મહુડીમાં આવેલું જિનાલય એ મૂળનાયક પદ્મપ્રભુ જિનેશ્વર ભગવાનનું ૨૪ તીર્થંકર ભગવંતની દેરી સહિતનું જિનાલય છે. જેની પ્રતિષ્ઠા યોગનિષ્ઠ આ.ભ.શ્રીમદ્‌ બુદ્ધિસાગર સુરિશ્વરજીના હસ્તે કરાઇ હતી. જૈનશાસનના ૫૨ વીરો પૈકી ૩૦મા વીર ઘંટાકર્ણ મહાવીરની પ્રતિષ્ઠા શ્રીમદ્‌ બુદ્ધિસાગર સુરિશ્વરજીએ કરી હતી. મહુડીમાં તીર્થંકર ભગવાનનાં દર્શનની સાથોસાથ ધનુર્ધારી ઘંટાકર્ણ મહાવીરનાં દર્શન કરી અને સુખડીનો પ્રસાદ આરોગવો એ એક સંભારણું બની રહે છે. આ સુખડીનો પ્રસાદ ઘરે કે મંદિરની બહાર લઇ જઇ શકાતો નથી તે પણ એક વિશેષતા ગણાય છે.
ચોખ્ખા ઘીની સુખડીના પ્રસાદને લીધે જગતભરમાં જાણીતા જૈન તીર્થધામ મહુડીનું અનેરૂં મહાત્મ્ય છે. મહુડી તીર્થધામ જૈનોના ૨૪ તીર્થસ્થાનોમાંનું એક હોઇ, પોતાની વિશેષ મહ¥વતાને કારણે દુનિયાભરમાં લોકો માટે દર્શનીય સ્થાન રહ્યું છે. લગભગ બે કિલોમીટર જેટલા વિસ્તારમાં પથરાયેલું જૈન મંદિરનું સંકુલ કલા કારીગરીસભર છે. અહીં ઘંટાકર્ણ ભગવાનનું મુખ્ય મંદિર આવેલું છે. મંદિરની ટોચ પર સોનાનો કળશ મુકેલો છે. આખું મંદિર આરસપહાણથી બનેલું છે, અહીં ખૂબ મોટી સંખ્યામાં જૈન, જૈનેતર અને શ્રદ્ધાળુઓ ઘંટાકર્ણ મહાવીર દાદાના દર્શને આવે છે.
જૈનોનાં મંદિરમાં મૂળ નાયક તીર્થંકરના યક્ષ-યક્ષિ‍ણીનું સ્થાપન હોય છે. પ્રભુ પ્રતિમાની નીચે દેવી હોય છે અને બહારના મંડપના ગોખલાઓમાં અનેક પ્રકારના શસ્ત્રધારક યક્ષ-યક્ષિ‍ણીની મૂર્તિઓ મંત્રથી પ્રતિષ્ઠિત કરેલી હોય છે. જૈનો માને છે કે મંત્રમાં સંમોહન શક્તિ છે, જે મંત્રના બળે દેવ આવે છે અને સહાય કરે છે.
ઘંટાકર્ણને આ દેરાસરના પ્રાંગણમાં જ બનેલી સુખડીનો પ્રસાદ ધરાવવાની પ્રથા વર્ષોની ચાલી આવેલી છે. આ સુખડી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, પરંતુ તે પ્રાંગણમાં જ ખાઈને કે ગરીબોને વહેંચીને પૂરી કરવાની હોય છે. સુખડીને આ સંકુલમાંથી બહાર લઈ જવાતી નથી.
