બિહારમાં ચૂંટણીના પહેલા તબક્કા માટે ફક્ત ત્રણ દિવસ બાકી છે, ત્યારે તમામ રાજકીય પક્ષોએ તેમની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. આજે, વડા પ્રધાન મોદીએ બિહારના પટનામાં એક રેલી યોજી હતી, જ્યારે રાહુલ ગાંધીએ બેગુસરાયમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર માટે રણશિંગુ ફૂંક્યું હતું. આ ઉપરાંત, મુખ્યમંત્રી નીતિશ કુમાર અને આરજેડી નેતા તેજસ્વી યાદવ સહિત અન્ય ઘણા અગ્રણી નેતાઓ પણ આજે બિહારમાં ચૂંટણી રેલીઓ કરી રહ્યા છે.લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ બેગુસરાયમાં કહ્યું, “બિહારમાં અમારું મહાગઠબંધન સત્તામાં આવશે અને અમે તમને શ્રેષ્ઠ શિક્ષણ પ્રદાન કરીશું. હું તમને વ્યક્તિગત રીતે ખાતરી આપું છું કે જે દિવસે મહાગઠબંધન કેન્દ્રમાં સત્તામાં આવશે, ત્યારે અમે નાલંદા યુનિવર્સિટી જેટલી સારી યુનિવર્સિટી ખોલીશું. અમે એક યુનિવર્સિટી ખોલીશું જ્યાં વિશ્વભરના વિદ્યાર્થીઓ આવશે અને પ્રવેશ મેળવશે.”રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં સરકારમાં કોઈ એક જાતિના વર્ચસ્વ પર પણ વાત કરી. તેમણે કહ્યું કે જા આપણે બિહારમાં સરકાર બનાવીશું, તો તે બધા માટે સરકાર હશે, કોઈ ચોક્કસ જાતિ માટે નહીં.રાહુલ ગાંધીએ પીએમ  મોદી પર પ્રહાર કરતા કહ્યું કે વડાપ્રધાન મોદી ટ્રમ્પથી ડરે છે અને પસંદગીના ઉદ્યોગપતિઓ તેમને પોતાના નિયંત્રણમાં રાખે છે. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે વડાપ્રધાન મત માટે કંઈ પણ કરશે. તેમને યોગ કરવા કહો અને તેઓ કેટલાક આસનો બતાવશે.રાહુલે કહ્યું કે ૧૯૭૧ માં ઇન્દિરા ગાંધીને અમેરિકા દ્વારા ધમકી આપવામાં આવી હતી, પરંતુ તેઓ ડર્યા નહીં અને તેમણે જે કરવાનું હતું તે કર્યું. દરમિયાન, જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે નરેન્દ્ર મોદીને “ઓપરેશન સિંદૂર” બંધ કરવાનું કહ્યું, ત્યારે મોદીએ બે દિવસમાં ઓપરેશન બંધ કરી દીધું.રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન યુવાનોને રીલ્સ જાવાનું કહી રહ્યા છે કારણ કે તેઓ ધ્યાન ભટકાવવા માંગે છે જેથી તેઓ બેરોજગારી અંગે પ્રશ્નો ઉભા ન કરે. મોટી સંખ્યામાં યુવાનો રાહુલ ગાંધીની રેલીમાં હાજર રહ્યા હતા. રાહુલે કહ્યું કે નરેન્દ્ર મોદી કહે છે કે, “ભાજપે તમને સસ્તો ડેટા આપ્યો છે જેથી તમે રીલ્સ જાઈ શકો અને રીલ્સ બનાવી શકો. પરંતુ જ્યારે તમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર રીલ્સ જુઓ છો, ત્યારે ઇન્ટરનેટના પૈસા અંબાણીને જાય છે. અંબાણીને તેનો સંપૂર્ણ ફાયદો થાય છે.”રાહુલ ગાંધીએ વચન આપ્યું હતું કે જ્યારે પણ બિહારને તેમની જરૂર પડશે ત્યારે તેઓ હાજર રહેશે. તેમણે કહ્યું, “તમારે ફક્ત મને આદેશ આપવાનો છે, ‘રાહુલ, અહીં આવો, અમને તમારી જરૂર છે, અમારું કામ કરો.'”વડા પ્રધાન મોદી પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું, “જે દિવસે જનતા સમજી જશે કે વડા પ્રધાન મોદી અને અદાણી ભાગીદાર છે, તે રમત ખતમ થઈ જશે.”રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું, “એસઆઈઆર બિહારમાં કાપવામાં આવેલા બધા મત મહાગઠબંધનના હતા.” વીઆઈપી પાર્ટીના સુપ્રીમો મુકેશ સાહની, આઈઆઈપી પાર્ટીના નેતા આઈ.પી. ગુપ્તા, અને ડાબેરી, આરજેડી અને અન્ય સાથી પક્ષોના નેતાઓ પણ રેલીમાં હાજર હતા.