કૃષિ કાયદા અંતે રદ થઈ જશે.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે અંતે ત્રણ કૃષિ કાયદા રદ કરવાની જાહેરાત કરી નાંખી. શુક્રવારે સવારના પહોરમાં મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં  કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત કરીને લોકોને સુખદ આંચકો આપી દીધો. કૃષિ કાયદા સામે 14 મહિનાથી આંદોલન ચાલે છે. ભારતીય કિસાન યુનિયનના રાકેશ ટિકૈત સહિતના નેતા મહિનાઓથી દિલ્હી સરહદે ધામા નાંખીને પડ્યા છે પણ સરકારના પેટનું પાણી હાલતું નહોતું. મોદી સરકાર આંદોલન કરી રહેલા ખેડૂતોને સમજાવવા મથતી હતી પણ કૃષિ કાયદા પાછા ખેંચવા મુદ્દે મગનું નામ મરી નહોતી પાડતી. છેલ્લા કેટલાક સમયથી તો ખેડૂતો સાથે આ મુદ્દે વાતચીત પણ બંધ હતી તેથી કૃષિ કાયદા પાછા ખેંચવાની કોઈ જાહેરાત થશ તેવો કોઈને અણસાર પણ નહોતો તેથી લોકોને આ જાહેરાતથી આંચકો લાગી ગયો.

આ જાહેરાત પાછળ રાજકીય ગણતરી છે એ કહેવાની જરૂર નથી. ઉત્તર પ્રદેશ અને પંજાબ એ બે ખેડૂતોની બહુમતી ધરાવતાં રાજ્યોમાં ત્રણ મહિના પછી વિધાનસભાની ચૂંટણી છે. આ ચૂંટણી પહેલાં યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપને પછડાટ મળી એ કૃષિ કાયદા રદ કરવાનું મુખ્ય કારણ છે. મોદી સરકારે 14 મહિના પહેલાં આ કાયદા પસાર કર્યા ત્યારથી ખેડૂતોનો એક વર્ગ આ કાયદાનો વિરોધ કરે છે. યુપીમાં મોટા ખેડૂત નેતા મનાતા રાકેશ ટિકૈતની આગેવાનીમાં સંયુક્ત કિસાન મોરચાના નેતા 14 મહિનાથી દિલ્હીની સરહદે ધામા નાંખીને પડ્યા છે. મોદી સરકારે તેમની સાથે વાતચીત કરી પણ આંદોલનનો અંત લાવવા માટે ગંભીરતાથી પ્રયત્નો કદી નહોતા કર્યા. છેલ્લા છ-આઠ મહિનાથી તો મોદી સરકારે દેખાવ ખાતર પણ ખેડૂતો સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધેલું.

હવે અચાનક સરકારને ખેડૂતો યાદ આવ્યા તેનું કારણ ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચૂંટણી છે. પેટાચૂંટણીનાં પરિણામોએ સ્પષ્ટ કર્યું કે,  મોંઘવારી સહિતના કારણે લોકો ભડકેલાં છે ને ખેડૂત આંદોલનનો મુદ્દો ઉમેરાય તો ભાજપની હાલત બગડી શકે.  પંજાબ અને ઉત્તર પ્રદેશમાં તો ખેડૂત આંદોલનની ભારે અસર છે. પંજાબ પ્રમાણમાં નાનું રાજ્ય છે પણ ઉત્તર પ્રદેશ મોટું રાજ્ય છે. ઉત્તર પ્રદેશમાં લોકસભાની 80 બેઠકો છે ને લોકસભાની ચૂંટણીમાં ખેડૂત આંદોલનની અસર રહે તો ભાજપે રાતા પાણીએ રડવાનો વારો આવે. લોકસભાની ચૂંટણીમાં ભાજપ હારે તો મોદીની આબરૂ જાય તેથી મોદીએ રાતોરાત આ નિર્ણય લેવો પડ્યો છે.

આ જનમતની જીત છે.

