આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે રશિયા પાસેથી સસ્તું તેલ મેળવવા છતાં ભારતમાં મોંઘા તેલ વેચવા બદલ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે જ્યારે રશિયાથી સસ્તું ક્રૂડ ઓઇલ ખરીદવામાં આવી રહ્યું છે, ત્યારે ભારતીયોને પણ તે સસ્તું મળવું જોઈએ, પરંતુ ભારતમાં પેટ્રોલ-ડીઝલ ૯૫ થી ૧૦૪ રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.
પત્રકારો સાથે વાત કરતા સંજય સિંહે કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત પર ૫૦ ટકા ટેરિફ લાદ્યો છે. અમે સતત માંગ કરી રહ્યા છીએ કે ભારત સરકાર દેશના વ્યાપારિક હિતોને ધ્યાનમાં રાખીને કેટલાક નક્કર પગલાં લે. અમેરિકાને સ્પષ્ટ સંદેશ આપવો જોઈએ. પરંતુ કમનસીબે આવું થઈ રહ્યું નથી.
આપ નેતાએ કહ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધ પછી, આખી દુનિયાએ રશિયા પાસેથી તેલ સહિત ઘણી વસ્તુઓ ખરીદવાનું બંધ કરી દીધું, પરંતુ ભારતે કહ્યું કે રશિયામાં સસ્તું તેલ ઉપલબ્ધ છે. તેથી, ભારત ફક્ત રશિયા પાસેથી જ તેલ ખરીદશે. તેમણે કહ્યું કે ભારતમાં અંબાણીની રિલાયન્સ કંપનીએ રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ તેલ ખરીદ્યું અને જાન્યુઆરી ૨૦૨૫ માં રશિયા સાથે કરાર કર્યો કે રિલાયન્સ ગ્રુપ દરરોજ રશિયા પાસેથી ૫ લાખ બેરલ ક્રૂડ તેલ ખરીદશે. જામનગર સ્થિત રિફાઇનરીમાં ક્રૂડ તેલનું પ્રોસેસિંગ કરવામાં આવશે.
સંજય સિંહે પૂછ્યું કે ક્રૂડ તેલ ખરીદવાથી દેશના ખેડૂતો અને સામાન્ય લોકોને શું ફાયદો થયો? તેમણે કહ્યું કે સરકારે આગળ આવીને આંકડાઓ સાથે જવાબ આપવો જાઈએ કે રશિયા પાસેથી કેટલું સસ્તું તેલ ખરીદવામાં આવ્યું અને દેશના લોકોને કેટલો ફાયદો થયો? પરંતુ આનો કોઈ જવાબ નથી. સંજય સિંહે આરોપ લગાવ્યો કે પીએમ મોદી બધો ફાયદો અદાણી અને અંબાણીને આપવા માંગે છે.
સંજય સિંહે કહ્યું કે ભારતે છેલ્લા છ મહિનામાં રશિયા પાસેથી ૨૩૧ મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ ખરીદ્યું. આમાંથી, અંબાણીની કંપની રિલાયન્સ ગ્રુપે એકલા ૭૭ મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ ખરીદ્યું. જ્યારે ભારતની અન્ય બધી કંપનીઓએ મળીને બાકીનું તેલ ખરીદ્યું. રિલાયન્સ ગ્રુપે જામનગર રિફાઇનરીમાં ઘન તેલ બનાવ્યું. જો આટલું ડીઝલ અને પેટ્રોલનું ઉત્પાદન કરવામાં આવે તો તે ભારતના લોકોને ઉપલબ્ધ થઈ શકે છે અને તે સસ્તા ભાવે આપી શકાય છે.









































