જોપાનમાં ક્વાડ સમિટનું આયોજન થયું છે પરંતુ તે પહેલા જ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને ચીનને આકરા શબ્દોમાં સંદેશ આપ્યો છે. જો બાઈડેને કહ્યું કે જો ચીન તાઈવાન પર હુમલો કરશે તો અમેરિકા તેનો બરાબર જવાબ આપશે. તેમણે કહ્યું કે તે પરિસ્થિતિમાં અમેરિકા તરફથી તાઈવાનને સૈન્ય મદદ અપાશે. તેમણે કડક શબ્દોમાં કહ્યું કે ચીન ‘આગ સાથે રમી’ રહ્યું છે.
મીડિયા સાથે વાત કરતા જો બાઈડેને કહ્યું કે તાઈવાનની રક્ષા કરવાનું અમારું કમિટમેન્ટ છે. તેમણે કહ્યું કે અમે વન ચાઈના પોલીસી સાથે સહમત છીએ. તેના પર અમે હસ્તાક્ષર પણ કર્યા છે. પરંતુ જબરદસ્તીથી કઈ પડાવવાનું કામ ચીન કરશે તો તે ઠીક નહીં રહે. તેનાથી સમગ્ર ક્ષેત્રમાં અશાંતિ થશે અને જેવું યુક્રેનમાં થઈ રહ્યુ છે એવી જ કાર્યવાહી અહીં પણ થશે. એક પ્રકારે જો બાઈડેને એ પણ જણાવી દીધુ કે પશ્ચિમી દેશો તરફથી યુક્રેનને મદદ કરાઈ છે અને તેના પગલે રશિયાને મોટો ઝટકો લાગ્યો છે. જો ચીન તરફથી તાઈવાનને લઈને આવો હુમલો કરાશે તો તેવી સ્થિતિમાં તેના વિરુદ્ધ પણ એવી જ રીતે એક્શન લેવાશે.
બાઈડેને આ દરમિયાન રશિયા અંગે પણ કડક ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે યુક્રેનમાં બર્બરતાની વ્લાદિમિર પુતિને કિંમત ચુકવવી પડશે. રશિયાએ લાંબા સમય સુધી તેની કિંમત ચૂકવવી પડશે. વાત ફક્ત યુક્રેન વિશે નથી. ચીન પણ એ જોઈ રહ્યું છે કે પશ્ચિમી દેશોના હસ્તક્ષેપના કારણે રશિયાએ કેવું પીછેહટ કરવાની ફરજ પડી છે. ચીનને આના કરતા વધુ કયા સંકેત મળી શકે કે જો તેણે તાઈવાન પર હુમલો કર્યો તો શું કિંમત ચૂકવવી પડશે. તેમણે એમ પણ કહ્યું કે ચીન પાસે તાઈવાનને જબરદસ્તીથી પડાવવાનો કોઈ અધિકાર નથી.
અમેરિકી રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું તે તાઈવાનને મુદ્દે અમેરિકી પોલીસીમાં કોઈ ફેરફાર આવ્યો નથી. જો બાઈડેનના આ નિવેદન બાદ હવે જોવાનું રહેશે કે ચીન શું કરે છે. તાજેતરમાં જ અમેરિકી સુરક્ષા સલાહકાર જેક સુલિવન સાથે વાતચીતમાં ચીનના ટોપ ડિપ્લોમેટ યાંગ જેઈચીએ કહ્યું હતું કે જો અમેરિકા તરફથી સતત તાઈવાન કાર્ડ ચાલતું રહ્યું તો જોખમી સ્થિતિઓ પેદા થઈ જશે.