‘કેમ બેરાલાલ, અત્યાર સુધી ક્યાં ગ્યા ‘તા. તે આજે દેખાણા?’
બેરાલાલને આશ્ચર્ય થયું.
‘વેચાણા? વળી પાછાં કોણ વેચાણા?? મતલબ! ક્યા ધારાસભ્ય વેચાણા ?? અને કોણે ખરીદી કરી ??
એક ધારાસભ્ય છે. જે વારંવાર, વારંવાર એક પછી એક વેચાયા રાખે છે. અને એક ખેડૂતની ડુંગળી છે. જે વેચાતી જ નથી.’
‘ધારાસભ્ય બન્યાં પહેલા એને કોઈ વજનથી’ય ખરીદવા તૈયાર નહોતું. એ જ વ્યક્તિ એકવાર ધારાસભ્ય બની જાય એટલે કરોડોમાં વેચાઈ જાય છે. મતલબ, એની કિંમત કરોડો રૂપિયા થઈ જાય છે. અને એક અમારી ડુંગળી છે જેની જરાક વધારે કિંમત થાય ત્યાં તો સરકાર સહિત હંધાયના આંખે પાણી આવી જાય છે અને આખાં દેશમાં દેકારો દેકારો મચી જાય છે.’
‘અમે અમારી ડુંગળીને નાના છોકરાંની જેમ ઉછેરીને મોટી કરી હોય છે. આ જ ડુંગળી બસોમાં’ય કોઈ ખરીદતું નથી અને એક ધારાસભ્ય આખેઆખો કરોડોમાં વેચાઈ જાય છે.
કાંઈક કરો બોસ, કાંઈક કરો.’
બકાએ માંથુ કૂટયું.
‘બેરાલાલ..! અહીં ખરીદ વેચાણની વાત નથી હાલતી. કે કોઈ નવા ધારાસભ્ય પણ નથી વેચાણા. હું તમને પુછતો હતો કે, આજે કેમ દેખાણા??’
‘હા પણ, મેં તો હાંભળ્યું ’તું કે, વેચાણ માટે શાકભાજીની લાઈન લાગે. એમ વેચાણ માટે ધારાસભ્યનીય લાઈન લાગી છે. એટલે પુછાઈ ગયું.’
‘બેરાલાલ તમે સાવ ખોટાં તો નથી જ. પણ, હમણાં હમણાં ભાવ ઘટ્યો હશે કદાચ! એ આપણો વિષય જ નથી. મોટા માણસોનું કામ છે, એ જાણે.
પણ, તમે ખેડૂતને વારંવાર બિચારો, બાપડો કેમ ગણો છો? ખેડૂત તો જગતનો તાત છે. એને હલકામાં ન લો.’ હવે અભણ અમથાલાલનો વારો આવ્યો. ‘બેરાલાલ, બકાની વાત હાવ નાંખી દીધાની નથી. એનું મૂલ્ય બહુમૂલ્ય છે. ખેડૂત વગરનાં સમાજની કલ્પના ‘ય કરવી મુશ્કેલ છે.’
‘હા, તો મને બતાવો ખેડૂતની શું કિંમત છે? એની કિંમતને કોણ પુછે છે? અને દાડિયાથી વધારે એને કોણ ગણે છે??’
અમથાલાલને હવે કહેવું જ પડ્‌યું. ‘બેરાલાલ , તમારી જાણ ખાતર કહીં દઉં કે, સૌથી વધારે પૈસાદાર ખેડૂત ‘મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા – ૨૦૨૪ ’તરીકેનો ખિતાબ /એવોર્ડ એક ગુજરાતીને મળ્યો છે. અને એય તે આપણાં રાજકોટની નીતુબેન પટેલને મળ્યો છે. એમની પાસે ખેતીની આવકની સંપત્તિ છે. એકસો કરોડ રૂપિયા. હા હા, સો કરોડ રૂપિયા. એક ખેડૂત પુત્રી કરોડપુત્રી જ નહીં. અબજપુત્રી બની ગઈ છે. હવે તમે એમ નહીં પુછો કે, આ કેવી રીતે થયું?’
