જાફરાબાદ તાલુકાના ટીંબી અને માણસા વિસ્તારમાં ખેતીવાડીમાં વીજ જોડાણ ન મળતા ખેડૂતોમાં ભારે રોષની લાગણી ફેલાવા પામી છે. ત્યારે આ પીજીવીસીએલના પ્રશ્નો અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન ટીકુભાઈ વરૂએ કાર્યપાલક ઈજનેર અને વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી સહિતને રજૂઆત કરી તાત્કાલિક આ બંને ગામના ખેતીવાડી વીજ જાડાણ શરૂ કરવામાં નહિં આવે તો આ વિસ્તારના ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે અને તેની જવાબદારી સ્થાનિક પીજીવીસીએલની રહેશેનું જણાવ્યું હતું. ટીકુભાઈ વરૂએ વિસ્તૃતમાં જણાવ્યું હતુ કે, ટીંબી અને નાના-મોટા માણસા ગામના ખેતીવાડી વિસ્તાર અને શહેર આજુબાજુના ખેડૂતોને લાઈટ ન મળતી હોવાથી ખેડૂતોને પશુધન માટે ભરવાનું પાણી તેમજ પીવાનું પાણી ન મળતા ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પ્રશ્ન અંગે ગામના ખેડૂતોએ જાફરાબાદ અને સાવરકુંડલાના અધિકારીઓને અવારનવાર રજૂઆત કરવા છતાં નકકર પરિણામ મળ્યું નથી. ત્યારે તાલુકાના ટીંબી અને માણસા વિસ્તારના ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હોય તાત્કાલિક ખેતીવાડી જાડાણ શરૂ કરવામાં નહિં આવે તો આ વિસ્તારના ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરાશે.