મહારાષ્ટ્રના અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાને બુધવારે મુંબઈ સેશન કોર્ટે શરતી જામીન આપ્યા હતા. તો નવનીત રાણા આજે જેલમાંથી બહાર આવી ગયા છે. સાંસદ નવનીત રાણા છેલ્લા ૧૧ દિવસથી ભાયખલા જેલમાં બંધ હતા અને ૧૨માં દિવસે તેઓ બહાર આવ્યા છે. મહત્વનું છે કે નિયમ પ્રમાણે નવનીત રાણાને સાંજે પાંચ કલાકે છોડવાના હતા, પરંતુ તબીયત ખરાબ હોવાને કારણે તેમને જલદી છોડી દેવામાં આવ્યા છે.
અમરાવતીથી લોકસભા સાંસદ નવનીત રાણાની સાથે સીઆરપીએફ અને મુંબઈ પોલીસની સુરક્ષા આપવામાં આવી છે. જેલમાંથી બહાર આવ્યા બાદ નવનીત રાણા લીલાવતી હોસ્પિટલ પહોંચ્યા છે, જ્યાં તેમનું ચેકઅપ કરવામાં આવ્યું અને દાખલ કરવામાં આવ્યા છે.
લાઉડસ્પીકર વિવાદમાં જેલમાં બંધ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાને બુધવારે કોર્ટે શરતી જામીન આપ્યા હતા. રાણા દંપત્તિને કોર્ટથી ૫૦ હજારના વ્યકિતગત બોન્ડ પર છોડવામાં આવ્યા છે.
સેશન કોર્ટે રાણા દંપત્તિને જામીન માટે શરતો રાખી છે. કોર્ટના આદેશ પ્રમાણે રાણા દંપતિ મીડિયા સાથે વાત કરી શકશે નહીં. પૂરાવા સાથે છેડછાડ કરી શકશે નહીં. કોર્ટે સાથે ચેતવણી આપી કે તે બીજીવાર આવો કોઈ ગુનો કરશે નહીં. આ સિવાય જ્યારે તેમને પોલીસ નોટિસ આપશે તો ૨૪ કલાકની અંદર પોલીસ સ્ટેશનમાં હાજરી પૂરાવવી પડશે. જા તે ફરી આવો ગુનો કરશે તો જામીન રદ્દ થઈ જશે.
મહત્વનું છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના બાંદ્રા સ્થિત ખાનગી આવાસ માત્રોશ્રી બહાર હનુમાન ચાલીસાનો પાઠ કરાવવાની જાહેરાત બાદ ઉભા થયેલા વિવાદને કારણે લોકસભા સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાની ૨૩ એપ્રિલે ધરપકડ કરવામાં આવી હતી.