મોદી સરકારે કૃષિ કાયદા રદ કરવાની જાહેરાત કરી તેના કારણે ફરી એક વાત સાબિત થઈ કે, આ દેશમાં પ્રજા સર્વોપરિ છે ને પ્રજા ધારે તો આંદોલન કરીને સત્તાધીશોને પોતાની આગળ ઝૂકવા ફરજ પાડી શકે છે. ખેડૂત આગેવાનોએ સાબિત કર્યું છે કે, લડવાની તાકાત હોય તો તમે ગમે તેવી સત્તાને પણ ઝૂકાવી શકો છો. ડર્યા વિના પૂરી તાકાતથી લડો તો કોઈને નહીં ગાંઠતી મોદી સરકારને પણ ઝૂકાવી શકાય છે.

/////////////////////

ખેડૂત આંદોલને કોઈને સૌથી વધારે પબ્લિસિટી અપાવી હોય તો એ રાકેશ ટિકૈત છે. મોદી સરકારે કૃષિ કાયદા પસાર કર્યા એ પહેલાં રાકેશ ટિકૈતને કોઈ ઓળખતું નહોતું. આજે ટિકૈત ઘેર ઘેર જાણીતું નામ છે અને ખેડૂત આંદોલનનો પર્યાય બની ગયા છે.

ટિકૈતે ખેડૂત આંદોલનને સફળ બનાવીને પિતા મહેન્દ્રસિંહ ટિકૈતનો વારસો સાચવ્યો છે.

ઉત્તર પ્રદેશમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહને સૌથી મોટા ખેડૂત નેતા માનવામાં આવે છે. ચરણસિંહ ખેડૂત નેતાની સાથે રાજકારણી પણ હતા. મહેન્દ્રસિંહ ટિકૈત રાજકારણી નહોતા પણ ખેડૂત નેતા જ હતા તેથી તેમની ગણના ખેડૂતો માટે આજીવન લડનારા ભેખધારી તરીકે થાય છે. યુપીના મુઝફ્ફરનગર જિલ્લાના સિસૌલીમાં જન્મેલા જાટ નેતા મહેન્દ્રસિંહ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં જોરદાર તાકાત ધરાવતા બલિયાન ખાપના ચૌધરી એટલે કે વડા હતા. પિતાના નિધનના કારણે માત્ર આઠ વર્ષની ઉંમરે ચૌધરી બનેલા મહેન્દ્રસિંહ ટિકૈતે ખેડૂતોનાં હિત માટે આજીવન લડત ચલાવીને નામના મેળવી હતી.

મહેન્દ્રસિંહ ટિકૈતની રાષ્ટ્રીય સ્તરે નોંધ 1987માં ખેડૂતોનાં વીજ બિલ માફ કરવા તથા શેરડીના ટેકાના ભાવમાં વધારે કરવા માચે માટે શરૂ કરેલા આંદોલનને કારણે લેવાયેલી. મુઝફ્ફરનગરથી શરૂ થયેલું એ આંદોલન દિલ્હી સુધી પહોંચેલું. અત્યારે મોદી સરકારે જેમ ખેડૂત આંદોલનને શરૂઆતમાં ગણકાર્યું નહોતું એ રીતે એ વખતે કોંગ્રેસની ઉત્તર પ્રદેશ સરકારે પણ તેમની માગણીને ગણકારી નહોતી. કેન્દ્રમાં રાજીવ ગાંધીની સરકાર હતી ને રાજીવના ઈશારે યુપી સરકારે ટિકૈતને માગણીઓને ફગાવી દીધેલી.

અકળાયેલા ટિકૈત પોતાના આંદોલનને દિલ્હી લઈ ગયા. 1988માં ટિકૈતે દિલ્હીની બોટ ક્લબમાં પાંચ લાખ ખેડૂતો ખડકી દીધા. વિજય ચોકથી ઈન્ડિયા ગેટ સુધીના વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં ખેડૂતો જ ખેડૂતો દેખાતા હતા. રાજીવ ગાંધીએ પણ ટિકૈતને હટાવવા જાત જાતના દાવપેટ અજમાવી જોયા પણ ટિકૈત ના હાર્યા. ભારતીય કિસાન યુનિયનના ટેકેદારો મક્કમતથી પડી રહ્યા. ટિકૈતનું આ શક્તિ પ્રદર્શન જોઈને હબકી ગયેલા રાજીવ ગાંધીએ ટિકૈતની તમામ 35 માગણી સ્વીકારીને માંડ માંડ જાન છોડાવી હતી.

