ઝારખંડના પલામુમાં વિસ્ફોટમાં ત્રણ સગીર સહિત ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે વિસ્ફોટ રાંચીથી લગભગ ૧૯૦ કિમી દૂર મનાતુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભંગારના વેપારીના ઠેકાણા પર થયો હતો.
પલામુના પોલીસ અધિક્ષક રેશમા રમેસને જણાવ્યું કે, રાજ્યની ચાર બેઠકો પર લોકસભા ચૂંટણીમાં મતદાનના એક દિવસ પહેલા વિસ્ફોટ થયો હતો. અમે દરેક પાસાઓથી ઘટનાની તપાસ કરી રહ્યા છીએ. તપાસમાં બોમ્બ બ્લાસ્ટની શક્યતા સહિતની તમામ શક્યતાઓ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે ઘટનાની તપાસ માટે ફોરેન્સિક ટીમને બોલાવવામાં આવી છે. વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકોની ઓળખ ભંગારના વેપારી ઇસ્તેયાક અંસારી (૫૦), સાહદત અંસારી (૮), શહીદ અંસારી (૮) અને વારિશ અંસારી (૧૦) તરીકે થઈ છે. ઘાયલ થયેલાઓમાં માજિદ અંસારી (૭), અફસાના ખાતૂન (૧૪) અને રૂખસાના ખાતૂન (૧૭)નો સમાવેશ થાય છે.