ટેસ્ટ ઈતિહાસમાં ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ વિકેટ લેનાર ઝડપી બોલર જેમ્સ એન્ડરસને ધર્મશાલા ટેસ્ટમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. એન્ડરસને અહીં કુલદીપ યાદવને આઉટ કરીને ટેસ્ટ કારકિર્દીની ૭૦૦મી વિકેટ લીધી હતી.
આ સિદ્ધિ મેળવનાર તે વિશ્વનો પ્રથમ ઝડપી બોલર અને એકંદરે ત્રીજા બોલર છે. તેની પ્રથમ ૭૦૦ વિકેટની ક્લબમાં બે સ્પિનરો મુથૈયા મુરલીધરન (૮૦૦) અને શેન વોર્ન (૭૦૮)ના નામ સામેલ છે. એન્ડરસનનું નિશાન હવે શેન વોર્નનો રેકોર્ડ હશે. ૪૧ વર્ષીય એન્ડરસને અહીં હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે ભારત સામેની ૫મી અને અંતિમ ટેસ્ટ મેચનો ત્રીજા દિવસ ઈંગ્લેન્ડ ક્રિકેટ માટે યાદગાર બનાવ્યો. આ મેચ પહેલા એન્ડરસન ૭૦૦ વિકેટના આંકડાથી માત્ર ૨ વિકેટ દૂર હતો. તેણે પોતાની કારકિર્દીની ૧૮૭મી ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ મેળવી હતી.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાની વાત કરીએ તો શ્રીલંકાના મુથૈયા મુરલીધરનના નામે સૌથી વધુ ૮૦૦ વિકેટ છે. તેણે ૧૩૩ ટેસ્ટ મેચની ૨૩૦ ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. તેના પછી દિવંગત લેગ સ્પિનરશેન વોર્નનું નામ આવે છે, જેણે ૧૪૫ ટેસ્ટ મેચોની ૨૭૩ ઇનિંગ્સમાં ૭૦૮ વિકેટ લીધી હતી. આ મામલામાં ભારતના અનિલ કુંબલે ચોથા સ્થાન પર છે, જેણે ૧૩૨ મેચની ૨૩૬ ઇનિંગ્સમાં કુલ ૬૧૯ વિકેટ લીધી હતી.