આ મંદિરના ઇતિહાસમાં નજર કરીએ તો, સેંકડો વર્ષો પૂર્વે પ્રાચીન મહુડીમાં પદ્મપ્રભુસ્વામીનું જિનાલય હતું. સાબરમતીના પ્રચંડ પૂરને લીધે મહુડી ભયમાં મુકાતા જૈન અગ્રણીઓએ નવું ગામ વસાવી ત્યાં નૂતન જિનાલયનું નિર્માણ કરી સંવત ૧૯૭૪ના માગશર સુદ ૬ના દિવસે આચાર્ય બુદ્ધિસાગર સુરિશ્વરજીએ મૂળનાયક પદ્મપ્રભુસ્વામી, આદેશ્વરસ્વામીની પ્રતિષ્ઠા કરવાની સાથે પૂ.ગચ્છાધિપતિ કૈલાસસાગર સુરિશ્વરજી અને પૂ. સુબોધસાગર સુરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં ૨૭ જિનાલયનું નિર્માણ કર્યું ત્યારથી આ તીર્થનો વિકાસ થવા લાગ્યો. વિ.સં. ૨૦૩૯માં કૈલાસસાગર સુરિશ્વરજી અને સુબોધસાગર સુરિશ્વરજીની પ્રેરણાથી જિનાલયનો જીર્ણોદ્ધાર કરી મૂળનાયક પદ્મપ્રભુ ભગવાન, જમણી બાજુ શ્રેયાંસનાથ અને શાંતિનાથ તથા ડાબી બાજુ શીતલનાથ અને વાસુપૂજ્ય સ્વામીની પ્રતિષ્ઠા કરાઇ હતી.
ભગવાન ઘંટાકર્ણ મહાવીર એ બાવન વીર પૈકીના એક વીર ગણાય છે. મહુડીમાં શ્રી પદ્મપ્રભુના અધિષ્ઠાયક તરીકે શ્રી ઘંટાકર્ણ મહાવીરની સ્થાપના કરી છે. તે પ્રભુ ભક્તોને સહાયકારી થાય છે, તેના અનેક ચમત્કાર મનાય છે. ઘંટાકર્ણ મહાવીર દેવ પહેલા પૂર્વ ભવમાં એક આર્ય રાજા હતા. તે સતી, સાધુ તેમ જ ધર્મી મનુષ્યોના સંરક્ષણમાં જ જીવન ગાળતા હતા. દુષ્ટ રાક્ષસ જેવા મનુષ્યના હુમલાથી ધર્મી પ્રજાનું રક્ષણ કરતા હતા.
આચાર્ય બુદ્ધિસાગર સુરિશ્વરજીએ અજ્ઞાન, વહેમ, ભૂત-પ્રેતાદિ અનિષ્ટ તત્વોની પીડાથી ધર્મભ્રષ્ટ, આચારભ્રષ્ટ તથા જૈનોને મુક્ત કરવા ઘંટાકર્ણ વીર દેવને પ્રત્યક્ષ ભાવે સાક્ષાત્ કરી ભાવિકોને સહાયભૂત થવા વચનબદ્ધ કરી માત્ર ૧૨ દિવસના સમયમાં મહાપ્રભાવિક મૂર્તિનું ચારિત્ર્યવંત બે શિલ્પકાર પાસે નિર્માણ કરાવી પદ્મપ્રભુસ્વામી જિનાલયની બાજુમાં ઘંટાકર્ણ વીરની સ્થાપના કરી હતી. વિ.સં. ૧૯૮૦માં પદ્મસ્વામી જિનાલયની જમણી બાજુ નવા ભવ્ય મંદિરમાં યોગનિષ્ઠ બુદ્ધિસાગર સુરેશ્વરજી મ.સા.ના પાવન હસ્તે પ્રતિષ્ઠા કરાવી હતી. અહીં આવતા યાત્રાળુઓ માટે ભોજનશાળા તથા અદ્યતન ધર્મશાળાનું નિર્માણ કરાવ્યું હતું. મંદિર પરિસરમાં ક્લોઝ સર્કિટ ટીવી ગોઠવેલાં છે. યાત્રાળુઓની સગવડ માટે ક્લિનિકમાં મેડિકલ સારવાર પણ મળે છે.
કાળી ચૌદસના દિવસે ઘંટાકર્ણ મહાવીરનો હવન-યજ્ઞ યોજાય છે. જેમાં શ્રદ્ધાળુઓ પગના અંગૂઠાથી માથા સુધીની લંબાઇની નાડાછડી કે લાલ રંગની કંદોરી પર ૧૦૮ ગાંઠ વાળે છે.
