ગુજરાતમાં મેઘરાજોએ પોતાની બેટિંગ શરૂ કરી દીધી છે અને છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૯૧ તાલુકામાં ઓછો-વધારે વરસાદ નોંધાયો છે.રાજ્યના ૧૫ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ ખેડા જિલ્લાના નડિયાદમાં ૩૯ એમ.એમ. નોંધાયો છે. સુરતના ઓલપાડમાં ૧૫ એમ.એમ. વરસાદ પડ્યો છે. અરવલ્લીના મેઘરજમાં અડધા કલાકમાં જ એક ઇંચ વરસાદ પડ્યાના સમાચાર પ્રાપ્ત થયા છે.
જૂનાગઢ જિલ્લામાં આજે સતત ત્રીજો દિવસે વરસાદ પડ્યો છે. વરસાદને પગલે શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા લોકોએ રાહત અનુભવી હતી. શહેરમાં આજે પવન સાથે વરસાદનું આગમન થયું હતું.
જયારે અરવલ્લી તાલુકાના મેઘરજમાં વરસાદે તોફાની બેટિંગ રમી હતી. અહીં અડધા જ કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. વરસાદને પગલે નગરમાંથી પસાર થતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદથી પાણી ભરાયા હતા. આજે મહિસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. લુણાવાડાના ગ્રામ્ય વિસ્તારમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. જિલ્લાના વિરનીયા ગામ વિસ્તારમાં વરસાદના આગમનથી ઠંડક પ્રસરી હતી. વરસાદના આગમનથી ખેડૂતોમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મલ્યો હતો.
દેવભૂમિ દ્વારકામાં પણ આજે વરસાદની પધરામણી થઈ છે. દ્વારકા તાલુકાના મીઠાપુર, આરંભડા વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. વાતાવરણમાં આવેલ પલટા બાદ ધીમીધારે વરસાદનું આગમન થતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સતત બીજો દિવસે વરસાદ પડ્યો છે. સોમવારે સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું. ધીમીધારે વરસાદ પડતા શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.
નર્મદા જિલ્લાનાં કણજી ગામ પાસે આવેલી દેવનદીમાં પ્રથમ વરસાદે જ કોઝવે પરથી ૮ વર્ષની બાળકી તણાઈ હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. કોઝવે પર માતાની આંખ સામે જ દીકરી પાણીમાં તણાઈ હતી. આ અંગેની જોણ થયા બાદ ગામ લોકો અને તંત્રએ બાળકીની શોધખોળ આદરી હતી.