રણવીર સિંહની ફિલ્મ ધુરંધર હાલ થિયેટરોમાં ધમાલ મચાવી રહી છે. ફિલ્મને દર્શકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો છે. જાકે આ બધા વચ્ચે હવે જૂનાગઢમાં આ ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો છે. બ્લોચ મકરાણી સમાજના પ્રમુખ દ્વારા પોલીસમાં અરજી કરવામાં આવી છે. ફિલ્મ એક્ટર દ્વારા બોલવામાં આવેલા ડાયલોગને લઈને આ સમગ્ર વિવાદ છેડાયો છે. આ ફિલ્મમાં સંજય દત્ત દ્વારા એક ડાયલોગ બોલવામાં આવ્યો છે. જેને લઈને બ્લોચ મકરાણી સમાજની લાગણી દુભાઈ છે.
સંજય દત્તે આ ફિલ્મમાં એક એવો ડાયલોગ બોલ્યો છે કે હંમેશા બોલતા હું બડે સાહબ મગરમચ્છ પે ભરોસા કર સકતે હે લેકિન બ્લોચ પે નહીં. જેથી આ ડાયલોગને લઈને બ્લોચ મકરાણી સમાજની લાગણી દુભાઈ છે. આ મામલે ફિલ્મના અભિનેતા, ડાયલોગ રાઈટર અને ડિરેક્ટર વિરુદ્ધ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. સાથે જ એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે ડાયલોગને કારણે સમાજની પ્રતિષ્ઠાને ઘણું નુકસાન પહોંચ્યું છે.
થિયેટરોમાં ફિલ્મ ધુરંધર ૫ ડિસેમ્બરે રિલીઝ થઈ છે. ફિલ્મને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ હતો. આ ફિલ્મ આ વર્ષની સૌથી મોસ્ટ અવેટેડ ફિલ્મ હતી. રિલીઝ થયા પહેલા ફિલ્મની રોક પર પણ માગ કરવામાં આવી હતી. જેમાં શહીદ મેજર મોહિત શર્માના માતા-પિતાએ ફિલ્મ પર રોક લગાવવા માગ કરી હતી. તેમનું કહેવું એમ હતું કે ફિલ્મમાં દીકરાની સ્ટોરી દર્શાવવામાં આવી છે.
જાકે આ મામલે ડાયરેક્ટર આદિત્ય ધર દ્વારા સોશિયલ મીડિયા પર અગાઉથી જાણ કરી દેવામાં આવી હતી કે આ ફિલ્મ મેજર મોહિત શર્માના જીવન પર નથી બનેલી. ફિલ્મની પોપ્યુલારિટી દિવસેને દિવસે વધી રહી છે. આ ફિલ્મનો બીજા ભાગ ઈદ ૨૦૨૬ના રોજ રિલીઝ થવાનો છે. જાકે આ બધા વચ્ચે જૂનાગઢમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે. જેમાં બ્લોચ મકરાણી સમાજ દ્વારા ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો છે.








































