બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મોતિહારીથી સમાજ સુધાર અભિયાનની શરૂઆત કરી હતી. મોતીહારી પહોંચ્યા પછી મુખ્યમંત્રી નીતીશ ઐતિહાસિક ગાંધી મેદાન પહોંચ્યા હતા. તેમણે શરાબબંધી, દહેજ અને બાળ વિવાહ પર બોલતી વખતે એક મોટી જાહેરાત પણ કરી દીધી હતી. નીતીશ કુમારે કહ્યુ હતુ કે જે કાર્ડ પર એવું લખ્યું હશે કે દહેજ લીધું નથી એવા જ લગ્નમાં હું હાજરી આપીશ. તેમણે કહ્યું કે પહેલાના વખતમાં લગ્નના કાર્ડ પર લખાઇને આવતું હતું કે દહેજ લીધું નથી. આ પંરપરા હવે વિસરાઇ ગઇ.નીતીશ કુમારે કહ્યુ કે હું જાહેર કરું છુ કે ભલે કોઇ કેટલો પણ નજીકનો વ્યકિત કેમ ન હોય, જે કાર્ડ પર દહેજ લીધું નથી એવું લખાયેલું નહીં હશે, એવા લગ્નમાં હું હાજરી નહી આપું. તેમણે ઉપસ્થિત જનતાને કહ્યું હતું કે તમે પણ આવું વચન લો. નીતીશ કુમારે શરાબ બંધીને લઇને જુની વાત પર જ ભાર મુક્યો હતો કે શરાબ બંધી મહિલાઓના કહેવા પર કરવામાં આવી છે. જેને કારણે સમાજની સ્થિતિમાં સારો એવો સુધારો આવ્યો છે. તમે લોકો પણ સાથ આપો અને વચન આપો કે શરાબ બંધી, દહેજ અને બાળ વિવાહ સામે ઉભા રહેશો.નીતીશ કુમારે શરાબ બંધી પર ચર્ચા કરતા કહ્યુ હતુ કે તમે કેટલું પણ સારું કામ કરો, પરંતુ કોઇને કોઇ ગરબડ તો રહેતી જ હોય છે. જયારે અમે શરાબ બંધી લાગૂ કરી ત્યારે લોકો ઘણા ખુશ હતા. અમે તો પહેલા ગ્રામીણ વિસ્તારમાં જ દારૂબંધી કરી હતી, પરંતુ શહેરી વિસ્તારના લોકોએ પણ આ વાત સ્વીકારી. અત્યારે થોડી ગરબડ થઇ રહી છે, પરંતુ એને લાગૂ તો કરવી જ પડશે એમાં કોઇ બે મત નથી.દહેજનું દુષણ ચારેકોર વ્યાપેલું છે અને આજના કહેવાતા સુધરેલા સમાજમાં પણ આજે લોકો યુવતીના પરિવાર પાસેથી દહેજની માંગણી કરતા જ રહે છે. એમાં પણ આશ્ચર્યની વાત એ છે કે ભણેલાં ગણેંલા અને સુખી સંપન્ન લોકો પણ દહેજની માંગણી કરતા હોય છે.