એકવાર કાકાકૌઆ ઊડતા ઊડતા ગામની નિશાળમાં આવી ચડ્યા. નિશાળમાં કંઈક ઉજવણી થઈ રહી હોય એવું દેખાયું. કાકાકૌઆ તો ઘડીકમાં ઝાડની ટોચે તો ઘડીકમાં નિશાળના ઝાંપે, ઘડીકમાં વર્ગની અંદર તો ઘડીકમાં વર્ગની બહાર. આમતેમ ઊડાઊડ કરી બધું ધ્યાનથી નીરખવા લાગ્યા. એમણે જોયું કે શાળામાં તો બાળમેળાની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે. ચારેકોર બાળકો મજા મજા કરી રહ્યાં છે. બાળકોના કલશોરથી આખી શાળા ગુંજી ઊઠી છે. આ જોઈને એ તો હરખાઈ ગયા. એમને તો આ બધું જોવામાં ખૂબ મજા પડી. એમણે મનોમન વિચાર્યું, આવો બાળમેળો જંગલમાં ઉજવાય તો ! આ વિચાર સાથે કાકાકૌઆએ તો જંગલ તરફ ઉડાન ભરી. જંગલમાં આવતાં જ બધાં પંખીઓને ભેગાં કર્યાં. સૌને સંબોધતા એણે કહ્યું, “આ ગામની નિશાળમાં અનોખો બાળમેળો યોજાય છે. બાળકો આનંદ કરતાં જાય ને અવનવું શીખતાં જાય. શું આપણે પણ આપણાં બાળકો માટે આવો બાળમેળો યોજી ન શકીએ ? આપણે પણ આપણાં બાળકોને ઘણું શીખવવાનું હોય છે. ચાલો આપણે પણ એક બાળમેળો યોજવાનો વિચાર કરીએ.”
“હા…હા… યોજવો જ જોઈએ, યોજવો જ જોઈએ.” બધાં પંખીઓ એકસાથે બોલી ઊઠ્યાં. સૌએ ઉત્સાહભેર કાકાકૌઆના આ વિચારને વધાવી લીધો. પક્ષીરાજ ગરુડની આગેવાની હેઠળ આ બાળમેળો યોજવાનું નક્કી થયું. જોતજોતામાં આ વાત આખા જંગલમાં પ્રસરી ગઈ. એમાંય બાળપંખીઓમાં તો આનંદ આનંદ છવાઈ ગયો. બચ્ચાંના આનંદિત કલરવથી આખુંય જંગલ ગુંજી ઊઠ્યું. બાળમેળાની રંગેચંગે તૈયારીઓ શરૂ થઈ. વનવૃક્ષોની ઘટાઓ નીચે બાળમેળો યોજવાનું નક્કી થયું. ઝાડેઝાડ ને વનેવન બાળમેળાની પત્રિકાઓ વહેંચાઈ ગઈ. મંડપ, સજાવટ, સ્વાગતવિધિ, જમણવાર આ બધું જ નક્કી કરવામાં આવ્યું.
ચકુ ચકલી ને કલબલ કાબર તડામાર તૈયારીમાં લાગી ગયાં હતાં. બાળપંખીઓ પણ પોતાના રસ અને આવડત મુજબ તૈયારીમાં જોડાયાં. “હું તો એવો નાચીશ.. એવો નાચીશ કે તમે બધા જોતા રહેશો.” – મોન્ટુ મોર નાચતો નાચતો બોલ્યો. તો બેસ્ટી બુલબુલ પણ પોતાની તૈયારીઓ વિશે બોલ્યું, “હું પણ રાત દિવસ રિયાઝ કરું છું. હું એવા સૂર રેલાવીશ કે સૌ સાંભળતા જ રહી જશે.” ત્યાં એટલામાં કલ્લુ કાગડો આવી ચડ્યો ને બોલ્યો,
I am a કલ્લૂ કૌઆ,i am a ડિસ્કો ડાન્સર…
“અરે ! હું પણ તમારી સાથે જોડાઈશ હોં. મને પણ સરસ ગાતાં આવડે છે.” “અરે અરે ! તારો અવાજ તો સાવ કર્કશ છે. તને સાંભળવા કોઈ રાજી નથી. જા જા છાનોમાનો. ક્યાંક બીજા પંખીઓ પાસે જા.” – મોન્ટુ મોર ને બેસ્ટી બુલબુલ બોલ્યાં. કલ્લુ કાગડો તો જાય બીજાં પંખીઓ પાસે. તો આ બાજુ પીન્ટુ પોપટ અને કલબલ કાબર વકતૃત્વની તૈયારીમાં લાગ્યાં હતાં. અવનવી છટા સાથે તે બોલતાં હતાં. જાણે આખાય જંગલમાં આ અનોખી ઉજવણીનો આનંદ વ્યાપો હતો. સૌ બાળપંખીઓ પોતાની તૈયારીમાં લાગ્યાં હતાં.
બાળમેળાનો કાર્યક્રમ અગાઉથી જાહેર કરવામાં આવ્યો હતો. આખરે ઉજવણીનો એ દિવસ આવી પહોંચ્યો. કૂકડેકૂક… કૂકડેકૂક કરી કૂકડાઓએ વહેલી સવારે સૌને જગાડી દીધા. નદીના પવિત્ર જળમાં સ્નાન કરી સૌ ગોઠવાઈ ગયા. બાળપંખીઓ તો સજીધજીને… બનીઠનીને આવી પહોંચ્યા હતાં. આખાય જંગલનાં સૌ પક્ષીગણ આવી ગયાં હતાં. મહેમાનોનું આગમન પણ થઈ ચૂક્યું હતું. આયોજન મુજબ બધી જ પ્રવૃત્તિઓ શરૂ થઈ.
ક્રેઝી કોયલ અને બેસ્ટી બેસ્ટી બુલબુલ દ્વારા સુંદર મજાનું ગીતડું ગવાયું,(ક્રમશઃ) Mo ૯૦૯૯૧૭૨૧૭૭