આ આંદોલને ટિકૈતને નેશનલ સેલિબ્રિટી બનાવી દીધા.

મહેન્દ્રસિંહ ટિકૈતે એ પછી ખેડૂતો માટે ઘણાં આંદોલન કર્યાં ને મોટા ભાગનાં આંદોલન સફળ પણ થયાં. મહેન્દ્રસિંહ 2012માં હાડકાંના કેન્સરના કારણે ગુજરી ગયા ત્યા સુધીમાં ભાગ્યે જ કોઈ એવી સરકાર આવી હશે કે જેને ટિકૈતે સ્વાદ નહીં ચખાડ્યો હોય. રાજકારણથી પર રહીને મહેન્દ્રસિહં ટિકૈતે ખેડૂતોને ન્યાય અપાવવા આજીવન લડતા જ રહ્યા.

ટિકૈત બંધુઓએ એ વારસો જાળવ્યો છે.

/////////////////////////

રાકેશ ટિકૈત પહેલાં પોલીસ હતા.

ટિકૈત ગામડિયા ને દેશી લાગે છે પણ એ સુશિક્ષિત નેતા છે. મેરઠ યુનિવર્સિટીમાંથી એમ.એ. કરનારા રાકેશ ટિકૈત એલ.એલબી. થયેલા છે. 1992માં દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે જોડાયેલા ટિકૈત એ જ વર્ષે પોલીસ બોર્ડની પરીક્ષા પાસ કરીને પીએસઆઈ બનેલા. બે વર્ષ સુધી પીએસઆઈ તરીકે કામ કર્યા પછી તેમણે રાજીનામું આપ્યું અને પિતાના ભારતીય કિસાન યુનિયનમાં જોડાઈ ગયા. છેલ્લાં 28 વર્ષથી એ ખેડૂતો માટે લડે છે.

ટિકૈત ખેડૂત આંદોલનમાં જોડાયા એ પહેલાં ખેડૂત આંદોલન પંજાબ-હરિયાણા પૂરતું મર્યાદિત હતું. ટિકૈતે એન્ટ્રી કરી પછી ઉત્તર પ્રદેશ સહિતનાં રાજ્યોના ખેડૂતો તેમાં જોડાયા. મોદી સરકારે કૃષિ કાયદા રદ કરવાનો નિર્ણય લેવો પડ્યો તેનું કારણ ટિકૈત છે કેમ કે મોદીને સૌથી વધારે ચિંતા યુપીની જ છે. ભાજપ અને મોદી સરકારે ટિકૈતને તોડવા બહુ પ્રયત્ન કર્યા હતા, જાત જાતના દાવ રમ્યા હતા પણ ટિકૈત મોટા ખેલાડી સાબિત થયા. ખેડૂત આંદોલનકારીઓને ખાલિસ્તાનવાદીઓનો ટેકો હોવાનો આક્ષેપ કરીને તેમના પર દેશદ્રોહી હોવાનું લેબલ લગાવવાના કારસા હોય કે વિપક્ષી નેતાઓના ઈશારે આંદોલન ચાલતું હોવાના આક્ષેપો હોય, ટિકૈતે બરાબર ઝીંક ઝીલીને ભાજપને ના ફાવવા દીધો.

ખેડૂત આંદોલન નબળું પડી જશે એવું લાગતું હતું ત્યારે ટિકૈત પોલીસ બળપ્રયોગ કરી રહી હોવાના આક્ષેપ સાથે જાહેરમાં રડ્યા તેના કારણે ખેડૂતો પાછા ફર્યા ને આંદોલન ફરી વેગવંતું બની ગયું. ટિકૈતે એ પછી યુપીમાં ખેડૂતો મહાપંચાયતો શરૂ કરીને સરકાર પર દબાણ વધાર્યું. યુપીમાં ભાજપના નેતાઓને લોકો ગામમાં પેસવા જ ના દે એવી સ્થિતી પેદા કરી. આ વ્યૂહરચના ફળી અને મોદીને ભાજપને રાજકીય નુકસાનનો ખતરો લાગ્યો તેથી છેવટે વાંકા વળીને કૃષિ કાયદા રદ કરવા પડ્યા.

