અમરેલીના ટીંબા-જસવંતગઢમાં પીવીસી પાઈપલાઈન કામમાં ભ્રષ્ટાચાર અને એક કામનાં અલગ અલગ બે સરકારી એજન્સી દ્વારા ડબલ પેમેન્ટ થવા બાબતે ટીંબા-જસવંતગઢ ગ્રામ પંચાયતના સરપંચ અશોકભાઈ માંગરોળીયાએ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે, તા.૩-૮-ર૦ર૧ના રોજ આ યોજનામાં ઈન્ચાર્જ સરપંચ તેમજ તલાટી કમ મંત્રી દ્વારા મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ વાસ્મો યોજના મુજબ જસવંતગઢ ગામે પીવાના પાણી માટેની પાઈપલાઈન મંજૂર થયેલ હતી. આ યોજનામાં પાઈપલાઈન માટે તાંત્રિક મંજૂરી રૂ.૩૦.૮૪ લાખ રકમની આપેલી હતી. પરંતુ રેકર્ડ મુજબ ખર્ચ રૂ.૩ર.૪૧ લાખ દર્શાવેલ છે. આ કામની રકમ ઈન્ચાર્જ સરપંચ તથા તલાટી કમ મંત્રી દ્વારા ચૂકવવામાં પણ આવી છે. ટીંબા-જસવંતગઢ ગ્રામ પંચાયતની મિટિંગ બોલાવ્યા વગર જ મસમોટું આ કૌભાંડ કરવા માટે એક તરફી આખી યોજના સ્વીકારી લેવામાં આવી છે. એક જ કામના નાણા બે વખત ચૂકવાયા હોવાથી આ રકમ પરત વસૂલી ફોજદારી રાહે પગલા ભરવા ટીંબા-જસવંતગઢના સરપંચ અશોકભાઈ માંગરોળીયાએ માંગ કરી છે.