ઇઝરાયલ અને લેબનોન વચ્ચે તણાવ ઝડપથી વધી રહ્યો છે. આ તણાવથી અન્ય દેશોની ચિંતા પણ વધી ગઈ છે. યુ.એસ. અને યુકે સરકારોએ તેમના નાગરિકોને ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધના ભય અને વ્યાપક પ્રાદેશિક સંઘર્ષની સંભાવનાઓ વચ્ચે ‘કોઈપણ ઉપલબ્ધ ટિકિટ’ પર લેબનોન છોડવાની સલાહ આપી છે.
અહેવાલ અનુસાર, લેબનોનમાં યુએસ એમ્બેસીએ કહ્યું કે ભલે કેટલીક એરલાઇન્સે દેશમાં તેમની સેવાઓ સ્થગિત કરી દીધી હોય, પરંતુ ફ્લાઇટ્સ હજી પણ ઉપલબ્ધ છે અને નાગરિકોએ મિડલ ઇસ્ટ દેશ છોડવા માટે ઉપલબ્ધ કોઈપણ ફ્લાઇટ્સ તરત જ બુક કરાવી લેવી જાઈએ.
બેરુતમાં યુએસ એમ્બેસીએ કહ્યું, ‘યુએસ એમ્બેસીને જાણવા મળ્યું છે કે ઘણી એરલાઇન્સે ફ્લાઇટ્સ સસ્પેન્ડ અથવા રદ કરી દીધી છે અને ઘણી ફ્લાઇટ્સ બુક થઈ ચુકી છે. જા કે, લેબનોન છોડવા માટે કોમર્શિયલ ટ્રાન્સપોર્ટના વિકલ્પ હજુ પણ ઉપલબ્ધ છે. અમે લેબનોનથી નીકળવા ઇચ્છતા લોકોને કોઈપણ ઉપલબ્ધ ટિકિટ બુક કરાવવાની સલાહ આપીએ છીએ, પછી ભલે એ ફ્લાઈટ તરતની ન હોય અથવા તેમની પસંદગીના રૂટની ન હોય.’
દરમિયાન, બ્રિટિશ સરકારે પણ લેબનોનમાં હાજર તમામ બ્રિટિશ નાગરિકોને તાત્કાલિક ત્યાંથી નીકળી જવાની સૂચના આપી છે. બ્રિટનના વિદેશ મંત્રી ડેવિડ લેમીએ એક નિવેદનમાં કહ્યું, ‘તણાવ ખૂબ જ વધારે છે અને સ્થિતિ ઝડપથી બગડી શકે છે.’ અહેવાલોમાં તેમણે ટાંકીને કહેવામાં આવ્યું કે ‘બ્રિટિશ નાગરિકોને મારો સ્પષ્ટ સંદેશ છે – તરત જ નીકળી જાઓ.’ અમેરિકા અને બ્રિટન ઉપરાંત અન્ય ઘણા દેશોએ પણ તેમના નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે લેબનોન છોડવા માટે સલાહ આપી છે.
અગાઉ લેબનોનની રાજધાની બેરૂતમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને દેશ છોડવા માટે કહ્યું હતું. ભારત સિવાય અન્ય ઘણા દેશોએ પણ પોતાના નાગરિકોને લેબનોનની મુસાફરી ન કરવાની સલાહ આપી છે. સાથે જ પોતાના નાગરિકોને લેબનોન છોડવા પણ કહ્યું છે. ઓસ્ટ્રેલિયાએ તેના નાગરિકોને લેબનોનની મુસાફરી ન કરવાની અને શક્ય તેટલી વહેલી તકે ત્યાંથી નીકળી જવાની સલાહ આપી છે.