એક ઝમકું નામની ખિસકોલી હતી. ઝમકું એટલી ઝડપી દોડતી કે જોનારાની આંખો ચમકી ઊઠે! એ આખો દિવસ ‘ઝૂંઉમમમ… ઝૂંઉમમમ..!’ કરતી એક ડાળ પરથી બીજી ડાળ અને એક ઝાડ પરથી બીજા ઝાડ પર દોડાદોડ કરતી રહેતી.
ઝમકું બહુ શોખીન હતી. એમાંય એને ખાવાનો ઘણો શોખ! ખાસ કરીને એને ગોળ-ગોળ વસ્તુઓ બહુ ભાવતી. એમાંય એને સૌથી પ્રિય મીઠાં નાનકડાં બોર! એક સવારે ઊઠી અને એને અચાનક યાદ આવ્યું કે એણે ગઈકાલે રાત્રે એનું સૌથી પ્રિય એવું એકદમ લાલચટ્ટાક મોટું ગોળ-ગોળ બોર ક્યાંક સંતાડ્યું હતું. પણ એને એ બોર જડતું નહોતું. એ વિચારવા લાગી,‘હમ્મ… ક્યાં સંતાડ્યું હતું? મેં બોર ક્યાં સંતાડયું હતું?’
એણે જ્યારે બોર સંતાડ્યું હતું ત્યારે એ બહુ જ ઊંઘમાં હતી. એને એટલું જ યાદ હતું કે એણે કોઈ ‘ગોળ-ગોળ’ વસ્તુની બાજુમાં બોર મૂક્યું હતું. ઝમકું તરત જ એ ખોવાયેલા ‘ગોળ-ગોળ’ બોરને શોધવા નીકળી પડી.
સૌથી પહેલાં એ વડના થડ પાસે ગઈ. ત્યાં એણે એક ભૂખરો પથ્થર જોયો. ઝમકુંએ તરત પથ્થરને પૂછ્યું: ‘એય… તું ‘ગોળ-ગોળ’ છે? કદાચ તું જ મારું ખોવાયેલું લાલચટ્ટાક બોર તો નથી ને! તે રંગ તો નથી બદલ્યો ને!’
પથ્થર જરા હસ્યો ને બોલ્યો, ‘અલી ઝમકું, હું ભલે ગોળ-ગોળ છું પણ તને ખબર છે, હું ચાવી ન શકાય તેવો ગોળ-ગોળ કઠણ છું!’ ‘હમ્મ, તું મારું ખોવાયેલું લાલચટ્ટાક બોર નથી કે તારી બાજુમાંય બોર નથી,’ કહીને ઝમકું આગળ દોડી.
પછી એ નીચે કૂદી. ત્યાં એણે એક વાંદરો જોયો. જે આરામથી બેસીને પીળાં કેળાં ખાઈ રહ્યો હતો. ઝમકું વાંદરાને પૂછે છે ઃ ‘ઓ ભાઈ, ઓ ભાઈ! તમે મારું એક લાલચટ્ટાક ગોળ-ગોળ બોર જોયું છે?’
વાંદરો બોલ્યોઃ ‘બોર? લાલચટ્ટાક બોર? ના ભાઈ ના, મેં નથી જોયું બોર કે નથી જોઈ બોરડી! મેં તો ખાલી આ ગોળ-ગોળ કેળાં જ ખાધાં છે. જો આ કેળું પણ કેટલું સરસ ગોળ-ગોળ છે!” એમ કહી તે હસતાં-હસતાં બીજું કેળું ખાવા માંડ્યો.‘કેળું લાંબુ હોય, ગોળ-ગોળ નહીં!’ કહીને ઝમકું ગુસ્સામાં તેની પ્રિય જગ્યા કે જ્યાં જમીન પર એક મોટું ગોળ-ગોળ ફૂલ ખીલેલું હતું ત્યાં પહોંચી ગઈ. ત્યાં ઝમકુંએ એક નાની ગોકળગાયને જોઇ, જે ફૂલ પર ધીમે ધીમે ચાલતી હતી. ગોકળગાયની પીઠ પર એનું ગોળ-ગોળ ઘર હતું.
ઝમકુંએ ઉતાવળે ઉતાવળે કહ્યું, ‘અરે, ઓ ધીમા દોસ્ત! તારું આ ઘર કેટલું સરસ ગોળ-ગોળ છે! તેં ક્યાંય મારું લાલચટ્ટાક ગોળ-ગોળ બોર જોયું છે?’
ગોકળગાય ધીમા અવાજે બોલી,‘મને… યાદ… નથી… પણ… મારું… ઘર… તારા… બોર… કરતાં… મોટું… ગોળ-ગોળ… છે.’
ઝમકું ઘણુંય ફરી, ઘણુંય દોડી, પણ એને એનું ખોવાયેલું બોર ન મળ્યું તે ન જ મળ્યું. હવે ઝમકું નિરાશ થઈ ગઈ. ‘ગોળ-ગોળ વસ્તુઓ તો ઘણીય મળી, પણ મારું ખોવાયેલું બોર ક્યાંય ન મળ્યું! કયું હશે મારું ગોળગોળ લાલચટ્ટાક બોર?’
ઝમકું થાકીને પાછી એના ઘેર આવી. આવીને એણે જોયું કે જ્યાં એ સૂતી હતી, ત્યાં એક ગોળ-ગોળ વસ્તુ પડી હતી. આ એ જ વસ્તુ હતી, જેની બાજુમાં એણે બોર સંતાડ્યું હતું.
‘અરે! હું તો બખોલમાં એકદમ ઊંઘી ગઈ હતી! મારી આંખ બંધ હતી, પણ મેં વિચાર્યું કે હું જાગું છું અને મેં મારા નાનકડા બોરને… મારી જ બંધ આંખની બાજુમાં સંતાડ્યું હતું!’
ઝમકું હસવા લાગી. એણે તરત જ બખોલમાંથી એનું લાલચટક બોર કાઢ્યું. એની બાજુમાં જ એક મોટા, ગોળ-ગોળ પાંદડા પર તે પડ્યું હતું.
ઝમકું બોરને જોઇને બોલીઃ‘ઓહ! તું તો કેટલું સુંદર અને ગોળ-ગોળ છે! તને શોધવા હું કેટકેટલું ભટકી આવી! અને તું તો અહીં શાંતિથી પડ્યું છે!’ ઝમકુંએ હસતાં-હસતાં એ ગોળ-ગોળ મીઠા બોરને ખાધું અને બીજું બોર શોધ ‘ઝૂંઉમમમ… ઝૂંઉમમમ..!’ કરતી દોડતી ગઈ!









































