૧) બ્રાહ્મણ, ભેંસ અને ભાજી એ ત્રણેય પાણીથી કેમ રાજી રહે છે?.
યોગેશભાઈ આર. જોશી(હાલોલઃજિ.પંચમહાલ)
આ કહેવતમાં હું સંમત નથી. કહેવત બનાવતા પહેલા આ ત્રણમાંથી કોઈને પૂછ્યું હતું કે નહિ એની કોઈને ખબર નથી .
(૨) પત્ની ગોરી હોવી જોઇએ કે પતિ ગોરો હોવો જોઇએ? – હાફિઝ રિયાઝ સેલોત (રાજુલા)
ગોરી કે ગોરો ગમે તે ચાલે, ગોબરી કે ગોબરો ન હોવા જોઈએ!
(૩) આ વખતે ટીટોડીની જગ્યાએ ડાયનાસોરે ઈંડા મુકેલા હોય એવું નથી લાગતું ?
મહેન્દ્ર મકવાણા (કરજણ)
ઇંડા તો ટિટોડીએ જ મૂક્યા છે. પણ અફવા એવી ઉડી કે ડાયનાસોરે મૂક્યા છે અને વરસાદે એ અફવા સાચી માની લીધી છે.
(૪) મૂર્ખાઓની યાદી તૈયાર કરવાની છે તો તેમાં આપનું નામ કયા ક્રમે રાખું? – સરદારખાન મલેક (મહેસાણા)
આપના પછીના કોઈપણ ક્રમે.
(૫) શ્રાવણ માસમાં છપ્પન ભોગ જેવુ ફરાળ કરવાના છેને જલસા?- જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
તમારે હશે. અમે તો ખારીસીંગ ખાઈને દિવસો કાઢીએ છીએ.
(૬) મુંબઈને મુંબઈ અને બોમ્બે કેમ કહેવામાં આવે છે ?
મુસ્તુફા કનોજિયા (રાજુલા)
વડોદરાને બરોડા કહે છે એની દેખાદેખી!
(૭) તમે ભણ્યા ત્યાં સુધીમાં એકેય વાર નાપાસ થયા છો? – રાજુ એન. જોષી (ધરાઈ બાલમુકુંદ)
એકવાર નાપાસ થાઉં એમ હતો પણ સાહેબથી ભૂલમાં ૧૬ ને બદલે ૯૬ લખાઈ ગયું એટલે મારો પહેલો નંબર આવ્યો?
(૮) ” ડોક્ટર” લખો છો તો શેના ડોક્ટર છો મારે બતાવવા આવવું છે અને દવાખાનું ક્યાં આવ્યું છે?
સંજયભાઈ જોશી (બાબરા)
ડર રાખ્યા વિના આવો. હું પશુ ચિકિત્સક નથી!
(૯) અક્કલનો ઓથમીર, અક્કલનો બારદાન અને અક્કલમઠો આ ત્રણ પ્રકારના મનુષ્યનો તફાવત જણાવો.
હરિભાઈ ધોરાજિયા (લીલિયા મોટા)
આ ત્રણેય પ્રકારના મનુષ્યો પોતાને બાકીના બેથી વધારે હોશિયાર સમજે છે.
(૧૦) જેણે પહેલીવાર ઘડિયાળ બનાવી એણે સમય કઈ રીતે સેટ કર્યો હશે? – જયેશ રાઠોડ (બાબરા)
ઇ ભાઈ એમ કહેતા હતા કે હમ કાંટા જહા રખ દેતે હૈ, સમય વહા સેટ હો જાતા હૈ!
(૧૧) પહેલાની વાર્તા પ્રમાણે કાગડો પાણી પીવા માટે માટલામાં કાંકરા નાખતો હતો. હવેનો કાગડો સ્ટ્રોનો ઉપયોગ કરતો હશે?
આસિફ કાદરી (રાજુલા)
એ બધું જૂનું થઈ ગયું. હવેના કાગડા તરસ ન લાગે એ માટે રોજ નરણાં કોઠે એક ટીકડી લઇ લે છે.
(૧૨) અક્કલ વગરના વ્યક્તિને દૂધપાક જેવો કહેવાય, તો ખીર જેવો કેમ ના કહેવાય?
ધોરાજીયા કેવિન ઘનશ્યામ (સાજણટીંબા હાલ કેનેડા)
કેનેડા બેઠા બેઠાય ખીર અને દૂધપાક સાંભરે છે ને?!
(૧૩) સાહેબ..! “બોલે એના બોર વેચાય” તો ન બોલે તેમનું શું વેચાય?
ધોરાજીયા ઘનશ્યામભાઈ એન. (સાજણટીંબા)
ઓનલાઇન વેચવા મૂકી દો.
(૧૪) શ્રાવણ વદ અમાસને “ભાદરવી અમાસ” કેમ કહેવામાં આવે છે? – કનુભાઈ પરમાર (દામનગર)
શ્રાવણ મહિનામાં ખૂબ તહેવારો ઉજવ્યા પછી અમાસ આવે ત્યાં જ લોકોને કાલથી હવે આ બધું બંધ થઈ જશે એવી બીક લાગે છે એટલે એક દિવસ અગાઉથી જ એને અંધારું અને ભાદરવાની અસર દેખાય છે.
(૧૫) તીનપત્તીમાં હોશિયાર જીતે કે નસીબદાર?
દક્ષા નકુમ (રાજકોટ)
જવાબ આપ્યા પછી જીતો તો મને કેટલું કમિશન આપશો?
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..