ગાંધી જયંતીના દિવસે સમગ્ર ગુજરાતના ગામોમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ જૂની હળિયાદ ગામના સરપંચ આ સભામાં હાજર ન રહેતા ઉપસરપંચે દાદાગીરીથી ગ્રામસભાની સમગ્ર કાર્યવાહી રદ્દ કરાવતા અધિકારીઓ પણ કાર્યવાહી વિના પરત જતા રહ્યા હતા. મળેલ માહિતી મુજબ જૂની હળિયાદ ગામે પંચાયતે કરેલ અનેક કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ વારંવાર ગ્રામસભા બોલાવવાની માગણી કરી હતી. ૨ ઓક્ટોબરે ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ હતું, પરંતુ સરપંચ જાણી જોઈને ગ્રામસભામાં ઉપસ્થિત રહ્યા ન હતા. વધુમાં ઉપસરપંચ પણ થોડીવારમાં દાદાગીરી કરી ગ્રામસભાને છોડી જતા રહ્યા હતા અને ઇન્ચાર્જ તલાટી મંત્રીને આજની ગ્રામસભાને રદ્દ કરવા કહ્યું હતું. ગ્રામસભામાં જિલ્લામાંથી ઉપસ્થિત રહેલ નોડલ અધિકારી પણ આ તમામ બાબત જોઈને છક થઈ ગયા હતા. ગ્રામસભામાં બનેલી તમામ કાર્યવાહીને નોંધ પર લઈ કાર્યવાહી કરવા ઉચ્ચ કક્ષાએ જાણ પણ કરી હતી. સતત ત્રીજીવાર ગ્રામસભામાં આ રીતે ઘટના બનવા છતાં સરકાર દ્વારા કેમ ભ્રષ્ટાચારીઓને છાવરવામાં આવી રહ્યા છે તેવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે. ગ્રામજનોએ તાત્કાલિક ગ્રામસભા બોલાવવા માટે માંગ કરેલ છે.