આકાશમાં ઘણાય તારા રહે. કોઈ નાનો તો કોઈ મોટો. કોઈ નજીક તો કોઈ દૂર. આ બધાયની વચ્ચે એક નાનકડો તારો હતો. એનું નામ હતું ટીમટીમ. તે બધા મિત્રો સાથે આકાશમાં રમતો,  ફરતો અને ચમકતો. એક વખત ટીમટીમ આકાશમાં ફરતો હતો. ફરતાં ફરતાં એ થોડો દૂર જઈ ચડ્‌યો. ત્યારે એને ગોળ થાળી જેવું ચમકતું કાંઈક દેખાયું. ટીમટીમને જરા વિસ્મય થયું. એ ઘડીક પોતાની સામું જુએ ને ઘડીક પેલા ગોળ ચમકતા ગોળા સામું જુએ. એને થયું આ ગોળો તો મારા કરતાં ઘણોય મોટ્ટો છે. એને મનોમન થયું આ ગોળો અહીં ક્યાંથી આવ્યો ને ક્યારે આવ્યો! એ ઘણો ચમકતો હતો. ટીમટીમને થયું નક્કી આ ચમકતો ગોળો આકાશનો રાજા લાગે છે. ટીમટીમને જરા બીક પણ લાગી. ટીમટીમ દોડતો પાછો ગયો.
તેને હાંફતો હાંફતો આવતો જોઈ બધા તારાઓએ પૂછ્યું, “અરે ટીમટીમ! તું ક્યારનોય ક્યાં ગયો હતો? અને તું આમ કેમ હાંફે છે? શું થયું? જરા કહેતો ખરો.” અરે ભાઈઓ, “કહું કહું, મને જરા શ્વાસ તો લેવા દો.”
“હા હા! તું તારે થાક ખાઈ લે ને શાંતિથી કહે.”
થોડીવાર પછી ટીમટીમ બોલ્યો, “હું અહી આકાશમાં રમતો ને ફરતો હતો. ફરતાં ફરતાં હું જરા દૂર જઈ ચડ્‌યો. પેલા મોટ્ટા ને ઊંચા વાદળા પાછળ. ત્યાં મને આપણા કરતાં મોટ્ટો મોટ્ટો ચમકતો ગોળો દેખાયો. મેં તો એને પહેલીવાર જોયો. એટલે હું ડરી ગયો ને દોડતો પાછો આવ્યો.”
ટીમટીમની વાત સાંભળી બધાય તારા ખડખડાટ હસ્યા. બધા તારાઓને ખડખડાટ હસતા જોઈ ટીમટીમને જરા નવાઈ લાગી. એણે નવાઈ સાથે પૂછ્યું પણ ખરું, “અરે અરે! તમે બધાય આમ ખડખડાટ હસો છો કેમ! એવું તે શું થયું! જરા કહો તો ખરા!”
એક તારો આગળ આવ્યો ને કહે, “અરે ભાઈ ટીમટીમ, તું જેને મોટ્ટો મોટ્ટો ચમકતો ગોળો કહે છે ને તે બીજું કોઈ નહિ પણ આપણા ચાંદામામા છે. એ કોઈ આકાશના રાજા નથી પણ આપણા ચાંદામામા છે. એમનાથી ડરવાની કોઈ જરૂર નથી. તું એમની પાસે જા તો ખરો. એમની સાથે રમવાની તને ખુબ મજા પડશે!”
બધા તારાઓની વાત સાંભળી ટીમટીમને નવાઈ લાગી. તે બોલ્યો, “ચાંદામામા! એ વળી કયા મામા!”
“હા ટીમટીમ! ચાંદામામા! આપણા ચાંદામામા!  તું જા અને એમની સાથે રમ!”
બધાએ કહ્યું એટલે ટીમટીમને વિશ્વાસ બેઠો. એ તો ઊપડ્‌યો ચાંદામામા પાસે. ટીમટીમને દૂરથી આવતો જોઈ ચાંદામામા બોલ્યા, “આવ ટીમટીમ આવ! તું હમણાં મને જોઈ કેમ ભાગ્યો હતો? હું તારો મામો થાઉં. આવ, અહીં મારી પાસે બેસ. લે આ ચોકલેટ ખા. પછી આપણે વાતો કરીએ ને રમીએ.”
ચાંદામામાની વાત સાંભળી ટીમટીમ રાજીરાજી થઈ ગયો. એ ચાંદામામા પાસે ગયો, ચોકલેટ લીધી અને બેઠો. પછી તો ટીમટીમ ચાંદામામાના ખોળામાં બેઠો. ચાંદામામાએ એને આખુંય આકાશ ફેરવ્યો. ટીમટીમને ચાંદામામા સાથે બેસવાની, ફરવાની અને રમવાની મજા પડી.
mo.૯૦૯૯૧૭૨૧૭૭