જૂનાગઢ શહેરની દારૂણ સ્થિતિ કોંગ્રેસે વ્યક્ત કરીઃ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની દારુણ સ્થિતીને ધ્યાને રાખીને જુનાગઢ કોંગ્રેસ દ્વારા લોકોના પ્રશ્નોને વાચા મળે તેમજ જૂનાગઢ શહેરમાં માળખાકીય કહી શકાય તેવી ગટર, રોડ અને સ્વચ્છ પાણીની વ્યવસ્થા સમગ્ર કોર્પોરેશન વિસ્તારમાં મળી રહે તે માટે આજે પ્રદેશ કોંગ્રેસ ઉપાધ્યક્ષ હીરાભાઈ જાટવાની હાજરીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમજ સામાન્ય રીતે લોકોની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવા માટે જવાબદાર મ્યુનિસિપલ કોર્પોરેશન આ બાબતને ધ્યાનમાં રાખે અને તાકીદે ફરી એક વખત પાયાની સુખ સુવિધાઓ જૂનાગઢના લોકોને આપવામાં આવે તેવી માંગ કરાઈ છે.
જૂનાગઢ કોંગ્રેસ દ્વારા છેલ્લા એક મહિનાથી જૂનાગઢ શહેરની ચોમાસા બાદની સ્થિતિને લઈને કોર્પોરેશનના તમામ પંદર વોર્ડમાં પાર્ટીના કાર્યકરો અને અહીંના સ્થાનિક લોકો પાસેથી જે તે વોર્ડની સમસ્યા લેખિતમાં મંગાવી હતી. છેલ્લા એક મહિનાથી આ પ્રકારનું કામ ચાલી રહ્યું હતું જેમાં જૂનાગઢ કોંગ્રેસને મળેલી વિગતો અનુસાર મોટાભાગના વોર્ડમાં ભુગર્ભ ગટર, પીવાનું પાણી અને ગેસની પાઇપલાઇનની સાથે નર્મદાના પાણીની મોટી પાઇપલાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે.
કોંગ્રેસના લોકોને સાથે રાખીને આંદોલન કરવા સુધીના પગલાંઃ પરિણામે તમામ રોડ ખોદવામાં આવી રહ્યા છે. જે જગ્યા પર કામ પૂરું થયું છે ત્યાં રોડ બન્યા નથી જે જગ્યા પર કામ પ્રગતિમાં છે ત્યાં રોડ ખોદેલા જાવા મળે છે આ પરિસ્થિતિની વચ્ચે લોકોની સામાન્ય દિનચર્યા પ્રભાવિત થતી હોવાનું સામે આવ્યું છે. તેને ધ્યાને રાખીને કોંગ્રેસ દ્વારા આજે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને આવેદનપત્ર આપીને લોકોને મુશ્કેલી ઓછી થાય અને આયોજનપૂર્વક ભૂગર્ભ ગટર, પીવાનું ચોખ્ખું પાણી અને રાંધણ ગેસની લાઈન નાખવાનું કામ તબક્કાવાર આગળ ધપાવવામાં આવે તો લોકોને ઓછી અગવડતાની વચ્ચે સુખાકારી મળી શકે તેવા આગ્રહ સાથે રજૂઆત કરાઈ છે. જા આગામી દિવસોમાં લોકોની સુખાકારીમાં કોઈ વધારો નહીં થાય તો કોંગ્રેસ લોકોને સાથે રાખીને આંદોલન કરવા સુધીના પગલાં પણ લેશે તેવું પ્રદેશના ઉપાધ્યક્ષ હીરાભાઈ જાટવાએ માધ્યમમો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.