આપણે ત્યાં ટીનેજર એટલે કે ઉંમર વરસ તેરથી ઓગણીસ વચ્ચેના તરૂણ – તરૂણીઓને હજુ એટલું વ્યક્તિગત પારિવારિક માન મળતું નથી જેના તેઓ હકદાર છે. માનનો અર્થ સન્માન નથી પરંતુ તેમની સ્વતંત્રતા અને તેમની આપણાથી અલગ એવી પસંદગીઓને આપણે જલદીથી માન્યતા આપતા નથી. આને કારણે એ પોતાની જ ઉંમરના એવા મિત્રો વચ્ચે વધુ સમય રહેવાનું પસંદ કરે છે જ્યાં તેમનો સંપૂર્ણ સ્વીકાર થતો હોય. આપણા દેશમાં ટીનેજર કાઉન્સેલિંગ નામની તો કોઈ વાત જ હજુ ઉદઘાટિત થઈ નથી. તેર વરસની દીકરીને એ ખ્યાલ આવી જાય છે કે હું અત્યારે જે ઘરમાં રહું છું એ તો પિતાનું ઘર છે અને જેને પોતાનું ઘર કહેવાય એ તો આ દુનિયામાં ક્યાંક બીજે છે. એ સમજે છે કે મારા મમ્મી ક્યાં એના પિતાના ઘરે રહે છે? એટલે મારે પણ ક્યાંક જવાનું તો નક્કી છે. ઉપરાંત દીકરીના પિતા સાથેના સંવાદો ઘટતા જાય છે. પિતા કઈ રીતે ઘરનો ભાર ઉપાડે છે અને મમ્મી એમને કઈ રીતે મદદ કરે છે એ પણ એ જુએ છે.

ટીન-એજ અથવા ટીનેજ ઉંમરમાં આંખોમાં સપનાઓ માળો બાંધવાની શરૂઆત કરે છે. ઝવેરચંદ મેઘાણી દાદાએ તરૂણોનું મનોરાજ્ય નામે અદભુત કાવ્ય લખ્યું છે જે તેમનું મૌલિક હોવા છતાંય પ્રશિષ્ટ ભાષાનું વિરલ લોકગીત હોય એટલું ગુજરાતની શેરીએ શેરીએ લોકપ્રિય થયેલું છે. ઘટમાં ઘોડા થનગને અને આતમ વિંઝે પાંખ…. પહેલી જ પંક્તિનો ઉપાડ આપણને સાતમા આસમાને લઈ જાય છે. ભાષામાં છુપાયેલા લયહિલ્લોળનું ગુજરાતની લોકજીભે અજાયબ લીંપણ મેઘાણી સિવાય કોણ કરી શકે ? ન્હાનાલાલની ગીતરચનાઓને કાળની વાંછટ લાગી ગઈ છે, પરંતુ મેઘાણી તો એવા ને એવા… હજુય બુલંદ કંઠે આપડે હૈયે માઝમ રાતનો અમલ ઘૂંટતા હોય એમ લાગે છે ! સૌરાષ્ટ્રના સારસ્વત દેવ તરીકે ભલે એને પૂજવાનું ભાન કાઠિયાવાડીઓને હજુય સદીઓ પછી આવે, પણ સૌરાષ્ટ્ર આજ સુધી મેઘાણીમાં જે ધન્યતા પામ્યું છે તે બીજે ક્યાંય વરત્યું નથી.

