કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતો દિલ્હીની સરહદો પર આશરે એક વર્ષ જેટલા સમયથી આંદોલન ચલાવી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે આંદોલનમાં સામેલ અત્યાર સુધીમાં ૬૦૦થી વધુ ખેડૂતો અને એક્ટિવિસ્ટ્‌સે જીવ ગુમાવ્યો છે. જ્યારે દિલ્હીના ટિકરી બોર્ડર પર વધુ એક ખેડૂતે જીવ ગૂમાવ્યો છે.
દિલ્હીના ટિકરી બોર્ડર પર કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન શરૂ થયું ત્યારથી તેમાં સામેલ પંજાબના ૬૫ વર્ષીય ખેડૂત મોહિંદરસિંહનું મોત નિપજ્યું હતું. જાકે તેમના મોતનું ચોક્કસ કારણ સામે નથી આવ્યું પણ હાર્ટ એટેકને કારણે તેમણે જીવ ગૂમાવ્યો હોવાના અહેવાલો છે. મોહિંદરસિંહ ખેત મજૂર હતા અને તેમણે લગ્ન નહોતા કર્યા.
દિલ્હી સરહદોએ જે પણ ખેડૂતોએ અત્યાર સુધીમાં જીવ ગૂમાવ્યો તેની સંખ્યા ૬૦૦ને પાર પહોંચી ગઇ હોવાનું સંગઠનોએ જણાવ્યું હતું. જે પણ ખેડૂતોએ આંદોલન સમયે જીવ ગૂમાવ્યો છે તેમાંથી મોટા ભાગના ખેડૂતો ટૂંકી જમીન ધરાવે છે. મૃતક ખેડૂતના ભાઇ ૬૮ વર્ષીય રૂલદુ સિંઘે જણાવ્યું હતું કે અમારી પાસે બહુ જ ઓછી માત્ર ૨.૫ એકર જ જમીન હતી પણ બહેનના લગ્ન સમયે તે જમીનને પણ અમે વેચી દીધી હતી.
બીજી તરફ પટિયાલાની પંજાબી યુનિ.ના બે આૃર્થશાસ્ત્રીઓ દ્વારા હાથ ધરાયેલા સરવેમાં સામે આવ્યું છે કે આશરે ૬૦૦ જેટલા ખેડૂતો આંદોલન દરમિયાન મૃત્યુ પામ્યા છે અને તેમાંથી મોટા ભાગના ખેડૂતો પાસે બહુ જ ઓછી માત્ર બેથી ત્રણ એકર જ જમીન છે. આ સ્ટડીને મૃત્યુ પામેલા ૬૦૦માંથી ૪૬૦ ખેડૂતોને ધ્યાનમાં રાખીને હાથ ધરવામાં આવી હતી.