ઓનલાઇન લોન અપાવવાના નામે છેતરપિંડી કરતી ગેંગ હવે ગ્રામ્ય વિસ્તારોના વેપારીઓને નિશાન બનાવી રહી છે. આવો જ એક કિસ્સો ટીંબી ગામમાં પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક વેપારીને સસ્તી લોન અપાવવાની લાલચ આપી ટોળકીએ કટકે-કટકે કુલ રૂ. ૧,૫૫,૪૬૯ પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ભરતભાઇ ભાણાભાઇ પરમાર (ઉ.વ.૩૭) એ ત્રણ મોબાઈલ ધારક સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ માર્ચ મહિનામાં અલગ-અલગ નંબર પરથી ફોન આવ્યા હતા. જેમાં એક મહિલાએ પોતાની ઓળખ ‘યશ ફાઈનાન્સ’માંથી ભાવિકાબેન તરીકે આપી હતી. તેણે તેને ખૂબ જ ઓછા વ્યાજ દરે સસ્તી લોન અપાવવાની લાલચ આપી વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ અન્ય સાથીદારોએ પ્રવીણ અને અન્ય નામો ધારણ કરી વોટ્સએપ મેસેજ અને વોઈસ કોલ દ્વારા સંપર્ક ચાલુ રાખ્યો હતો. આરોપીઓએ વેપારી પાસેથી ડોક્યુમેન્ટ્સ મંગાવી તે વેરીફાઈ થઈ ગયા હોવાનું અને ૫ લાખની લોન મંજૂર થઈ હોવાનું જૂઠું કહી નીચે મુજબની રકમ અલગ-અલગ બેંક ખાતા અને UPI ID માં ટ્રાન્સફર કરાવી હતી. લોન ફાઈલ ચાર્જ પેટે રૂ. ૪,૦૦૦, ફિક્સ ડિપોઝિટ પેટે રૂ. ૨૩,૫૦૦, ઇન્શ્યોરન્સ પેટે રૂ. ૧૧,૯૭૦ લોન કમિશન અને બેંક એકાઉન્ટ ઓપનિંગ માટે રૂ. ૭૪,૯૯૯ તથા NOC અને બેંક ચાર્જ પેટે રૂ. ૪૧,૦૦૦ મળી કુલ રૂ. ૧,૫૫,૪૬૯ મેળવી લીધા બાદ પણ વેપારીના ખાતામાં લોનની રકમ જમા ન થઈ ત્યારે તેમને છેતરપિંડીનો અહેસાસ થયો હતો. પૈસા પડાવી લીધા બાદ આરોપીઓએ પોતાના મોબાઈલ ફોન બંધ કરી દીધા હતા. વેપારીએ જ્યારે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે છેતરપિંડી થઈ હોવાનું સ્પષ્ટ થયું હતું. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના પી આઈ વી કે રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.








































