તાજેતરમાં હજીરામાં ૬ વર્ષની બાળકીનું અપહરણ થયું હોવાનો મામલો બન્યો હતો. જેના છ દિવસ બાદ હજીરા ગામના ઝાડી ઝાંખરામાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગત ૭ ઓગસ્ટના રોજ હજીરામાં એક બાળકીનું તેના ઘરના બહારથી અપહરણ થયું હતું. જે મામલે પરિવારે બાળકીની આસપાસના વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી હતી. બાળકી મળી ન આવતા પરિવારે હજીરા પોલીસ સ્ટેશનમાં બાળકી ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે અપહરણની ઘટનાને ગંભીરતાથી લઈ બાળકીને શોધી કાઢવા માટે તપાસનો દોર શરૂ કર્યો હતો.
ગુમ થયેલી બાળકીને શોધવા માટે પોલીસની ૬ ટીમ કામે લાગી હતી. જેમાં ૩ ટીમ સીસીટીવી કેમેરાના ફૂટેજ અને ૩ ટીમ આસપાસની કોલોની સહિતના વિસ્તારોમાં બાળકીની તપાસ કરી રહી હતી. પરિવાર મૂળ બિહારનો છે અને હજીરા ગામમાં ભાડેથી રહી કંપનીમાં નોકરી કરે છે. આ છ દિવસ દરમિયાન પોલીસે આ તપાસમાં જેટલા પણ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, તેમાં બાળકીને કોઈ લઈને જતું હોય એવા કોઈ ફૂટેજ મળ્યા નથી.
આ બનાવ બન્યો ત્યાં માત્ર ગાડીઓ પસાર થાય છે. આથી પોલીસે ગાડીના આધારે તપાસનો દોર શરૂ કર્યો હતો. આ ઘટનાને ૬ દિવસથી વધુ સમય થઇ ગયો હતો. ત્યારે આજે સવારે બાળકીનો મૃતદેહ એક સ્થાનિક મહિલાને જાવા મળ્યો હતો. આ મહિલા દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.
આ બાબતે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે, ગત ૭ ઓગસ્ટના રોજ હજીરા પોલીસ સ્ટેશનમાં છ વર્ષની બાળકી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બાળકીને શોધવા પોલીસની અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી, જેમાં એક ટીમ દ્વારા ડ્રોન મારફતે, બીજી ટીમ ઝ્રઝ્ર્ફ ફૂટેજના આધારે અને બાકી બધી ટીમો ટેકનિકલ સર્વલેન્સના આધારે બાળકીને શોધવાનો પ્રયત્ન કરી રહી હતી. આજે સવારે એક મહિલાનો કંટ્રોલમાં ફોન આવ્યો કે, આ કંપની પાછળ જ એક નાની બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે.
પોલીસની ટીમ અહીં પહોંચી અને બાળકીનું ઓળખપત્ર કરવામાં આવ્યું, ત્યારે ગુમ થયેલી બાળકી જણાય આવી. મૃતદેહનું પંચનામું કર્યું, તે ઉપરાંત એફએસએલની ટીમને પણ બોલાવવામાં આવી હતી. હાલ તમામ પ્રકારની કાનૂની પ્રક્રિયા કર્યા બાદ મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલ ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ બાળકીના મોતનું સાચું કારણ બહાર આવી શકશે.