રાજસ્થાનના જેસલમેરમાં ગઈકાલે રાત્રે થયેલા દર્દનાક રોડ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે. તો અન્ય ૨ સદસ્યો ઘાયલ થયા છે. આ ઘટનામાં ૬ વર્ષના માસુમ બાળકનો ચમત્કારિક રીતે બચાવ થયો છે. અકસ્માતને ભેટનાર આ પરિવાર વડોદરાનો રહેવાસી હતો, જેઓ દિવાળી વેકેશનમાં જેસલમેર ફરવા ગયો હતો. પરિવારની કાર અને ટ્રક સાથેના જોરદાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. ગુરુવારે રાત્રે ૯ વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. વડોદરાથી એક પરિવાર જેસલમેર ફરવા આવ્યો હતો. જેસલમેરથી ૩૦ કિલોમીટર પહેલા તેમની કારની ટક્કર પથ્થર ભરેલા એક ટ્રક સાથે થઈ હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક તાત્કાલિક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. રસ્તા પરથી પસાર થતા અન્ય મુસાફરોએ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી કરી હતી.
વડોદરાના રહેવાસી જયદ્રથભાઈ (ઉં.વ.૫૫), આમિત્રી દેવી (ઉં.વ.૫૨), નીતિનભાઈ (ઉં.વ.૩૦), સત્યેન્દ્રભાઈ (ઉં.વ.૩૫) તેમજ શિવમ કુમારી (ઉં.વ.૨૯) અને વિવાન (ઉં.વ.૬) અર્ટિકા કારમાં જેસલમેર ફરવા જઈ રહ્યાં હતાં. અકસ્માતમાં જયદ્રથભાઈ, આમિત્રી દેવી અને નીતિનભાઈનાં મોત થયાં હતાં, જ્યારે અન્ય લોકોને ઇજો પહોંચી હતી. અકસ્માતમાં ૬ વર્ષના બાળક વિવાન બચી ગયો છે.
અકસ્માતમાં ઘાયલ લોકોની મદદે રોડ પરથી પસાર થતા અન્ય લોકો આવ્યા હતા. તેમણે ઘાયલોને જવાહર હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ઘાયલોને પ્રાથમિક સારવાર માટે જોધપુરની હોસ્પિટલમાં રિફર કરાયા છે. ઘટનાની માહિતી મળતા જ નજીકના પોલીસ સ્ટેશનના અધિકારીઓ પહોંચ્યા હતા.