જુનાગઢના નરસિંહ મહેતા તળાવની કામગીરી ફરી વિવાદમાં આવી છે. વોર્ડ નંબર ૭ના ભાજપના જ કોર્પોરેટર જયેશ બોઘરાએ વીડિયો બનાવી નરસિંહ મહેતા તળાવની કામગીરીમાં ગેરરીતિનો આક્ષેપ લગાવી સવાલો ઉઠાવ્યા છે. કોર્પોરેટર જયેશ બોઘરાએ સ્થળ નિરીક્ષણ કરી નબળી કામગીરીની પોલ ખોલી છે. તેમણે તળાવના બ્યુટીફિકેશનમાં નબળી ગુણવત્તાનું કામ થતું હોવાનો દાવો કર્યો. દીવાલની ટાઇલ્સ તૂટીને હાથમાં આવી જતી હોવાનું પણ જોવા મળ્યું. આ મામલે કોર્પોરેટરે એજન્સી સહિત જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની માગ કરી છે.

બીજી તરફ જુનાગઢ મનપાના વિપક્ષ નેતા લલિત પરસાણાએ નરસિંહ મહેતા તળાવની ઢીલી કામગીરી સામે સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે આ તળાવ સત્તા પક્ષ માટે ભ્રષ્ટાચાર કરવાનું સાધન બની ગયું છે. જુનાગઢ મપાની સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પલ્લવી ઠાકરે તળાવની નબળી કામગીરી મુદ્દે સ્પષ્ટતા કરતા કહ્યું કે તળાવનું કામ મજબૂત થાય તે માટે મનપા પ્રયાસ કરે છે. નબળી કામગીરી કોઈપણ સ્થિતિમાં ચલાવી લેવામાં નહીં આવે.

જુનાગઢ મનપા કમિશનરે કહ્યું કે ટાઈલ્સ ઉખડી જવાની જે સમસ્યા છે. ચકાસણી બાદ કામમાં જો કોઈ ખામી જણાશે તો બિલનું પેમેન્ટ નહી કરવામાં આવે. ખામી નહી હોય તો કામ ચાલુ રખાશે જરૂર પડશે તો ટાઈલ્સની ડિઝાઈનમાં પણ ફેરફાર કરાશે.

નરસિંહ મહેતા તળાવની મંથર ગતિએ ચાલતી કામગીરી સામે પહેલા પણ સવાલ ઉઠતા આવ્યા હવે નબળી ગુણવત્તાની કામગીરી અંગે ખુદ સત્તા પક્ષના કોર્પોરેટર જ સવાલ ઉઠાવી રહ્યા છે. ત્યારે હવે એ જ જોવું રહેશે કે તપાસ બાદ મનપા શું કાર્યવાહી કરે છે.