રાજ્યસભામાં સોમવારે બંધારણ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન ખડગેએ વડાપ્રધાન મોદી પર અંગત પ્રહારો પણ કર્યા અને કહ્યું કે તેમણે છેલ્લા ૧૧ વર્ષમાં બંધારણને મજબૂત કરવા માટે કંઈ કર્યું નથી. ખડગેએ પોતાના ભાષણ દરમિયાન સંઘ પર પણ જોરદાર પ્રહારો કર્યા હતા.
ખડગેએ કહ્યું કે જેઓ દેશની આઝાદી માટે લડ્યા નથી, તેઓ દેશની આઝાદી અને બંધારણનું મહત્વ કેવી રીતે જાણશે? વડાપ્રધાન આપણને શીખવી રહ્યા છે અને કહે છે કે આપણે જૂઠા છીએ, પરંતુ વડાપ્રધાન પોતે એક નંબરના જુઠ્ઠા છે. તેણે કહ્યું હતું કે ૧૫ લાખ રૂપિયા આવશે, પરંતુ આવ્યા નહીં. આ લોકો દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે. વડાપ્રધાને દેશને જણાવવું જોઈએ કે તેમણે છેલ્લા ૧૧ વર્ષમાં બંધારણને મજબૂત કરવા માટે શું કર્યું.
શાસક પક્ષ પર નિશાન સાધતા ખડગેએ કહ્યું, ‘તમે પંડિત નેહરુના નામ પર બધાનું અપમાન કરી રહ્યા છો. સરદાર પટેલ અને આંબેડકર પણ તેમની સાથે હતા. પંડિત નેહરુએ મુખ્યમંત્રીઓને પત્ર લખ્યો હતો, જેનો વડાપ્રધાને તેમના ભાષણમાં ઉલ્લેખ કર્યો હતો, પરંતુ વડાપ્રધાને તથ્યોને વિકૃત કરીને પંડિત નેહરુને બદનામ કર્યા હતા. આ માટે તેણે દેશની માફી માંગવી જોઈએ. અમે આ માંગ કરીએ છીએ.
કોંગ્રેસ અધ્યક્ષે આરોપ લગાવ્યો કે ‘ભાજપ અનામત વિરોધી છે અને તેથી જ તેઓ જાતિ ગણતરીનો વિરોધ કરી રહ્યા છે. વડાપ્રધાનને આ દેશના સ્વાતં. સંગ્રામ વિશે બહુ જાણકારી નથી. દેશના બંધારણની પ્રશંસા કરતા ખડગેએ કહ્યું કે ‘જ્યારે ઘણા શક્તિશાળી દેશોમાં સાર્વત્રિક પુખ્ત મતાધિકાર ન હતો, મહિલાઓને મત આપવાનો અધિકાર ન હતો, તે સમયે ભારતે સાર્વત્રિક પુખ્ત મતાધિકાર આપ્યો, મહિલાઓને મતદાનનો અધિકાર આપ્યો. કોંગ્રેસે આ આપ્યું, બંધારણ આપ્યું. જ્યારે આરએસએસ, જનસંઘે તેનો વિરોધ કર્યો હતો.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે ‘વર્ષ ૧૯૪૯માં સંઘના નેતાઓએ ભારતના બંધારણનો વિરોધ કર્યો હતો કારણ કે તે મનુસ્મૃતિ પર આધારિત નથી. તેમજ ત્રિરંગો સ્વીકાર્યો ન હતો. ૨૬ જાન્યુઆરી, ૨૦૦૨ના રોજ પ્રથમ વખત સંઘના મુખ્યાલયમાં ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો કારણ કે કોર્ટે આવો આદેશ આપ્યો હતો. બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકોની સ્થિતિ પર ખડગેએ કહ્યું કે, ‘આપણી બહાદુર નેતા ઈન્દીરા ગાંધીએ પાકિસ્તાનને બે ભાગમાં વહેંચી દીધું અને બાંગ્લાદેશને આઝાદ કરાવ્યું. આ દેશનું ગૌરવ આખી દુનિયામાં ફેલાયેલું છે. ત્યાં (બાંગ્લાદેશ) જે અશાંતિ ચાલી રહી છે, ઓછામાં ઓછા આ (ભાજપ) લોકોએ આંખો ખોલવી જોઈએ અને ત્યાંના લઘુમતીઓને બચાવવાનો પ્રયાસ કરવો જોઈએ.