દીકરો તેર વરસનો થાય એટલે એને પિતાના ખિસ્સામાં રહેલા પાકિટનો અર્થ સમજાવા લાગે છે. તેરથી ઓગણીસ વરસની વય વચ્ચે જે દીકરાને બાપનું પાકિટ સમજાઈ જાય છે એણે પછી આ જગતમાં કંઇ સમજવાનું બાકી રહેતું નથી. દીકરાની જાતે આખી જિંદગી બીજાઓને સુખી કરવામાં પોતાનું સુખ માનવાનું છે. અને જો ટીનેજ એટલે કે તરૂણ વયમાં એને પોતાની જાતને સુખી કરવાની ટેવ પડે તો એનું ભવિષ્યનું ગૃહસ્થ જીવન ઠેબે ચડી જાય છે. જિંદગીના અંત સુધી જળવાય એવી દોસ્તી આ વરસોમાં બંધાય છે. એમાં ભૂલે ચૂકેય જો કુસંગનો રંગ લાગે તો માતાપિતા માટે આજીવન ઉપાધિ રહે છે. સંતાનોને કુસંગથી બચાવવા એ કંઈ સહેલી વાત નથી. કારણ કે સત્સંગ અને કુસંગ બન્નેના સમાંતર પ્રવાહો મોબાઇલ ફોનના અંતઃસ્તલમાં વહેતા હોય છે. માતાપિતાના ઉચ્ચ સંસ્કારો અને સ્વસંકલ્પની તાકાત સિવાય એ દુર્ઘટનાઓમાંથી ટીનેજરો બચી શકે એમ નથી. જો સંસ્કારો ઘાટા એટલે કે પાકા હોય તો મોબાઈલ ફોન એને વિચલિત કરી શકતો નથી. પરંતુ જો સંસ્કારો કાચા રહી ગયા હોય તો મોબાઇલ ફોન એને સાવ ધોઈ નાંખે છે.

કુસંગ બહુ જ આકર્ષક અને ઝડપથી પોતાની જાળમાં ફસાવવાની ક્ષમતા રાખે છે. કુસંગ એટલા રંગરંગીન લાગે છે કે તરૂણો એમાં ફસાઈ જાય છે. જે પંજાબની ખડતલ પ્રજા આખા દેશને ઘઉં ખવરાવતી હતી અને જેના યુવાનો દોડી દોડીને ઘેરઘેરથી સૈન્યમાં ભરતી થતા હતા એ પંજાબ આજે નશીલા દ્રવ્યોમાં લગભગ બેહોશ પડ્યું છે. કારણ કે તરૂણ વયના સંતાનોને – હજુ તો તેઓ નાના છે ને…. એમ માનીને વાલીઓએ ધ્યાન ન આપ્યું અને ડ્રગ માફિયાઓએ એમને ખતરનાક આદતોના ગુલામ બનાવી દીધા. જરાક જેટલી બેદરકારીમાં આખું પંજાબ આંસુઓથી ભીંજાઈ ગયું છે. પંજાબની બિયાસ, સતલજ અને જેલમ નદીઓમાં જેટલું પાણી વહે છે એટલા જ અશ્રુજળ પંજાબી વડીલોની આંખમાંથી વહેતા રહે છે. બાજી એમના હાથમાંથી સરી ગઈ છે.

જે ઘરમાં ગૃહિણી, ગૃહસ્થ સાથે ક્લેશ કરતી હોય છે અને નવા નવા ખર્ચના તરંગો લડાવતી હોય છે એ ઘરના સંતાનોમાં કદી પણ ઉજ્જ્વળ આર્થિક સંસ્કારો આવતા નથી. પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા કહેતા હતા કે ઘરસભા કરો. દરરોજ સાંજે ઘરપરિવારના બધા સભ્યો સાથે બેસીને કંઇક સત્સંગની વાત કરે ને થોડીવાર પછી સહુ ઘરની વાતોએ વળગે તો એની મઝા જ કંઈ ઔર છે. જો આવી ઘરસભાની પરંપરા હોય તો વાલીઓ ચાહે તેવા સારા સંસ્કારોનું બાળકોમાં સિંચન કરવાનું કામ પણ સરળ થઈ શકે. ટીનેજરો એક કૌતુકપ્રિય ટોળકી હોય છે. આપણે ત્યાં મોટી મોટી સભાઓ અને ધર્મસભાઓ થાય છે એમાં આ ટીધેજરોની વાત કોઈ કરતું નથી. વળી આ ટીનેજરોના કાન મોટેરાઓની વ્યર્થ સલાહોથી છલકાઈ ગયા હોય છે.

