રાખનાં રમકડાં
“આ સમાજ, આ આખી દુનિયા કહે છે કે સ્ત્રીની બુદ્ધી પગની પાનીએ હોય છે પરંતુ હું કહું છું કે સ્ત્રીની બુદ્ધી તેના કપાળ પર રહેલા કુમકુમ ચાલ્લામાં અને સેથામાં, તેની સિંદૂરભરી માંગમાં તીવ્રતાથી છુપાયેલી હોય છે. તારી આટલી બધી મોટી કથા સાંભળી મને થાય છે કે, સ્ત્રી ચેતીને ચાલે અને તેના કંથની અનુમતીથી કોઇપણ કાર્ય કરે તો… એ સ્ત્રી આગમાં પણ માર્ગ મેળવી શકે છે અને પાણીમાં પણ રસ્તો શોધી લે છે..” હવે દામલે તર્ક સંબંધી વાત કરતાં આગળ કહ્યું. “જ્યોતિ, તું ભલે પરિણીત હો પરંતુ હજી પણ મને તો તું કુંવારી અને નાદાન કુમળી કળી જેવી જ દેખાય છે. તીવ્રતાભરી તારી કલ્પના આકાશને ચૂમે તો નવાઇ નહીં. તું જેવી દેખાય છે તેવી નથી અને તું જેવી છે તેવી જાવામાં પણ આવતી નથી. તારૂં રૂપ તો કંઇક અલગ જ છે. તારી સઘળી અદા પણ ખૂબ વિચિત્ર છે. વળી તારી જીભ પર તો જાણે સાક્ષાત સરસ્વતી બેઠી હોય તેમ મને લાગી રહ્યું છે. હા, તને તો હું તારા પગથી કે માથા સુધી ઓળખું છું. આવું બધું સ્પષ્ટ જાણવા છતાં પણ હું તો તને જ પ્રેમ કરીશ અને એ પણ મારા મૃત્યુ સુધી ! તારે તારા સંસારમાં સુખી થવા મને ભૂલી જવું એ તારો ધર્મ નહીં પણ સ્વાર્થ ગણાય. છતાં… બેશક તું મને ભૂલી જજે, પણ હું તો તને કયારેય ભૂલી જ નહી શકું…” આંખમાં ઝળઝળિયાં આવતાં આટલું બોલી દામલ ચૂપ થયો. પછી હાથરૂમાલથી તેણે તેની આંખો લૂછી.
આવી પરિસ્થિતિ થતાં જ્યોતિ ઘડીભર તો અચકાઇ જઇને સૂનમૂન ઊભી રહી. પછી અચાનક શું થયું કે તે ઝડપથી દામલને ભેટી પડી અને પછી દામલની છાતીમાં મોઢું છુપાવીને રડવા જ લાગી. બસ હૈયાફાટ રૂદન કરતી રહી, ખરેખર જ્યોતિનું અત્યારનું રૂદન અફાટ હતું. એટલે તો દામલના બન્ને હાથના પંજા જ્યોતિની પીઠ પર પ્રેમથી કયાંય સુધી ફરતા જ રહ્યા. ત્યારે દામલની આંખો પણ ભીની તો હતી જ…
આમ જુઓ તો દામલ હજી કાચો કુંવારો યુવાન જ હતો. હજી તો તેણે તેની જિંદગીની શરૂઆત કરવાની પણ બાકી હતી. ત્યાં તો નસીબજાગે આ કેવું બધું થઇ ગયું. હવે તેના ભવિષ્યનું શું ? સાચે જ દામલ તો તેની જગ્યાએ ખરે જ સાચો હતો. પરંતુ સમય અને સંજાગો માણસ જાતને બધી રીતે મજબુર અને લાચાર બનાવી દે છે. અત્યારે દામલ તેનો આ જીવંત પુરાવો હતો.
તો પછી જ્યોતિ પણ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે સાવ સાચી જ હતી તે તો પરિણીતા હતી, સુહાગણ હતી અને પતિને પરમેશ્વર માનતી વિજયની પત્ની હતી. પરંતુ સેકન્ડ કલાસ ઓફિસર એવા પતિના શરીરમાં કુદરતે પૌરૂષત્વની શારીરિક ખામી રાખી દઇને જ્યોતિને આવું કામ કરવા મજબુર બનાવી દીધી હતી. હા, જ્યોતિ કંઇ અવળા માર્ગે કયારેય ગઇ ન હતી. એવો વિચાર પણ તેને આવ્યો ન હતો. કોઇની પથારી ગરમ કરવાની તેની નેમ કે તેનો ઇરાદો ન હતો.. એ તો…
જ્યોતિ તો પતિ વિજયને સાચો પ્રેમ કરતી હતી. વિજય પણ પત્ની જ્યોતિને દિલથી પ્રેમ કરતો હતો, ચાહતો હતો. પરંતુ પતિને પુત્રેષ્ણા એટલી બધી તીવ્ર હતી કે નાછૂટકે જ્યોતિને આવી લીલા કરવી પડી, આવું પગલું ભરવું પડયું એ તો ઠીક, પરંતુ આવું કરવા માટે આડકતરી રીતે વિજયની સંમતી અને ઇચ્છા પણ હતી જ. એનું કારણ વિજય તો જાણતો જ હતો કે, જ્યોતિ મારાથી સંતુષ્ટ નથી થતી. આખરે સંતુષ્ટ થવા માટે એકસ્ત્રી ગમે તે રસ્તે જઇ ચડે તેના કરતા પહેલેથી જ સંમતી આપવી સારી. જેથી કરીને તેની પસંદગી પ્રમાણેનું પાત્ર, પુરૂષ પસંદ કરે. સારૂં અને સાચું શરીરસુખ તો જ મળી શકે. એટલે તો જ્યોતિએ દામલ સાથે શરીરસંબંધ બાંધ્યો, શરીરસુખની ચરમસીમા અનુભવી અને ગર્ભવતી પણ બની.
આવું બધું વિચારતા હવે જ્યોતિનાં નયનો સજળ થયાં. એ સાથે રડતી જ્યોતિ સામે ધુંધળું છતાં એક ભયાનક દૃષ્ય ખડું થયું:
એક દિવસ સાંજના સાડા સાત વાગે વિજય ઓફિસેથી ઘરે આવ્યો. જ્યોતિએ હસીને તેના હાથમાંથી બેગ લઇ લીધી અને ઠંડા પાણીનો પ્યાલો આપ્યો. થોડું પાણી પી લઇ વિજય સોફામાં આડો થયો. તેની આંખો થોડી લાલ દેખાતી હતી અને ચહેરો પણ સાવ ઉદાસ હતો. એટલે જ્યોતિએ સામાન્ય રીતે એમ પૂછયું:“ઓફિસનું કામ વધારે છે ?” “ઓફિસના કામને તો હું પહોંચી વળું પરંતુ માનસિક રીતે મને કયાંય ચેન નથી જ્યોતિ ! મને મારો દીકરો મળશે કે નહીં તેની જ ચિંતા કોરી ખાય છે. આપમેળે જ આ ચિંતા વધે છે. પછી સહન ન થાય તેવા વિચારો હવે તો ખૂબ જ વધતા રહે છે. હું ખૂબ જ કંટાળી ગયો છું. હું સાચું કહું તને ? !! (ક્રમશઃ)













































