ભારતીય કિસાન યુનિયનમાં ટિકૈત ગ્રુપના જિલ્લા અધ્યક્ષ દિલબાગ સિંહ પર મંગળવારે રાત્રે ફાયરિંગ થયું. રાત્રે લગભગ ૯.૩૦ વાગ્યે ખેડૂત નેતા દિલબાગ સિંહની કાર પર ૩ રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઘટના ગોલા કોતવાલી વિસ્તારના ભડેંડ ગામ પાસે બની હતી. અગાઉ બેંગલુરુમાં ખેડૂત સંઘના નેતા રાકેશ ટિકૈત પર શાહી ફેંકવામાં આવી હતી.
ગોલા કોતવાલી વિસ્તારના ભડેંડ ગામ પાસે આ ઘટના બની હતી. જ્યારે ખડૂત નેતા પોતાની કારમાં ઘરે જઈ રહ્યા હતા. ત્યારે બાઈક પર આવેલા શખ્સોએ કારને ઓવરટેક કરતી વખતે કારના ટાયર પર ફાયરિંગ કરી હતી. આ પછી કારના કાચ પર બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ હુમલામાં ખેડૂત નેતા દિલબાગ સિંહનો આબાદ બચાવ થયો હતો. તિકુનિયા કેસમાં દિલબાગ સિંહ સાક્ષી છે. જેમાં ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા આરોપી છે.
મંગળવારે રાકેશ ટિકૈત પર શાહી ફેંકવાની ઘટના અંગે જિલ્લા મેજિસ્ટ્રેટને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે, સોમવારે બેંગલુરુમાં એક કાર્યક્રમ દરમિયાન કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત પર શાહી ફેંકવામાં આવી હતી. રાકેશ ટિકૈત બેંગલુરુમાં પ્રેસ ક્લબમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. ત્યારે એક અજાણ્યા વ્યક્તિએ તેમના પર શાહી ફેંકી હતી. આ પછી રાકેશ ટિકૈતના સમર્થકોએ શાહી ફેંકનાર વ્યક્તિને પકડી લીધો હતો અને તેને જારદાર માર માર્યો હતો.