન કરીશું.