ગમે એવાં ભણેલ છોકરાઓને ભું પાય હકે એવાં અભણ અમથાલાલની મતી આજે મારી ગઈ હતી.
જ્યારે જ્યારે ગામ ઉપર કોઈ ઓચિંતી આફત ઊતરી આવે છે, ત્યારે કોઈની કારી ના ફાવે તંઈ અભણ અમથાલાલને બોલાવવા પડે છે. ઈ અમથાલાલ આજે મોઢું સીવીને બેઠાં છે.
વાત એમ છે કે, અર્ધું ગામ ગામને ગોંદરે આવી ને ગયું છે. સૌ ગામમાં વાતો કરે છે કે, ગામનાં ગોંદરે કોઈ ‘કરોડ પતિ બનેવીલાલ’ આવ્યાં છે.
અમથાલાલે ‘ય આવીને નિરિક્ષણ કર્યું. આડા અવળું, આમથી તેમ જોયું. પણ, એકેય બાજુંથી કરોડ પતિ બનેવીલાલ લાગતાં નથી. હા, કદાચ! બનેવીલાલ હશે!! પણ, કરોડ પતિ!?? અને બનેવીલાલ હશે તો.. ગામનાં કોઈનાં તો જમાઈ હશે ને !?? પણ કોનાં જમાઈ ??
અમથાલાલને ટપ્પો નાં પડ્‌યો એટલે એમણે વાત પુગાડી બોસ પાંહે. કદાચ! એ ઓળખતાં હોય.
‘‘બોસ, ગામને ગોંદરે એક માણસ આવ્યો છે. અને કહે છે કે, હું તમારો ‘કરોડ પતિ બનેવીલાલ’ છું. તો એ કોનાં જમાઈ હશે!??’’
બોસને ય નવાઈ લાગી. ‘ગામ આખામાં માંડ માંડ થોડાં ‘ક લાખો પતિ મળે. એમાં આ કરોડ પતિ બનેવીલાલ ક્યાંથી ટપકી પડ્‌યો !!’’
‘‘અમથાલાલ , એ માણહ કેવી રીતે મતલબ કઈ ગાડી લઈને આવ્યો છે? શું એમની પાંહે મોંઘીદાટ, મોટી, ભારે માંહ્યલી ગાડી બાડી છે? અને એ ગાડીમાં લાડી છે ?’’
‘‘ના ના ના બોસ. ગાડી તો શું હારુ મોટરસાયકલે ‘ય નથી.ગુડીયા વેલ (પગે ચાલીને) કરીને આવ્યો છે.’’
‘‘અમથાલાલ, કરોડ પતિ હોય તો ગાડી તો લાખો રૂપિયાની હોવી જોઈએને? આજકાલ તમે નથી જોતાં. કરોડ પતિનાં બી પી એલ છોકરાઓને અને છોકરીઓ કેવી મોંઘી મોંઘી ગાડીઓ લયને પુરપાટ ઝડપે નીકળે છે. અને થાર,બી એમ ડબલ્યુ ને કંઈ કેટલીય ગાડી. આપણને તો નામે ય ના આવડે એવી એવી ગાડીનાં એક્સીડન્ટ કરે છે. પોતે તો કદાચ મરે પણ, હારે હારે નિર્દોષ માનવીઓનો ય જીવ લે છે.
આ..આ.. શું છે ? લોકોને બતાવે છે કે, અમારી પાસે આવી આવી મોંઘી ગાડીઓ છે. અને અમે એને આટલી ઝડપે કોઈની પણ પરવાહ કર્યા વગર હંકારી
આભાર – નિહારીકા રવિયા હકીએ છીએ. તો પછી આ ગામનાં બનેવીલાલ પાંહે એકાદ ગાડી તો હોવી જોઈએ કે નહીં !??’’
‘‘તમારી વાતમાં દમ છે બોસ. પણ આ ગળે પડું બનેવીલાલને હવે ઓળખવો કેમ? એ કોનો જમ મતલબ જમાઈ હશે? અને પાછો કહે છે કે, હવે મારે ઘર જમાઈ રહેવું છે. મારી પાસે જે ધન છે, એને આ વિસ્તારની આજુબાજુ વહેંચવુ છે.’’
‘‘અમથાલાલ, એણે કપડાં કેવાં પહેર્યા છે? જો એણે ગોંઠણેથી અને હાથળેથી ફાટેલ પેન્ટ પહેર્યું હશે ને તો કદાચ એ કરોડ પતિ હશે. આજકાલ કરોડ પતિના છોકરાઓ અને છોકરીઓમા આવાં કપડાં પહેરવાની નવી ફેશન હાલે છે. (જે ચાલીસ વર્ષ પહેલાં ગરીબના છોકરાઓ પહેરતાં) આવું કાંઈ એમણે પહેર્યું છે?’’
