ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. નક્સલ પ્રભાવિત રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન ૧૩ નવેમ્બરે થશે જ્યારે બીજા તબક્કાનું મતદાન ૨૦ નવેમ્બરે થશે. ચૂંટણીના પરિણામો ૨૩ નવેમ્બરે આવશે. કેન્દ્રીય અર્ધલશ્કરી દળોને નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી કરાવવાની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ઝારખંડના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને લોકો કોઈપણ ભય વિના ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઈ શકે તે માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અર્ધલશ્કરી દળોના લગભગ ૧૦,૦૦૦ જવાનોની અગાઉથી તૈનાતી કરી છે. કેન્દ્રીય અર્ધલશ્કરી દળોમાં,સીઆરપીએફની ૩૫,બીએસએફની ૨૫, સીઆઇએસએફની ૧૦,આઇટીબીપીની ૧૫ અને એસએસબીની ૧૫ કંપનીઓને ઝારખંડ મોકલવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. તાજેતરમાં જ કેન્દ્રીય અર્ધલશ્કરી દળોએ પણ જમ્મુ-કાશ્મીરમાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજી છે. ત્યાં ત્રણ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. તમામ ઉમેદવારોને પૂરતી સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી. નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણી કરાવવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ખાસ રણનીતિ તૈયાર કરી હતી. વિધાનસભાની ચૂંટણીમાં આતંકવાદીઓ કોઈપણ પ્રકારની અડચણ ઉભી ન કરે તે માટે કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની ૧૦૦૦ કંપનીઓ જમ્મુ કાશ્મીરમાં તૈનાત કરવામાં આવી હતી. કેન્દ્રીય અર્ધલશ્કરી દળોના એક લાખથી વધુ જવાનોએ જમ્મુ અને કાશ્મીરમાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજી છે.
હવે ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં અર્ધલશ્કરી દળોની આગોતરી તૈનાતી કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગયા અઠવાડિયે જ ઝારખંડ સરકારના મુખ્ય સચિવ, ગૃહ સચિવ અને ડીજીપીને જાણ કરી છે. ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ, ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની ૧૦૦ કંપનીઓ (લગભગ ૧૦૦૦૦ જવાનો)ની એડવાન્સ તૈનાતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય દળોને ઝારખંડના વિવિધ વિસ્તારોમાં વિસ્તાર પ્રભુત્વ, આત્મવિશ્વાસ નિર્માણના પગલાં, ફ્લેગ માર્ચ અને દેખરેખની જવાબદારી સોંપવામાં આવી છે. કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની નિયુક્ત કંપનીઓ ૧૪ ઓક્ટોબરે તેમની ડ્યુટી સાઇટ પર પહોંચી ગઈ છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઝારખંડ સરકારને સીએપીએફની જમાવટ માટે વિગતવાર જમાવટ યોજના તૈયાર કરવા વિનંતી કરી હતી. આ બાબતે સંબંધિત દળ અને મુખ્ય દળ સંયોજક સાથે ચર્ચા કરવી જોઈએ. કેન્દ્રીય દળોની હિલચાલ અને તૈનાતીનું સંકલન કરવાની જવાબદારી સીઆરપીએફને સોંપવામાં આવી છે. ચૂંટણી ફરજ માટે આવતા કેન્દ્રીય દળોની મૂળભૂત જરૂરિયાતોનું ધ્યાન રાખવું જાઈએ. તેમના પરિવહન, લોજિસ્ટીક્સ, રહેઠાણ અને અન્ય જરૂરિયાતો અંગે તાત્કાલિક નિર્ણયો લેવા જાઈએ. સીઆરપીએફને કંપનીઓની અવરજવર માટે સ્પેશિયલ ટ્રેન અને પર્યાપ્ત કોચની વ્યવસ્થાનું ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે. આ માટે તાત્કાલિક રેલવે બોર્ડનો સંપર્ક કરવા જણાવાયું હતું. ચૂંટણી દરમિયાન સીએપીએફની તમામ પ્રકારની હિલચાલ વિશે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને દૈનિક ધોરણે માહિતી આપવામાં આવશે.