જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ)ના જંગલ વિસ્તારમાં એક અજોણ્યા વ્યકિતનો મૃતદેહ ખૂબ જ સડેલી હાલતમાં ઝાડ પર લટકતો મળી આવ્યો હતો. ઘટનાની માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે શુક્રવારે સાંજે લગભગ ૬.૩૦ વાગ્યે પોલીસને જેએનયુના જંગલ વિસ્તારમાં મૃતદેહ લટકતો હોવાની માહિતી મળી હતી. જ્યારે પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું ત્યારે જંગલ વિસ્તારમાં એક ઝાડ પર લટકતી લાશ અત્યંત વિકૃત હાલતમાં મળી આવી હતી. તેમણે જણાવ્યું કે મૃતકની ઉંમર ૪૦-૪૫ વર્ષની વચ્ચે હોવાનું જણાય છે.
અધિકારીએ જણાવ્યું કે હજુ સુધી લાશની ઓળખ થઈ નથી. ક્રાઈમ અને ફોરેન્સિક ટીમને તપાસ માટે સ્થળ પર બોલાવવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે પૂછપરછની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
યુનિવર્સિટીના સૂત્રોએ જણાવ્યું કે મૃતદેહ જેએનયુના કોઈ વ્યકિતનો હોવાનું જણાતું નથી. યમુના હોસ્ટેલ પાસેના જંગલમાંથી લાશ મળી આવી હતી. કેટલાક વિદ્યાર્થીઓ જંગલમાં ફરવા ગયા હતા, જ્યાં તેઓને દુર્ગંધ આવી અને તેઓએ આ અંગે અધિકારીઓને જોણ કરી.