બેરાલાલની આંખો ઓડે ગઈ. પણ, સો કરોડની વાત હાંભળીને એને ગલગલીયા થયા.
‘અમથાલાલ! આપણે આટલા બધા પૈસાવાળા નથી થાવું. નહીંતર વળી ચૂંટણીમાં ઊભા રહેવાનું મન થાહે. આપણે તો બસ બે પાંચ લાખ પતિ થાવું છે. એ આપણા નીતુબેને શું કર્યું? એ તો કહો.’
‘એમણે બે જ વાતને ધ્યાનમાં રાખીને ખેતી કરી. એક ‘અમૃત કૃષિ ’અને બીજું ‘જાદુઈ માટી’
અમૃત કૃષિ જેને નેચરલ ફાર્મિંગ પણ કહે છે. જેમાં કુદરતી પધ્ધતિથી જ ખેતી કરવાની હોય છે. અને જાદુઈ માટીમાં માટીનું સંવર્ધન કરીને ખેતી કરવાની હોય છે. આ બન્ને પ્રકારની ખેતીમાં જંતુનાશક દવા કે ખાતરનો ઉપયોગ કરવાનો નથી. શુધ્ધ ઓર્ગેનિક ફસલ ઉગાડવાની અને વેચવાની હોય છે.
‘સામે તમે કે આપણે શું કરીએ છીએ? વરસોથી કપાસ તો કપાસ અને મગફળી તો મગફળી જ વાવીએ છીએ. ખાતર નાખ્યા રાખીએ અને દવા છાંટ્યા કરીએ.’
‘તો.. રીતુબેન શું વાવે છે??’
‘તેઓ પરંપરાગત પાક છોડીને સરસવ ઉગાડીને એનું તેલ, ખાપલી ઘઉં ઉગાડીને ઓનલાઇન વેચાણ કરે છે. ઔષધિય વનસ્પતિ ઉગાડીને દવા બનાવીને વેચે છે. ડેરી પ્રોડક્ટ્‌સમાં પ્યોર ઘી થી માંડીને ઘણું બધું બનાવીને ઓનલાઇન વેચે છે.’
અને સૌથી મોટી વાત. ખેડૂત ક્યાં માર ખાય છે? એ જૂઓ. પાંચ કે દસ પૈસામાં તૈયાર થતી નાનકડી ખીલી. એની કિંમત કોણ કરે? એનો માલિક. અને મોટું મશીન બનાવીને એની કિંમત કોણ નક્કી કરે? બનાવનાર. જ્યારે..! ખેડૂતનો લાખો રૂપિયાનો માલ હોય. છોકરાની જેમ સંભાળ્યો હોય. પણ ! એની કિંમત કોણ નક્કી કરે ? તો કહે વેપારી.
‘બસ, નીતુબેન અને અન્ય ખેડૂતોમાં અહીં જ ફરક છે. નીતુબેને ઉગાડેલા ખાપલી ઘઉંની કિંમત રીતુબેન જ નક્કી કરે છે.’
‘જ્યારે આપણો ખેડૂત ભાવ ના મળે તો ટામેટાં રોડ ઉપર ફેંકી દે છે. કોબીજનો ભાવ ના મળે તો ગૌશાળામાં ઠલવી દે છે. અને ડુંગળીવાળા તો ખાડો કરીને દાટી’ય દે છે. અને, દૂધવાળાને લોખંડની ભેંશ વાળા પુરો ભાવ ના આપે તો દૂધને રોડ ઉપર જ ઠલવી દે છે. કેમ ? કેમ ?? તમે નીતુબેન ના બની શકો !???’ ‘ખેડૂતનાં ખેતરમાં હજારો, લાખો પાંદડાઓ હોય છે. પરંતુ ખેડૂત કાયારેય બે પાંદડે નથી થતો.
એક નીતુબેને દરેક પાંદડાની ગણતરી કરી અને આજે એ અબજપુત્રી છે.’

kalubhaibhad123@gmail.com