‘અરે વાહ! આ છોકરાં કેવાં હીંચકે ઝૂલે છે! કેવો આનંદ કરે છે! મને પણ હીંચકે ઝૂલવા મળે તો મજા પડી જાય!’ – ઝાડની ડાળે હીંચકે ઝૂલતાં છોકરાં જોઈ ઝમકું ખિસકોલીએ મનોમન વિચાર્યું. હીંચકે ઝૂલવાનું વિચારતાં જ એ રાજીના રેડ થઈ ગઈ.
ઝમકું ખિસકોલી ઝાડ પર રહે. જ્યારે જુઓ ત્યારે એ ઝાડ પર દોડાદોડ કરતી હોય. ઝાડ પર રમતી જાય ને દોડતી જાય. હીંચકે ઝૂલવું એને બહુ ગમતું. પણ હીંચકે ઝૂલવું કઈ રીતે! એનો એ સતત વિચાર કર્યા કરતી. એને થયું લાવને ઝાડની ડાળીએ લટકીને ઝૂલું. એમ વિચારી એ ઝાડની ડાળી પર સરકી. પણ એનું વજન જ એટલું ઓછું કે ઝાડની સહેજેય નમી નહિ. એક… બે… ત્રણ… ચાર… એમ એણે કૂદકા પણ લગાવી જોયા. પણ આ શું! એ હાંફી ગઈ પણ ડાળી ન હાલી કે ન નમી. હીંચકે ઝૂલવું તો કઈ રીતે ઝૂલવું!
ઝમકુંના મનમાં હીંચકે ઝૂલવાના વિચાર સતત દોડ્યા જ કરતા હતા. વળી એને એક યુક્તિ સૂઝી. એને થયું લાવને એક વેલો લઈ આવું. વેલો ડાળી પર બાંધું ને હીંચકે ઝૂલું. એ તો ચાલી વેલો શોધવા. એ આમ જુએ ને તેમ જુએ. એની નજર સતત વેલાની શોધમાં ભટકતી હતી. ત્યાં જ એની નજર એક વાડ પર પડી. વાડ પર એક સરસ મજાનો લીલોછમ્મ વેલો હતો. ઝમકુંને થયું આ વેલો બરાબર મારા કામમાં આવશે. આ વેલાનો હું હીંચકો બનાવીશ ને ઝૂલીશ. એય મજા મજા પડી જશે. એણે તે વેલો લઈ લીધો.
ઝમકું વેલો લઈ હરખાતી હરખાતી ચાલી. દડબડ દડબડ દોડતી એ ઝાડ પર ચઢી ગઈ ને મંડી હીંચકો બાંધવા. ઘડીભરમાં એણે હીંચકો બાંધી તૈયાર કરી દીધો. ઝમકું ક્યારનીય હીંચકો તૈયાર કરવાના કામે લાગી હતી. હવે એના પેટમાં બિલાડાં બોલતાં હતાં. એને થયું લાવને થોડું ખાઈ લઉં. પછી શાંતિથી હીંચકે ઝૂલું ને મજા કરું. એમ વિચારી તે ખાવા બેઠી.
એટલામાં એક ભેંસ ફરતી ફરતી ઝાડ નીચે આવી. લીલોછમ્મ લટકતો વેલો જોઈ ભેંસના મોમાં પાણી આવ્યું. એણે વેલો ખેંચ્યો ને પળભરમાં ખાઈ ગઈ. ઝમકું દોડતી આવી ને જોયું તો એનો હીંચકો ભેંસ વાગોળતી હતી. ઝમકું તો પોક મૂકી રોવા બેઠી. એને થયું, ‘હાય હાય! મૂઈ ભેંસ મારો હીંચકો ઝાપટી ગઈ! મારી બધી મહેનત પાણીમાં ગઈ! હવે હું કેવી રીતે હીંચકે ઝૂલીશ!’
ઝમકુંની રોકકળ સાંભળી હૂપાહૂપ હૂપાહૂપ કરતા વાંદરભાઈ આવી ચડ્યા. એણે ઝમકુંને પૂછ્યું, “અરે ઝમકુંબેન! તમે આમ પોક મૂકીને રડો છો શું કામ? જરા કહો તો ખરાં!” ઝમકુંએ રોતાં રોતાં વાંદરાભાઈને બધી વાત કરી. ઝમકુંની વાત સાંભળી વાંદરાભાઈ ખડખડાટ હસવા લાગ્યા. વાંદરાભાઈને ખડખડાટ હસતા જોઈ ઝમકું બોલી, “વાંદરાભાઈ! વાંદરાભાઈ! તમે આમ શું ખડખડાટ હસો છો! મારી બધી મહેનત પાણીમાં ગઈ! અહીં મારો જીવ જાય છે ને તમે ખડખડાટ હસો છો!”
વાંદરાભાઈ કહે, “અરે ઝમકું! તને તો હીંચકા ખાવાનો ભારે શોખ હોં! પણ તું જરાય ચિંતા ન કરીશ. તને હીંચકે ઝૂલાવવામાં હું જરૂર મદદ કરીશ.” વાંદરાભાઈની વાત સાંભળી ઝમકુંની આંખો ચમકી ઊઠી ને તરત બોલી, “હેં વાંદરાભાઈ! તમે મને હીંચકે ઝૂલાવશો એમ? પણ શી રીતે? જલદી જલદી કહો તો ખરા!”
“અરે ઝમકું! તું તો ભારે ઉતાવળી હોં!” – એમ કહેતા વાંદરાભાઈ ઝાડની ડાળી પર સૂઈ ગયા. એમની લાંબી પૂંછડી લટકવા માંડી. વાંદરાભાઈની લટકતી પૂંછડી જોઈ ઝમકું બધુંય સમજી ગઈ. એ તો દડબડ દડબડ દોડી ને વાંદરાભાઈની પૂંછડી પકડી ઝૂલવા લાગી. એને મજા પડી ગઈ. હીંચકે ઝૂલવાનું એનું સપનું પુરું થયું. ઝમકું પૂંછડી પકડી હીંચકે ઝૂલતી ગઈ ને કહેતી ગઈ, “થેંક્યુ વાંદરાભાઈ!” Mo ૯૦૯૯૧૭૨૧૭૭