ગાંધીનગરથી ૪૮ કિલોમીટર તથા વિજાપુરથી ૧૦ કિલોમીટરના અંતરે આવેલું મહુડી પાકા રસ્તાથી જોડાયેલું હોવાથી રાજ્યનાં શહેરોમાંથી એસ.ટી.બસની સુવિધા મળી રહે છે. મહુડીમાં આવેલાં ૨૩ જેટલાં ધાર્મિક સ્થાનોમાં જૈન મંદિરો ઉપરાંત રાધાકૃષ્ણ મંદિર, સાંકળેશ્વર મહાદેવ મંદિર, અંબાજી મંદિર, ચામુંડા મંદિર, હાજીપીરની દરગાહ, ગોગા મહારાજ મંદિર, હરસિદ્ધ માતા મંદિરનો સમાવેશ થાય છે.
જૈન મુનિઓ, યતિઓ, શ્રીપૂજકો, શ્રાવકો, ઘંટાકર્ણવીરના મંત્ર જપી, આરાધના કરે છે. મહુડીમાં શ્રી પદ્મપ્રભુના અધિષ્ઠાયક શ્રી ઘંટાકર્ણ મહાવીર દાદા, જે પ્રભુ ભક્તોને સહાયકારી થાય છે. તે બાબતના અનેક ચમત્કાર પણ સંભળાય છે. ઘંટાકર્ણ મહાવીર દેવ પહેલાં પૂર્વ ભવમાં એક આર્ય રાજા હતા. તે સતીઓનું, સાધુઓનું તેમ જ ધર્મી મનુષ્યોના રક્ષણ કરવામાં પોતાનું જીવન ગાળતા હતા. દુષ્ટ રાક્ષસ જેવા મનુષ્યોના હુમલાથી ધર્મી પ્રજાનું રક્ષણ કરતા હતા. તેમને સુખડી પ્રિય હતી. તેઓ અતિથિની સેવાભક્તિ કરતા હતા.
અમદાવાદથી ૮૦ કિ.મી.ના અંતરે વિજાપુર પાસે મહુડીમાં આવેલું આ તીર્થક્ષેત્ર ૨૦૦૦ વર્ષ જેટલું પ્રાચીન મનાય છે. હાલના દેરાસરની તથા ઘંટાકર્ણ મહાવીરના સ્થાનની પ્રતિષ્ઠા સંવત ૧૯૭૪ અને વિક્રમ સંવત ૧૯૮૦માં કરાઇ હતી. ચમત્કારી ગણાતા આ તીર્થધામમાં માનતા રાખનાર શ્રદ્ધાળુઓની માનતા અહીં જરૂર પૂરી થાય છે.
જૈનો તીર્થયાત્રાએ જાય છે, પ્રભુની સહાયતાથી પોતાનામાં રહેલા સદ્‌ગુણોનો પ્રકાશ કરવા ઈચ્છે છે. મહુડીમાં આવેલ દરેક યાત્રી ઘંટાકર્ણ મહાવીરની કૃપા પામે છે. મહુડીનો નિયમ છે કે, સુખડી મંદિરની બહાર લઈ જવાતી નથી. ધાર્મિક માન્યતાથી શરૂ થયેલી આ વાત અત્યારે કદાચ સામાજિક દૃષ્ટિએ કહીએ તો એ રીતે સારી છે કે, દરેક
આભાર – નિહારીકા રવિયા વ્યક્તિને ત્યાં સુખડી મળી રહે. મહુડી તીર્થમાં રહેવાની ઓરડીઓ મળે છે. જમવા માટે ભોજનાલય છે અને ખૂબ જ વાજબી ભાવે ત્યાં જમવાનું મળી રહે છે. આમ મહુડી જૈનો અને જૈનેતર માટે મહ¥વનું યાત્રાધામ- તીર્થધામ બની ગયું છે.