ધારો કે તમે કોઈ ટીનેજરને સલાહ આપો કે રોજ આઠ કલાક વાંચો. તો એ તમને પૂછે કે આઠ કલાક વાંચવાથી ઊંચા ટકા આવે એને શું કરવા, કારણ કે નોકરી તો મળતી નથી – તો વાલી પાસે આનો જવાબ નથી. આપડે ત્યાં મેળાઓમાં કેટલાક મધ્યમ વર્ગના છોકરાઓ બે-ચાર ભેગા થઈને સ્ટોલ લગાવે છે. ખરેખર તેઓ એની જિંદગીમાં બહુ સુખી થવાના હોય છે. કારણ કે ટીનેજમાં જેને કમાણી કરવાનો વિચાર આવે એ જ ખરો શ્રીમંત છે. આખું ગામ જે મેળામાં જલસા કરવાનું વિચારે છે ત્યારે કોઈ એકને એ મેળામાંથી બે પૈસા કમાઈ લેવાનો વિચાર આવે છે. આવા ટીનેજરો જ આગળ જતાં ઉદ્યોગપતિ બને છે. તેમણે નોકરી શોધવી પડતી નથી, નોકરીઓ સામે ચાલીને તેની પાસે આવે છે કારણ કે તેમનો હાથ કામકાજમાં વળતો થઈ ગયો હોય છે. એવા કામગરા દીકરા બોંતેર પેઢી ઉગારે છે અને રખડુ અને આળસુ ટીનેજરો બોંતેર પેઢી બોળે છે. સવાલ એ નથી કે તેઓ આવા છે ને તેવા છે, સવાલ એમને જિંદગીના નરકાગારમાંથી ઉગારવાનો છે. કારણ કે સત્સંગ જેવું સ્વર્ગ નથી ને કુસંગ જેવું કોઈ નરક નથી.

અમેરિકા અને યુરોપમાં તો સંતાનો ટીનેજર થાય એટલે કે ૧૩-૧૪ વરસની વયમાં પ્રવેશે પછી સંપૂર્ણ સ્વતંત્ર વિચારશક્તિ ધરાવતા હોય છે. વિદેશના એ ટીનેજરો વિશે આપણે ત્યાં બહુ કુપ્રચાર થયેલો છે. ખરેખર કોઈ અમેરિકાથી આવે એને પૂછવા જેવું છે. તો ખબર પડે કે પંદર વરસ પછી ત્યાં કોઈ માબાપે સંતાનો પાછળ એક ડોલર પણ ખર્ચ કરવાનો હોતો નથી કારણ કે તેઓ કમાતા થઈ જાય છે. માતાપિતા પાસેથી પૈસા લેતા અમેરિકન ટીનેજરને શરમ આવે છે ને આપણે ત્યાં તો કોઈ પણ ઉંમરે બાપના ખિસ્સામાં હાથ નાંખવાની છૂટ છે. આપણા દેશના આર્થિક પતનના કારણો માટે કાયમ અર્થશાસ્ત્રીઓની જરૂર પડે એમ નથી. આસપાસના સમાજને જુઓ એટલે ખ્યાલ આવે.

આસપાસ જોવાની શરૂઆત પહેલા આપડા ઘરમાં જોવાથી જ કરવી પડે. એ જ ન્યાયિક માર્ગ છે. જે દેશના નાગરિકો પંદરથી પચીસ-ત્રીસ વરસ સુધી પોથી પંડિતની જેમ થોથાઓ ઉથલાવે ને કંઈ કમાણી જ ન કરે તો એ દેશ ક્યાંથી ઊંચો આવે. અને હવે તો બજાર જ એવી છે કે સંતાનો જેટલા મોડા કમાતા થાય એટલા વહેલા વાલીઓના ઘર ડૂબતા થાય. આપડે જો ઊંચા આવવાનું હોય તો ટીનેજરોને ઊંચા આંકવા પડશે. એના વિણનું પરભાત કંઈ સોનેરી નો હોય હો…! એ જ તો બતાવશે આપડને અણદીઠેલી ભોમકા અને વણજોયેલી સુખકંદરા….!