ઐતિહાસિક અને પવિત્ર તીર્થધામ ગિરનાર ક્ષેત્રમાં ચાલી રહેલા વિવાદે જૂનાગઢમાં નવું સ્વરૂપ ધારણ કર્યું છે. આગામી ૨૩ એપ્રિલના રોજ યોજાનારી મહારેલી પૂર્વે જૈન સમાજમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે જૂનાગઢના વિવિધ જૈન સંઘોના પ્રતિનિધિઓએ રેન્જ આઈજી અને પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટને મળીને સુરક્ષાની માંગણી કરતું આવેદનપત્ર પાઠવ્યું હતું. જૈન સમાજનો આક્ષેપ છે કે શાંતિપ્રિય લઘુમતી સમુદાયને જાણીજોઈને સોફ્‌ટ ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યો છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે રેલીનું નેતૃત્વ કરનારા કેટલાક તત્વો સામાજિક સૌહાર્દ બગાડી રહ્યા છે અને તીર્થંકરો પર અભદ્ર ટિપ્પણીઓ થવાથી સમાજની ધાર્મિક લાગણી દુભાઈ છે. જૈન સમાજે ૨૩ એપ્રિલની રેલી અટકાવવા અથવા તો જૈન વસાહતો અને મંદિરો પર પોલીસ પેટ્રોલિંગ વધારી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા માંગ કરી છે. તંત્રને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો આવા તત્વો સામે કડક કાર્યવાહી નહીં થાય, તો ભવિષ્યમાં ધાર્મિક સ્થાનોની પવિત્રતા જોખમાઈ શકે છે.