ટિકૈતની આ સફળતા બહુ મોટી છે.

///////////////////////

રાકેશ ટિકૈત હવે રાજકારણમાં આવશે ?

મહેન્દ્રસિંહ ટિકૈત રાજકારણથી દૂર રહ્યા હતા. તેમના મોટા પુત્ર નરેશ ટિકૈત પણ ભારતીય કિસાન યુનિયન ચલાવે છે ને રાજકારણથી અલિપ્ત છે પણ રાકેશ ટિકૈત રાજકારણનો સ્વાદ ચાખી ચૂક્યા છે. તેમના માટે આ સ્વાદ કડવો સાબિત થયો છે. રાકેશ ટિકૈત બે વાર ચૂંટણી લડ્યા છે અને બંને વાર ખરાબ રીતે હાર્યા છે. 2007ની વિધાનસભા ચૂંટણી વખતે મહેન્દ્રસિંહની સલાહને અવગણીને રાકેશ ટિકૈતે બહુજન કિસાન દળની રચના કરી હતી અને પોતાના પક્ષની જ ટિકિટ પર ખટૌલી બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. રાકેશ ટિકૈત છેક છઠ્ઠા નંબરે આવ્યા હતા ને તેમણે ડીપોઝિટ પણ ગુમાવી હતી. એ વખતે કોંગ્રેસના ટેકાથી રાકેશ ટિકૈત લડ્યા હતા ને હાર્યા હતા. આ કારણે રાકેશ ટિકૈત પર કોંગ્રેસતરફી હોવાનો આક્ષેપ થાય છે. 2014ની લોકસભા ચૂંટણીમાં અજીતસિંહના રાષ્ટ્રીય લોકદળના ઉમેદવાર તરીકે રાકેશ ટિકૈત અમરોહા લોકસભા બેઠક પરથી ઉતર્યા ને ફરી ભૂંડી રીતે હાર્યા. ભાજપના કુંવરસિંહ તંવર આ ચૂંટણીમાં જીતેલા ને તેમને 5.28 લાખ મત મળેલા. રાકેશ ટિકૈત ચોથા નંબરે આવેલા ને તેમને માત્ર 9539 મત મળેલા. રાકેશ ટિકૈતે ફરી ડીપોઝિટ ગુમાવી હતી.

જો કે 2007 અને 2014માં સ્થિતી અલગ હતી, આજે સ્થિતી અલગ છે.

રાકેશ ટિકૈત અત્યારે જાણીતું નામ છે જ. ટિકૈતે ખેડૂત આંદોલનને બિન રાજકીય રાખ્યું છે અને તમામ ધર્મ તથા જ્ઞાતિના ખેડૂતોને પોતાના આંદોલન સાથે જોડ્યા હતા. લખીમપુર ખીરીમાં ભાજપના સાંસદ અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાએ સીખ ખેડૂતોને કચડીને મારી નાંખ્યા એ ઘટનામાં રાકેશ ટિકૈતે ભાજપને મદદ કરીને ખેડૂતોને શાંત પાડ્યા હતા. આ ઘટનામાં માર્યા ગયેલા સીખ ખેડૂતોને તેમણે વળતર જ નથી અપાવ્યું પણ આશિષ મિશ્રાને જેલભેગો કરીને ન્યાય અપાવવા પણ પ્રયત્ન કર્યો છે. આ બધાના કારણે રાકેશ ટિકૈતની લોકપ્રિયતા વધી છે. તેનો ફાયદો તેમને રાજકીય રીતે મળી શકે.

રાકેશ ટિકૈત રાજકીય ફાયદો લઈ શકશે કે નહીં એ ખબર નથી પણ ખેડૂત આંદોલનને સફળ બનાવીને ટિકૈતે મોદી સરકારને ઝૂકાવી એ મોટી વાત છે.

ઈતિહાસ ટિકૈતને હંમેશાં યાદ રાખશે.