આજે જૂનાગઢ જિલ્લા પંચાયતની ૩૦ બેઠકોના પરિણામો ધીમે ધીમે સામે આવી રહ્યા છે. જે દિશા નિર્દેશ મળી રહ્યો છે, તે મુજબ ભારતીય જનતા પાર્ટી સત્તાની નજીક પહોંચી શકે તેટલા સભ્યો જીતાડવામાં સફળ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. જાકે, આ ચૂંટણી પરિણામોમાં આમ આદમી પાર્ટીએ ‘જાયન્ટ કિલર’ની ભૂમિકા ભજવી છે.
ખાસ કરીને વિસાવદર અને જુનાગઢ ગ્રામ્યના મતદારોએ આમ આદમી પાર્ટીને જારદાર આવકાર આપ્યો છે. વિસાવદર વિધાનસભા વિસ્તારમાં આવતી મોટાભાગની જિલ્લા પંચાયત બેઠકો પર પાર્ટીએ પોતાના ઉમેદવારોને જીતાડવામાં સફળતા મેળવી છે. મતદારોએ આજે પણ આમ આદમી પાર્ટીને ખોબલે ખોબલે મત આપીને વિજય અપાવ્યો છે. જેને કારણે વડાલ, ડુંગરપુર, કાલસારી, મોટી મોણપરી, ચુડા અને ભેસાણ જેવી બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો વિજેતા બન્યા છે.
માણાવદર વિધાનસભા હેઠળ આવતી વંથલી તાલુકાની કણજા બેઠક પરથી આમ આદમી પાર્ટીના પ્રવીણ ચાવડાએ ઇતિહાસ રચ્યો છે. તેમણે ભાજપના દિગ્ગજ ઉમેદવાર અને છેલ્લા પાંચ વર્ષથી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સેવા આપી ચૂકેલા ખટારીયા દંપતિને હરાવીને ‘જાયન્ટ કિલર’ સાબિત થયા છે.
ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો છે. તેની પાછળ સંગઠન અને ઉમેદવારોની પસંદગી કરવાની નિષ્ફળતા મુખ્ય કારણ માનવામાં આવે છે, જેને કારણે કાર્યકરો નિષ્ક્રિય રહ્યા. ભાજપના ઉમેદવારો બીલખા, જૂનાગઢ તાલુકાની મજેવડી, માંગરોળ તાલુકાની માંગરોળ, ઓજી, મેખડી, મકતુપુર તેમજ માણાવદરની કોયલાણા અને સરસઈ બેઠક પરથી વિજેતા રહ્યા છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસ પાસે રહેલી માંગરોળ ઓજી બેઠક પર વાલજીભાઈ ખેરનો પરાજય થયો છે.
જાકે, ભાજપના ઉમેદવારોની જીતની સરસાઈ ઘણી જ પાતળી જાવા મળી છે. વિસાવદર તાલુકાની સરસઈ બેઠક પરથી ભાજપના મહિલા ઉમેદવાર માત્ર ૫૩ મતોના માર્જિનથી જીત્યા છે. તેવી જ રીતે, ધંધુસર જિલ્લા પંચાયત બેઠક પરથી ભાજપના મહિલા ઉમેદવાર ૧૦૦૦ મતની સરસાઈથી વિજેતા બન્યા છે. નોંધપાત્ર બાબત એ છે કે ધંધુસર તાલુકા પંચાયતની બેઠક પર ભાજપના ઉમેદવારનો માત્ર એક મતથી વિજય થયો છે. ઈવીએમમાં બંને ઉમેદવારોને એકસરખા મત મળ્યા હતા, પરંતુ પોસ્ટલ બેલેટમાં ભાજપના ઉમેદવારને એક મત વધારે મળતા તેમનો વિજય સુનિશ્ચિત થયો.
જૂનાગઢ જિલ્લાની એકમાત્ર કેશોદ નગરપાલિકામાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. ભાજપના ૩૩ ઉમેદવારો ચૂંટણી જીતીને કોર્પોરેટર બન્યા છે, જ્યારે કોંગ્રેસના માત્ર ત્રણ ઉમેદવારો જ વિજેતા થઈ શક્યા છે. કેશોદમાં આમ આદમી પાર્ટીનો એક પણ ઉમેદવાર કોર્પોરેટર બનવામાં સફળ રહ્યો નથી. વિસાવદર અને જૂનાગઢ ગ્રામ્યમાં લોકોનો આવકાર મળ્યો હોવા છતાં, જિલ્લાની અન્ય પંચાયતો અને નગરપાલિકામાં આમ આદમી પાર્ટીને કોઈ નોંધપાત્ર સફળતા મળી નથી.








































