મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર માટે આજનો દિવસ તોફાન લઈને આવ્યો છે. શિવસેનાના વફાદાર ગણાતા ધારાસભ્ય એકનાથ શિંદે ૨૫ ધારાસભ્યો સાથે સુરત આવી ગયા છે. આ તમામ ધારાસભ્યો બળવાખોર હોવાના સમાચાર આવી રહ્યા છે.
આ સમાચારની સાથે એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે લગભગ ત્રણ વર્ષ પહેલા બનેલી મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની અઘાડી સરકાર થોડા જ કલાકોમાં ઉથલાવી શકે છે. સીએમ ઉદ્ધવ ઠાકરેએ આજે ઈમરજન્સી બેઠક બોલાવી હતી. એનસીપીના વડા શરદ પવાર પણ તેમના નિવાસસ્થાને વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજી છે, પરંતુ આ બધા વચ્ચે ભાજપ હળવાશ અનુભવે છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે જો રાજ્યમાં આઘાડીની સરકાર પડશે તો તેનો સીધો ફાયદો ભાજપને થશે. ભાજપ બળવાખોર ધારાસભ્યો અને અન્યોની મદદથી રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરવામાં સફળ થઈ જશે.
એ યાદ રહે કે નવેમ્બર ૨૦૧૯ માં, મહારાષ્ટ્રમાં ઠાકરેના નેતૃત્વમાં એનસીપી,કોંગ્રેસ અને શિવસેનાની સંયુક્ત સરકારની રચના કરવામાં આવી હતી. શિવસેના અને ભાજપનો જુનો સંબંધ છે. બંને સહયોગી રહ્યા છે, પરંતુ ૨૦૧૯માં ભાજપ ઉદ્ધવ ઠાકરેને સીએમ બનાવવા માગતી ન હતી, ત્યારપછી શિવસેનાએ ભાજપ સાથે સંબંધો તોડી નાખ્યા. જો આપણે સરકાર બનાવવા માટે ભાજપના સમીકરણોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ૨૮૮ વિધાનસભા બેઠકો પર ભાજપ પાસે ૧૦૬ ધારાસભ્યો છે. શિવસેના ૫૫, એનસીપી ૫૩, કોંગ્રેસ ૪૪, બહુજન વિકાસ અઘાડી ૩, સમાજવાદી પાર્ટી, એઆઇએમઆઇએમ અને પ્રહાર જનશક્તિ પાર્ટી બે-બે અને એમએનએસ(સીપીઆઇ એમ) રાષ્ટ્રીય સમાજ પક્ષ, સ્વાભિમાની પાર્ટી, જનસુરાજ્ય શક્તિ અને ક્રાંતિકારી શેતકરી પાસે એક-એક ધારાસભ્ય છે.
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ૨૮૮ બેઠકો છે. સત્તાના સિંહાસન પર બેસવા માટે કોઈપણ પક્ષને વિધાનસભામાં બહુમત માટે ૧૪૫ ધારાસભ્યોની જરૂર હોય છે. ૨૮૮માંથી એક સીટ ખાલી છે અને બે ધારાસભ્યો જેલમાં છે. તેથી પ્રભાવી સંખ્યા ૨૮૫ છે. આ સ્થિતિમાં સરકાર બનાવવા માટે ૧૪૪ ધારાસભ્યોના સમર્થનની જરૂર છે. હાલમાં ઉદ્ધવ ઠાકરે સરકારને ૧૫૨ ધારાસભ્યોનું સમર્થન છે, જો શિવસેનાના ધારાસભ્યો બળવો કરશે તો અન્ય કેટલાક પક્ષોના ધારાસભ્યો પણ ભાજપને સમર્થન આપે તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં, રાજ્યમાં વિધાનસભા બેઠકોની દ્રષ્ટિએ ભાજપ પહેલેથી જ સૌથી મોટી પાર્ટી છે. ભાજપના ૧૦૬ ધારાસભ્યો છે. જો ભાજપને એકનાથ શિંદે અને તેમની સાથે હાજર ૨૫ ધારાસભ્યોનું સમર્થન મળે છે તો ભાજપ સરકાર બનાવવાનો દાવો કરી શકે છે.
મહારાષ્ટ્રમાં ભાજપ માટે સંભવિત નવા વિકલ્પો
વિકલ્પ ૧ ભાજપ પાસે પહેલાથી જ ૧૦૬ સીટો છે. આવી સ્થિતિમાં, જો ભાજપને શિવસેનાના ૨૫ બળવાખોર ધારાસભ્યો અને રાજ્યની અન્ય વિવિધ નાની પાર્ટીઓનું સમર્થન મળે છે, તો ભાજપ સરકાર બનાવવાનો દાવો કરી શકે છે.
વિકલ્પ ૨ આ સિવાય જો બીજો વિકલ્પની વાત કરીએ તો ભાજપ, દ્ગઝ્રઁ અને શિવસેનાના બળવાખોર ધારાસભ્યો પણ સાથે મળીને સરકાર બનાવવાનો દાવો કરી શકે છે. ભાજપ પાસે ૧૦૬ ધારાસભ્યો છે, દ્ગઝ્રઁ પાસે ૫૩ ધારાસભ્યો છે, જ્યારે શિવસેના પાસે ૨૫ બળવાખોર ધારાસભ્યો છે. જો કે એનસીપી ભાજપને સમર્થન આપે તેવી આશા ઓછી છે.
વિકલ્પ-૩ આ સિવાય બીજો વિકલ્પ પણ સામે આવી રહ્યો છે. તે એ છે કે ભાજપ અને શિવસેનાએ સાથે મળીને સરકાર બનાવવાનો દાવો કરવો જોઈએ. શિવસેના પાસે ૫૫ ધારાસભ્યો છે. આવી સ્થિતિમાં જો ભાજપ અને શિવસેના સાથે આવે તો ભાજપ સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે. જો કે આવું બનવાની શક્યતાઓ નહિવત્ છે, પરંતુ એવું બની શકે છે કે તેને નકારી શકાય નહીં.