હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના ધારાસભ્યોએ બિહાર વિધાનસભામાં નવો બખેડો ઉભો કર્યો છે. ઓવૈસીની પાર્ટીના પાંચેય ધારાસભ્યોએ વિધાનસભામાં રાષ્ટ્રીગીત વંદે માતરમ ગાવાની ના પાડી દીધી હતી. એટલું જ નહીં, ધારાસભ્યોએ એમ પણ કહ્યું કે, સ્પીકર બળજબરીથી રાષ્ટ્રીગીત અને રાષ્ટ્રીગાન ગાવાની પરંપરા થોપી રહ્યા છે.
હકીકતે આ વખતે શીતકાલીન સત્ર દરમિયાન બિહાર વિધાનસભાના સ્પીકર વિજય કુમાર સિન્હાએ સત્રના પહેલા દિવસે રાષ્ટ્રીગાન (જન-ગણ-મન) અને અંતિમ દિવસે રાષ્ટ્રીગીત (વંદે માતરમ) ગાવાની પરંપરા શરૂ કરી છે. શીતકાલીન સત્રના અંતિમ દિવસે જ્યારે રાષ્ટ્રીગીત ગાવામાં આવી રહ્યું હતું ત્યારે ઓવૈસીની પાર્ટીના પાંચેય ધારાસભ્યોએ રાષ્ટ્રીગીત ગાવાની ના પાડી દીધી હતી.
શીતકાલીન સત્રના સમાપન બાદ એઆઇએમઆઇએમના બિહાર પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય અખ્તરૂલ ઈમાન વિધાનસભા સ્પીકર વિજય કુમાર સિન્હા પર બરાબરના વરસ્યા હતા અને રાષ્ટ્રીય ગાન અને રાષ્ટ્રીગીતની નવી પરંપરા થોપવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે જ ઈમાને એવી દલીલ કરી હતી કે, બંધારણમાં ક્યાંય પણ નથી લખ્યું કે, રાષ્ટ્રીગીત ગાવું ફરજિયાત છે.
ઈમાને કહ્યું કે, ‘જેને રાષ્ટ્રીય ગીત ગાવું છે તે ગાય. પરંતુ મારો સવાલ એ છે કે, શું બંધારણમાં રાષ્ટ્રીય ગીત ગાવું ફરજિયાત છે? રાષ્ટ્રીય ગીત ગાવું ઓપ્શનલ છે. અમારા માટે રાષ્ટ્રીય ગીત ગાવું જરૂરી નથી.’
ઓવૈસીની પાર્ટીના પાંચેય ધારાસભ્યોએ જે રીતે વિધાનસભામાં રાષ્ટ્રીય ગીત ગાવાની ના પાડી દીધી તેને લઈ ભવિષ્યમાં નવો રાજકીય વિવાદ સર્જાવાનું નિશ્ચિત જણાઈ રહ્યું છે.