શહેરમાં ખૂન, ખૂનની કોશિશ, લૂંટ અને ખંડણી સહિતના ગુનાઓમાં સંડોવાયેલી બંગલા ગેંગ સામે ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરી છે. ગુજસિટોક હેઠળ આ ગેંગ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. બંગલા ગેંગના પાંચ સભ્યો સામે ગુજસિટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૫થી આ ગેંગના સભ્યો દ્વારા કુલ ૩૦ ગુના આચરવામાં આવ્યા છે, જેમાંથી ૧૪ સંગઠિત ગુના છે. આ ગેંગના શખ્સો સામે હત્યા, હત્યાનો પ્રયાસ, ચોરી, લૂંટ, રાયોટિંગ, ખંડણી અને અપહરણ જેવા ગંભીર ગુનાઓમાં ફરિયાદો નોંધાઈ છે.આ ગેંગના સભ્યોએ ગુના આચરીને મેળવેલી રકમથી ઝાંઝરડા નજીક એક બંગલો બનાવ્યો હતો, જેના કારણે આ ગેંગને બંગલા ગેંગ તરીકે ઓળખવામાં આવતી હતી. તે સ્થળેથી આ ગેંગ ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવતી હતી. પોલીસને આ ગેંગના પાંચ પૈકી એક આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી છે.પોલીસે આ ગેંગના મુખ્ય આરોપી કરસન ગલાભાઈ મોરીની ધરપકડ કરી છે. બાકીના ચાર સભ્યો ફરાર છે, જેમનો સમાવેશ ભાવેશ ઉર્ફે ભાવિન બઢ, દિલીપ ઉર્ફે દિલા છેલ્લાણા, નિલેશ ઉર્ફે નીલુ બઢ અને જાદવ ઉર્ફે લાખો હુણમાં થાય છે. ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે જેમાં સામે આવ્યું કે આ ગેંગના પાંચ આરોપીઓ સામે ૩૦થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. આ ગુનાની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવીને વધુ તપાસ ચાલી રહી છે. ગ્રામ્ય ડીવાયએસપી રવિરાજસિંહ પરમાર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ જણાવ્યું કે જા કોઈ વ્યક્તિ આ ગેંગનો ભોગ બન્યો હોય, તો તે પોતાના નજીકના પોલીસ સ્ટેશનમાં નિર્ભયપણે ફરિયાદ નોંધાવે. જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ આઠ ગેંગ સામે ગુજસિટોક હેઠળ કાર્યવાહી થઈ ચૂકી છે, જેમાં હવે બંગલા ગેંગનું ઉમેરણ થયું છે. પોલીસના આ પગલાં બાદ અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે.