વર્તમાન મુખ્યમંત્રી હેમંત સોરેન પોતે અને તેમની પત્ની, ભાઈ અને ભાભી પણ ચૂંટણી મેદાનમાં છે.
(એ.આર.એલ),રાંચી,તા.૨૬
ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીને લઈને ઉત્તેજના વધી ગઈ છે. ઝારખંડ મુક્ત મોરચાની આગેવાની હેઠળના મહાગઠબંધન અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી એ લગભગ તમામ બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે. વર્તમાન મુખ્યમંત્રી હેમંત સોરેનથી લઈને પૂર્વ મુખ્યમંત્રીઓ બાબુલાલ મરાંડી અને ચંપાઈ સોરેન આ ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આ ઉપરાંત અન્ય ઘણા પૂર્વ મુખ્યમંત્રીઓના સંબંધીઓને પણ આ ચૂંટણીમાં ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ રીતે ઝારખંડના ઈતિહાસમાં સાતેય મુખ્યમંત્રીઓના પરિવારના સભ્યો અથવા તેઓ પોતે ચૂંટણી લડ્યા છે.ત્રણ વખત ઝારખંડના મુખ્યમંત્રી રહી ચૂકેલા શિબુ સોરેનના પરિવારના ઘણા સભ્યો આ ચૂંટણી લડ્યા છે. શિબુ સોરેન ૦૨ માર્ચ ૨૦૦૫ થી ૧૧ માર્ચ ૨૦૦૫ સુધી, ઓગસ્ટ ૨૦૦૮ થી જાન્યુઆરી ૨૦૦૯ અને ડિસેમ્બર ૨૦૦૯ થી મે ૨૦૧૦ સુધી રાજ્યના મુખ્યમંત્રી હતા. તેમના પુત્ર અને મુખ્યમંત્રી હેમંત સોરેન બહેત વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. હેમંત ત્રણ વખત ઝારખંડની ટોચની સત્તા પર પણ પહોંચી ચૂક્યા છે. અગાઉ તેઓ જુલાઈ ૨૦૧૩ થી ડિસેમ્બર ૨૦૧૪ અને ડિસેમ્બર ૨૦૧૯ થી જાન્યુઆરી ૨૦૨૪ સુધી મુખ્યમંત્રી હતા. ૪ જુલાઇ, ૨૦૨૪ થી ત્રીજી વખત ઝારખંડના મુખ્યમંત્રી પદ સંભાળ્યું. ઝારખંડ મુક્ત મોરચાએ મુખ્યમંત્રી હેમંતની પત્ની કલ્પના સોરેનને ગાંડે બેઠક પરથી ટિકિટ આપી છે.શિબુ સોરેન પરિવારના વધુ બે સભ્યો પણ ચૂંટણી લડી રહ્યા છે. શિબુ સોરેનના પુત્ર અને મુખ્યમંત્રી હેમંતના ભાઈ બસંત સોરેન જેએમએમની ટિકિટ પર દુમકાથી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે શિબુ સોરેનના પુત્રવધૂ અને સ્વ. દુર્ગા સોરેનની પત્ની સીતા સોરેન જામતારા વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. ઝારખંડમાં ભાજપ તરફથી ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કરનારા કેટલાક ચહેરાઓને પણ વિધાનસભામાં તક આપવામાં આવી છે. આમાંથી એક નામ સીતા સોરેનનું છે, જેમને લોકસભામાં દુમકા બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો.ઝારખંડના ત્રણ વખતના મુખ્યમંત્રી અર્જુન મુંડાની પત્ની મીરા મુંડા પણ ૨૦૨૪ની વિધાનસભા ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવી રહી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાની પત્નીને પોટકા સીટ પરથી ભાજપે ઉમેદવાર બનાવ્યા છે. અર્જુન મુંડાએ તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણી પણ લડી હતી, પરંતુ તેઓ સફળ થયા ન હતા. અર્જુન મુંડા માર્ચ ૨૦૦૩ થી માર્ચ ૨૦૦૫, માર્ચ ૨૦૦૫ થી સપ્ટેમ્બર ૨૦૦૬ અને સપ્ટેમ્બર ૨૦૧૦ થી જાન્યુઆરી ૨૦૧૩ સુધી ઝારખંડના સીએમ હતા.રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડી ધનવર બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. તેઓ નવેમ્બર ૨૦૦૦ થી માર્ચ ૨૦૦૩ સુધી ઝારખંડના મુખ્યમંત્રી હતા. મરાંડી હાલમાં ઝારખંડ ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે.ઝારખંડના ૨૪ વર્ષના ઈતિહાસમાં માત્ર એક જ મુખ્યમંત્રી છે જેમણે પૂરા પાંચ વર્ષ સરકાર ચલાવી છે અને તે છે રઘુબર દાસ. તેમની પુત્રવધૂ પૂર્ણિમા દાસ સાહુને જમશેદપુર પૂર્વથી બીજેપીના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ૨૦૧૪ થી ૨૦૧૯ સુધી ઝારખંડ પર શાસન કરનાર રઘુબર દાસ હાલમાં ઓડિશાના રાજ્યપાલ છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી ઝારખંડની રાજનીતિમાં ચર્ચામાં રહેલા ચંપાઈ સોરેન ભાજપની ટિકિટ પર પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. જેએમએમના ભૂતપૂર્વ નેતા ચંપાઈને સરાઈકેલા સીટ પરથી બીજેપીના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ચંપાઈ સોરેનના પુત્ર બાબુલાલ સોરેન પણ ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે તેમને ઘાટશિલા અનામત બેઠક પરથી તક આપી છે. તત્કાલિન સીએમ હેમંત સોરેનની ધરપકડ બાદ ચંપાઈ સોરેને લગભગ છ મહિના સુધી ઝારખંડની સત્તા સંભાળી હતી. તેઓ ૨ ફેબ્રુઆરી ૨૦૨૪ થી ૩ જુલાઈ ૨૦૨૪ સુધી સીએમ હતા અને હેમંત સોરેન જેલમાંથી બહાર આવ્યા પછી તેમણે તેમની ખુરશી ગુમાવી દીધી હતી. પૂર્વ સીએમ ચંપાઈ સોરેન ૩૦ ઓગસ્ટે ભારતીય જનતા પાર્ટીમાં જાડાયા હતા. સ્વતંત્ર ધારાસભ્ય બન્યા બાદ ઝારખંડના સીએમ બનેલા મધુ કોડાનો પરિવાર પણ આ ચૂંટણીમાં જારદાર પ્રયાસ કરી રહ્યો છે. મધુ કોડાની પત્ની ગીતા કોડા જગન્નાથપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ગીતાને બીજેપીએ સિંહભૂમ સીટ પરથી ઉમેદવાર બનાવ્યા હતા પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. મધુ કોડા સપ્ટેમ્બર ૨૦૦૬ થી ઓગસ્ટ ૨૦૦૮ સુધી ઝારખંડના મુખ્યમંત્રી હતા. ઝારખંડના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું જ્યારે સરકારનું નેતૃત્વ સ્વતંત્ર ધારાસભ્યએ કર્યું.