ઝારખંડ ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચારનો ઘોંઘાટ આજથી બંધ થઈ ગયો છે.હવે ઉમેદવારો ડોર ટુ ડોર જનસંપર્ક પ્રચાર કરી શકશે. ઝારખંડની ૪૩ બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન ૧૩ નવેમ્બરે છે. સવારે ૭ વાગ્યાથી મતદાન શરૂ થશે. કેટલાક વિસ્તારોમાં સાંજે ૫ઃ૦૦ વાગ્યા સુધી મતદાન થશે, પ્રથમ તબક્કામાં ઘણા દિગ્ગજ નેતાઓની વિશ્વસનીયતા દાવ પર છે. પ્રથમ તબક્કામાં કુલ ૬૮૩ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. ૧,૩૬,૮૫, ૫૦૯ મતદારો આ ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે, જેમાં પુરૂષ મતદારોની સંખ્યા ૬૮,૬૫, ૨૦૮ છે જ્યારે મહિલા મતદારોની સંખ્યા ૬૮,૨૦,૦૦૦ છે. આ સિવાય વિકલાંગ મતદારોની સંખ્યા ૧,૯૧,૫૫૩ છે. પ્રથમ તબક્કામાં ત્રીજા લિંગના મતદારોની સંખ્યા ૩૦૧ છે. ઝારખંડમાં ૧૩ નવેમ્બરે ૪૩ બેઠકો પર મતદાન માટે કુલ ૧૫,૩૪૪ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે, જેમાં શહેરી મતદાન મથકોની સંખ્યા ૨૬૨૮ છે જ્યારે ગ્રામીણ મતદાન મથકોની સંખ્યા ૧૨,૭૧૬ છે.
ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૧૮ વર્ષથી ૩૦ વર્ષની વચ્ચેના મતદારોની કુલ સંખ્યા ૪૧,૮૮,૬૩૬ છે. જેમાં ૨૦ લાખથી વધુ પુરુષ મતદાતા છે જ્યારે ૨૧ લાખથી વધુ યુવા મહિલા મતદારો છે. તે જ સમયે, ૮૫ વર્ષથી વધુ વયના મતદારોની સંખ્યા ૬૩,૭૨૫ છે. ૧૦૦ વર્ષથી ઉપરના મતદારોની સંખ્યા ૯૯૫ છે. સોમવારે એટલે કે આજે ઝારખંડના પાંચ જિલ્લાઓમાં ૨૨૫ બૂથ પર હેલીડ્રોપિંગ દ્વારા ચૂંટણી કર્મચારીઓને મોકલવામાં આવશે, જેમાં પશ્ચિમ સિંહભૂમ, લાતેહાર, લોહરદગા, ગુમલા અને ગઢવા જિલ્લાનો સમાવેશ થાય છે.
પ્રથમ તબક્કામાં જે દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર છે તેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાની પત્ની મીરા મુંડા, ઓડિશાના રાજ્યપાલની પુત્રવધૂ પૂર્ણિમા દાસ સાહુ અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રઘુવર દાસ, ધારાસભ્ય સીપી સિંહ, પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેન, મંત્રી
ડો.રામેશ્વર ઓરાં, મંત્રી બાના ગુપ્તા, મંત્રી દીપક બિરુવા, મંત્રી રામદાસ સોરેન, ભાજપના ઉમેદવાર અને રાજ્યના પૂર્વ મંત્રી, હાલના ધારાસભ્ય નીલકંઠ સિંહ મુંડા, હટિયા બેઠકના ધારાસભ્ય નવીન જયસ્વાલ, ગઢવા બેઠક પરથી હેમંત સોરેન કેબિનેટ મંત્રી મિથિલેશ ઠાકુર અને બરકાગાંવ બેઠક પરથી યોગેન્દ્ર સાહુના પરિવારની રાજકીય પ્રતિષ્ઠા દાવ પર છે. આ સાથે બીજા ઘણા દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા પ્રથમ તબક્કાની ચૂંટણી પર નિર્ભર છે.
ઝારખંડના મુખ્ય ચૂંટણી અધિકારી કે રવિ કુમારે મતદારોને અપીલ કરી હતી અને કહ્યું હતું કે તેઓએ મતદાન માટે તેમની મતદાર કાપલી સાથે રાખવી પડશે. જેમને મતદાર કાપલી મળી નથી, તેઓએ મતદાન મથક પર ર્મ્છં અથવા સ્વયંસેવકનો સંપર્ક કરવો જોઈએ અને ટોકન મેળવવું જોઈએ, જેથી તેઓ મતદાનમાં સગવડતા મેળવી શકે. મતદાર ઓળખ કાર્ડની ગેરહાજરીમાં, મતદાર ૧૨ પ્રકારના માન્ય અન્ય ઓળખ દસ્તાવેજા સાથે મતદારની ઓળખ કર્યા પછી તેના મતાધિકારનો ઉપયોગ કરશે. મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું કે અત્યાર સુધીમાં આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનના ૫૩ કેસ નોંધાયા છે. તેમાંથી સૌથી વધુ ૨૮ કેસ ગઢવા જિલ્લામાં સામે આવ્યા છે. રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ થયા બાદથી ૧૭૬.૧૫ કરોડ રૂપિયાની ગેરકાયદેસર સામગ્રી અને રોકડ જપ્ત કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે મતદાનના દિવસે ઉમેદવારો મતદાન મથકો પર પોતાનો કેમ્પ લગાવે છે, જેના માટે સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી લેવી ફરજિયાત છે. કેમ્પ મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજ્યાની બહાર હોવો જોઈએ. ધાર્મિક સ્થળ કે અતિક્રમણ કરેલ જગ્યાએ કેમ્પ લગાવી શકાશે નહી. તે કેમ્પમાં ઉમેદવારને લગતા ઝંડા, બેનરો, પ્રતિક, ફોટા વગેરે મૂકવા પર પણ પ્રતિબંધ રહેશે. કેમ્પમાં ઉમેદવારો માત્ર એક ટેબલ અને બે ખુરશીઓ રાખી શકશે. ત્યાં ખાવા-પીવા પર પણ પ્રતિબંધ રહેશે. મતદાન બાદ કેમ્પમાં પાછા ફરવા પર પણ પ્રતિબંધ છે. તમામ ઉમેદવારોને અપીલ કરતા તેમણે કહ્યું કે તેઓ સુનિશ્ચિત કરશે કે ચૂંટણી પંચના નિયમોનું પાલન થાય.