‘‘ના બોસ, આવું તો કાંઈ એમણે નથી પહેર્યું!! ઊલટાના હાદા કપડાં અને માંથે બંડી -જરસી ઠપકારી છે. ’’
‘‘માળો બનેવીલાલ!! આજનાં કરોડ પતિનાં એકેય છોકરાં જેવો લાગતો નથી. તો તો પછી આ કહેવાતાં બનેવીલાલને રૂબરૂ મળવું પડશે અમથાલાલ.’’
‘‘તો પછી જટ હાલો, એ ગામમાં ખોટું બોલીને કોઈનું ફુલેકું ફેરવી નાંખે ઈ પેલાં આપણે જ એમનું ફુલેકું મતલબ પથારી ફેરવી દઈએ અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દઈએ. (આજકાલ દૂધનાં ટેન્કરેય નકલી ભરાય છે. આમાં કહેવતેય ભોંઠી પડે છે.)
હુંહવાટા ભર્યા બેય આગળ ચાલે છે. અને પાછળ પાછળ પંદર વીસનુ ટોળું. ગામને ગોંદરે આવીને હંધાય ઊભાં રહી ગયાં.
બોસમા વ્યાપેલો રઘવાટ એક જ સેકન્ડમાં ટાયરમાંથી હવા નીકળે એમ નીકળી ગયો. ગામ લોકો મોઢામાં આંગળા નાંખી ગયાં. બોસને અચાનક જ આ શું થયું? હમણાં જ આરપારની લડાઈ લડી લેશે એવું લાગતું હતું ને , અચાનક જ હંધાય હથિયાર હેઠાં કાં મૂકી દીધાં!??
છેવટે બોસે જ મોઢું ખોલ્યું.
‘‘લે..એ !આવો..આવો..વિકાસ ભાંભૂ બનેવીલાલ !!’’
આખો ગોંદરો મોઢું સીવીને બેહી ગયો.
‘વિકાસ ભાંભૂ બનેવીલાલ?? ઈ વળી કોણ??’’
દરેકનાં બંધ મોઢામાં એક જ પ્રશ્ન હતો.
આખરે બોસે જ ચોખવટ કરી.
‘‘આ આપણાં ગામે માનેલી બેનનો ઘરવાળો વિકાસ ભાંભૂ બનેવીલાલ છે. વરસો પહેલાં એ રાજસ્થાન હરિયાણાથી ઢોરા લયને આપણાં ગામ આવેલ. એની ઘરવાળીને ગામે બહેન માનેલ. એ નાતે એ ખરો બનેવીલાલ થયો કહેવાય.’’
છતાંય અમથાલાલને હજીય કરોડ પતિની શંકા ઊભી જ હતી.
એ પણ બોસે ચોખવટ કરી દીધી.
‘‘અમથાલાલ, એ કરોડ પતિ બનેવીલાલ હાસો.
એમની પાંહે એક પાડો છે. જેનું નામ છે ‘કુબેર’ રાજસ્થાનમાં એક આંતરરાષ્ટ્રીય મેળો ભરાયો હતો. એમાં આ પાડો કુબેરને સર્વોચ્ચ એવોર્ડ મળ્યો હતો.
જાણે દુનિયાનો સૌથી સુંદર પાડો.
એમ હમણાં કુરૂક્ષેત્રમા પણ આવો જ એક મેળો ભરાયો. જેમાં આ ફતેહાબાદના ‘નાહોડી’ ગામનો વિકાસ ભાંભૂનો કુબેર પાડો ઈટલીના ખરીદદારે રૂપિયા ૨૧ કરોડમાં માંગ્યો.
પરંતુ આપણાં બનેવીલાલે કહ્યું ૨૧ તો શું ૫૦ કરોડ આપો તોય મારે આ કુબેરને વેચવો નથી.’’
‘‘પણ બોસ, આ બનેવીલાલને અહીં આવવાનું કારણ શું?” અમથાલાલને પ્રશ્ન થયો. હવે બનેવીલાલને બોલવું પડ્‌યું.
‘‘આ પાડો અત્યારે ૨૦૦૦ થી ૩૦૦૦ પાડા -પાડીનો બાપ છે. મને દર મહિને રૂપિયા પંદરથી વીસ લાખ કમાઈને આપે છે. એવી ઉત્તમ નસલ/ઓલાદનો આ પાડો છે. મને થયું તમારાં વિસ્તારનું મારાં માથે રૂણ છે. એ રૂણ થોડું ઘણું ય ઉતારૂં. અને હમણાં અહીં જ રોકાઈ જાવ.
ગોંદરો આખો તાળિયોથી ભરાઈ ગયો.